Western Times News

Gujarati News

40 સ્માર્ટ પાર્કિગ બનાવાશે, મોબાઈલ એપમાંથી મળશે ખાલી પાર્કિગનું લોકેશન

પ્રતિકાત્મક

મોબાઈલ એપ સાથે ઈન્ટિગ્રેશન કરી ૪૦ જગ્યાએ સ્માર્ટ પાર્કિંગની સુવિધા લોકોને અપાશે

અમદાવાદ, બે દિવસીય મ્યુનિસિપલ બજેટ બેઠકના ગઇકાલના છેલ્લા દિવસે મ્યુનિ.કમિશ્નર એમ.થેન્નારસને બજેટમાં કરાયેલા આયોજનથી આપણું અમદાવાદ પ્રગતિશીલ, ગૌરવવંતુ અને વિકાસશીલ શહેર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો. By integrating with mobile app, smart parking facility will be provided to people at 40 places

આ ઉપરાંત આ વર્ષે ૨૯૪ કિ.મી. લંબાઈના નવા રોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું હોવાની જાહેરાત પણ તેમણે સભ્યો સમક્ષ કરતાં પાટલીઓના થપથપાટથી હર્ષભેર વધાવી લેવાયા હતા.

આપણા અમદાવાદમાં રોડ, પાણી, ડ્રેનેજ, ટ્રાન્સપોર્ટ સહિતની અન્ય માળખાગત સુવિધાઓ વૈશ્વિક સ્તરની અને પર્યાપ્ત માત્રામાં હોય અને સ્વચ્છતાની બાબતમાં સમગ્ર ભારતમાં શહેર અગ્રસ્થાને રહે તે હેતુથી બજેટમાં સ્વચ્છતા મિશન-૨.૦ અંતર્ગત સ્વત્છતા અંગેનાં વિવિધ આયોજનથી શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો નિર્ધાર મ્યુનિસિપલ કમિશન એમ.થેન્નારસને બજેટ બેઠક દરમિયાન સભ્યોને સંબોધતાં વ્યક્ત કર્યાે હતો.

શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો નિર્ધાર મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને બજેટ બેઠક દરમિયાન સભ્યોને સંબોધતાં વ્યક્ત કર્યાે હતો. શહેરને ડસ્ટબિન ફ્રી સિટી બનાવવાના આયોજન હેઠળ છેલ્લા ચાર મહિનામાં ૨૨૦૦થી વધુ ડસ્ટબિન દૂર કરાયાં છે તેમજ પીરાણા ખાતે કાર્યરત બાયોમાઈનિંગ પ્રોજેક્ટ અંતર્ગત ૬૮ ટ્રોમેલ થકી આજદિન સુધી આશરે ૭૦ લાખ મેટ્રિક ટન લીગાસી વેસ્ટ પ્રોસેસ કરી અંદાજે ૩૫ એકર જમીન ખુલ્લી કરાઈ છે.

હવે વધુ ૨૦ એકર જમીન ખુલ્લી કરવાનો લક્ષ્યાંક રખાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નાગરિકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટેનાં વિવિધ આયોજન પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે નવા વિસ્તારો સહિત નેટવર્ક સાથે પાણીની સુવિધા મળી રહે તે હેતુથી ૩૦૫ કિ.મી.નું નેટવર્ક ઊભું કરાશે

તેમજ હયાત પાણીના પ્રેશરમાં સુધારો કરવા નવાં ૧૭ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, કોતરપુર ખાતે ૪૦૦ એમએલડી ક્ષમતાનો એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ૪૦ એમએલડી ક્ષમતાનો ઝેડ-એલડી પ્લાન્ટ બનાવાશે. શહેરીજનોને દિવસના ૨૪ કલાક પૂરતા પ્રેશરથી પાણીનું સમાન વિતરણ થાય

તેમજ નોન રેવન્યૂ વોટરમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ૨૪ કલાક ૭ દિવસ વોટર સપ્લાય સ્કીમના આયોજનથી ૧૦૦ ટકા વોટર નેટવર્ક સાથે તમામ લોકોને વોટર મીટરથી પાણી આપવાનું આયોજન પણ હાથ ધરાયું છે.

ડ્રેનેજના મામલે કમિશનર થેન્નારસને જણાવ્યું હતું કે શહેરના મધ્ય ઝોન અને પૂર્વ ઝોન વિસ્તારની જૂની પાણી અને ડ્રેનેજ લાઈનને રૂ.૩૯૮ કરોડના ખર્ચે બદલીને નવા રોડ તૈયાર કરી આ વિસ્તારને પોલ્યુશન ફ્રી કરાશે. નવા વિસ્તારો સહિત શહેરમાં ૧૧ સુએજ પમ્પિંગ સ્ટેશન અને પાંચ એસટીપી પણ બનાવાશે.

શહેરમાં પ્રવેશતાં તેની અલગ જ આગવી છબી થાય તે હેતુથી યુનિફોર્મ સાઈનેસ સાથેનાં ૨૫ જંક્શનને ડેવલપ કરવા તેમજ આઠ જંક્શન પર જુદી જુદી થીમ આધારિત શિલ્પ ડોક્યુમેન્ટ મૂકવા તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ભાગરૂપે નવા નવ બ્રિજ બનાવવા તેમજ બ્રિજ ઉપર સાઉન્ડ બેરિયર તથા ઝોનદીઠ એક બ્રિજ અંડર સ્પેસ ડેવલપમેન્ટનું આયોજન તંત્રએ હાથ ધર્યું હોઈ તેનાથી અમદાવાદીઓને ટ્રાફિક જામની સમસ્યાથી રાહત મળશે.

શહેરીજનોને સારા રોડની ભેટ અપાશે, જેનાથી શહેર ડસ્ટ ફ્રી બનશે તેમજ પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો થશે તેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં કમિશનર થેન્નારસને વધુમાં જણાવ્યું હતું કે તમામ ઝોન તથા રોડ પ્રોજેક્ટ દ્વારા બનાવાતા રોડની ડિઝાઈન તૈયાર કરી

અંદાજ તથા ટેન્ડર બનાવવાની કાર્યપદ્ધતિ અંગે અલાયદો રોડ પ્લાનિંગ વિભાગ અને જીઆઈએસ સેલ ખોલવામાં આવશે, જે અંતર્ગત ૨૯૪ કિ.મી. લંબાઈના નવા રોડ તૈયાર કરાશે તેમજ પાંચ આઈકોનિક રોડ, ૧૫ કિ.મી. લંબાઈના વ્હાઈટ ટોપિંગ રોડ અને જુદા જુદા વિસ્તારમાં પગપાળા લોકો માટે ૨૫ કિ.મી. લંબાઈના પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી રોડ પણ બનાવાશે.

આ ઉપરાંત મોબાઈલ એપ સાથે ઈન્ટિગ્રેશન કરી શહેરમાં જુદી જુદી ૪૦ જગ્યાએ સ્માર્ટ પાર્કિંગનો લાભ લોકોને અપાશે.
અમદાવાદના ગ્રીન કવરમાં વધારો થાય તે હેતુ માટે કરાયેલા આયોજન અંગે બજેટ બેઠક દરમિયાન સભ્યોને માહિતગાર કરતાં કમિશનર એમ.થેન્નારસને જણાવ્યું હતું કે, જૂના બગીચાનું રિનોવેશન કરાશે તેમજ નવા ૧૧ બગીચાનો લાભ લોકોને અપાશે.

સાત હયાત બગીચાનું નવીનીકરણ, ૧૦ અર્બન ફોરેસ્ટ, કોસ્મોસ ફ્લાવર વેલી, મિશન મિલિયન ટ્રી અભિયાન, બગીચામાં ૧૫૦ ઓક્સિજન કોર્નર, થીમપાર્ક ડેવલપમેન્ટ, વેટ લેન્ડ પાર્ક, હેન્ગિંગ ગાર્ડન અને હાઈટેક નર્સરી બનાવવા માટે પણ તંત્ર ગંભીર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.