Western Times News

Gujarati News

Kedartal Uttarakhandનું સૌથી સુંદર તળાવ

કેદારતાલ ફરવા ગયેલા લોકો પાસે એક વાત તમને જરૂર સાંભળવા મળશે કે જીવનમાં એક વાર તો કેદારતાલ ચોક્કસ જવું જ જાેઈએ, જાેકે ત્યાં જનારા લોકો એમ પણ કહે છે કે આ જગ્યાની જર્ની કઠિન છે, ત્યાં ફરવું એ કાચાપોચાનું કામ નથી, એટલે તમને મુસાફરીમાં થોડું કષ્ટ પડશે એ તૈયારી સાથે જવું. જાેકે આ જગ્યા જ એવી છે કે મુસાફરી દરમિયાન પડેલી મુશ્કેલીને બદલે ત્યાં જઈને આવશો એટલે ત્યાંની અલૌકિક સુંદરતા જ તમને યાદ રહેશે.

કેદારતાલને ઉત્તરાખંડનું સૌથી સુંદર અને રહસ્યમયી તળાવ માનવામાં આવે છે. આ તળાવ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સમુદ્રતટથી ૪૭પ૦ મીટરની ઉંચાઈએ આવેલું છે. આ તળાવને શિવજીના તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીંના લોકોનું માનવું છે કે આ તળાવ ભગવાન ભોલેનાથને સમર્પિત છે એટલે જ તેને ત્યાંના લોકો કેદારતાલની સાથે શિવજીના તળાવ તરીકે પણ ઓળખે છે. કેદારતાલની ચારેબાજુ બરફાચ્છાદીત પર્વતો છે, એટલે જ અહીં આવનાર લોકોને અહી આવીને સ્વર્ગનો સાક્ષાત્‌ અનુભવ થાય છે. અહીંની સફેદ સુંદરતા તમને સ્વર્ગની જ અનુભૂતિ કરાવે છે. આ તળાવના ઈતિહાસ ઉપર નજર કરીએ તો કહેવાય છે કે અહીંનું પાણી સ્વયં ભગવાન ભોળાનાથે પીધું હતું.

પૌરાણિક કથા ઉપર એક નજર કરીએ તો જયારે દેવતાઓ અને અસુરોએ સમુદ્રમંથન કર્યું હતું ત્યારે તેમાંથી નીકળનારા ચૌદ રત્નોમાં વિષ પણ હતું. આ હલાહલ વિષને કોણ ધારણ કરશે એવા પ્રશ્ર સાથે દેવતાઓ શિવજી સમક્ષ જાેઈ રહ્યાં, એ સમયે ભગવાન શિશે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. આ હલાહલ વિષ પીવાથી તેમના ગળામાં અતિશય બળતરા ઉઘડી હતી. આ બળતરાને શાંત કરવા તેમણે ગંગોત્રીથી અઢાર કિ.મી. દુર આવેલા આ તળાવમાંથી પાણી પીધું હતું. ત્યારથી આ તળાવનું નામ કેદારતાલ પડ્યું અને તેમાથી નીકળતા પાણીની એક ધારાથી કેદારગંગાનું નિર્માણ થયું હતું. કેદારગંગા એ ગંગોત્રીમાંથી નીકળનાર ગંગાની સહાયક નદી માનવામાં આવે છે.

કેદારતાલનો ટ્રેક ગંગોત્રીથી શરૂ થાય છે. આ ટ્રેકને ખૂબ જ અઘરો ટ્રેક માનવામાં આવે છે. આ ટ્રેકમાં ચઢાણ બહુ છે, અહીં ઠંડી તો હોય જ છે સાથે સાથે અહી ભુસ્ખલનનું જાેખમ પણ બહુ રહે છે. ભુસ્ખલનના જાેખમના કારણે જ આ જગ્યાએ કષ્ટદાયી કહેવામાં આવે છે. અહીંની હવા પાતળી હોય છે વળી ચઢાણ પણ છે તેથી અહીં શ્વાસ લેવામાં ઘણીવાર સમસ્યા થઈ શકે છે. આ જગ્યાએ જવું હોય તો કપુરની ગોળી સિવાય અનેક જરૂરી વસ્તુઓ સાથે રાખવી જાેઈએ.

કેદારતાલ ટ્રેક ભલે મુશ્કેલીભર્યો હોય પણ એકવાર જાે તમે અહીં પહોંચી ગયા તો તમને પોતાને એમ થશે કે આનાથી સુંદર બીજી કોઈ જગ્યા જાેઈ નથી. કેદારતાલ ટ્રેકની યાત્રા ૪થી પાંચ દિવસની હોય છે, આ આખા ટ્રેક દરમિયાન તમે ગંગોત્રીથી થઈને ભોજખરક અને કેદારખર થઈને કેદારતાલ પહોંચી શકો છો. આખા ટ્રેક દરમિયાન તમે હિમાલયના પહાડોમાં સ્થિત ઘટાટોપ જંગલો અને ચટ્ટાનોને પાર કરીને કેદારતાલ પહોંચી શકો છો. આ આખો અનુભવ તમારી યાત્રાને રોમાંચક અને યાદગાર બનાવે છે. કેદારતાલના ગ્લેશિયર તમને ઠંડીનો અનુભવ કરાવવાની સાથે અદભુત સુંદરતાનો નજારો પણ આપશે.

એક પ્રસિદ્ધ ટ્રેક હોવાની સાથે કેદારતાલ માઉન્ટ થલયસાગર, માઉન્ટ ભૃગુપંથ અને માઉન્ટ જાેગિનનો બેઝ કેમ્પ પણ છે. કેદારતાલના ટ્રેક ઉપર ટ્રેકિંગ માટે જાણકાર ટ્રેકિંગ ગાઈડ સાથે રાખવા ખૂબ જરૂરી છે. આ જગ્યા હિમાલયના એવા ટ્રેકમાંથી એક છે જયાંથી તમને હિમાલયના સૌથી વિશાળ પર્વતો એકસાથે દેખાઈ શકે છે. કેવી રીતે જશો ઃ કેદારતાલ બાય ફલાઈટ જવું હોય તો દહેરાદૂનનું એરપોર્ટ નજીક રહેશે, ટ્રેનથી જવું હોય તો હરિદ્વાર કે ઋષિકેશના રેલવે સ્ટેશન ઉતરીને ત્યાંથી જઈ શકો છો. આ બંને જગ્યાએથી તમને બસ કે પ્રાઈવેટ વાહનો દર કલાકે મળી રહેશે. જાે તમે એડવાન્સ બુકિંગ કરાવી દેશો તો તમારા સમયનો વ્યય નહીં થાય. બાકી મોટાભાગના પ્રવાસીઓ ફલાઈટ કે ટ્રેન દ્વારા ત્યાં પહોંચીને પ્રાઈવેટ વાહનો ચલાવનાર સાથે પહેલેથી જ નકકી કરાવી રાખે છે જેથી પાછા ફરતી વખતે કોઈ સમસ્યા ન થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.