Western Times News

Gujarati News

નિકોલમાં કોસમોસ પ્લાન્ટેશન દ્વારા તૈયાર થઈ ફ્લાવર વેલી

Ø  કોસમોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરના ફુલોના પ્લાન્ટ્સ વેલી રૂપે લગાવવામાં આવ્યા

Ø  મુલાકાતીઓ ઓનલાઇન તેમજ સ્થળ ઉપરથી ફિઝિકલ રીતે ટિકિટ મેળવી શકશે

Ø  ઓનલાઇન ટિકિટી માટે amdapark એપ્લિકેશન ડાઉનલોડ કરવી

Ø  12 વર્ષથી વધુના તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ ફી રૂ. 10 ની ટિકિટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલ વિસ્તારમાં ભારતના શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ફ્લાવર વેલી ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી છે. આ ફ્લાવર વેલીનું ઉદ્ધાટન અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ ફ્લાવર વેલી પૂર્વઝોનના નિકોલ વોર્ડમાં ટી.પી.100, એફ.પી.114 વાળા પ્લોટમાં અંદાજિત 20 હજાર ચો.મી કરતા વધુ વિસ્તારમાં ડેવલપ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે આ ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી છે.

ભારતના શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલીની વિશેષતાની વાત કરીએ તો આ ફ્લાવર વેલી ભારતના શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલી છે. જ્યાં એક જ પ્રકારના ફુલોથી સમગ્ર વિસ્તારને ફ્લાવર વેલી તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. આ વેલીની ખાસિયત એ પણ છે કે, અહી કોસમોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરના ફુલોના પ્લાન્ટ્સ વેલી રૂપે લગાવવામાં આવ્યા છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં તૈયાર થયેલી આ ફ્લાવર વેલીની મુલાકાતે આવનારા 12 વર્ષથી વધુના તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ ફી રૂ. 10ની ટિકિટ રાખવામાં આવી છે. એટલું જ નહીં, આ ફ્લાવર વેલીની ટિકિટ ઓનલાઇન તેમજ સ્થળ ઉપરથી ફિઝિકલ રીતે પણ મેળવી શકશે.

આ ફ્લાવર વેલીને નિહાળવા મુલાકાતીઓ માટે એક-એક કલાકના સ્લોટ રાખવામાં આવ્યા છે. આ ફ્લાવર વેલીમાં પ્રવેશ સમય સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.  આ ફ્લાવર વેલીની મુલાકાતે આવનારા મુલાકાતીઓ amdapark એપ્લિકેશન ડાઉનલોડ કરીને  ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકશે.  ઓનલાઇન બુકિંગ કરનારાને રૂ. 2 નું ડિસ્કાઉન્ટ પણ મળશે.

આ ફ્લાવર વેલીના ઉદ્ધાટન પ્રસંગે સાસંદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, પાર્ક એન્ડ ગાર્ડનના કમિશ્નર શ્રી રમેશ મિરજા, ડેપ્યુટી કમિશ્નર શ્રી સતિષ પટેલ, કાઉન્સિલરશ્રીઓ તેમજ જગન્નાથજી મંદિરના મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.