Western Times News

Gujarati News

બરેલીમાં ત્રણ વર્ષની બાળકીને કૂતરાએ ૨૦૦ બચકાં ભરતાં મોત

બરેલી, રખડતા કૂતરાઓનો આતંક યથાવત છે. સીબી ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બાંડિયા ગામમાં મંગળવારે રખડતા કૂતરાઓએ દ્વારા ત્રણ વર્ષની બાળકીને અનેક બચકા ભર્યા હતા. અને બાળકીનું મોત થઈ ગયુ હતું. ડોક્ટરોએ જણાવ્યું કે, બાળકીના શરીર પર કૂતરાના કરડવાના ઓછામાં ઓછા ૨૦૦ નિશાન હતા. મજૂર અવધેશ ગંગવારની પુત્રી પરી ચાર બહેનો અને એક ભાઈમાં સૌથી નાની હતી. મંગળવારે સાંજે તે ઘરના આંગણામાં રમી રહી હતી અને તેની મોટી બહેન સુનીતા રસોઈ બનાવી રહી હતી. પરી રમવા માટે મેદાન તરફ ગઈ ત્યારે લગભગ સાત-આઠ ભૂખ્યા કૂતરા તેના પર ધસી આવ્યા. સ્થાનિકોએ જણાવ્યું કે, એક યુવકે મદદ માટે તેણીની બૂમો સાંભળી અને તેને બચાવવા દોડી ગયો. પરીને તેમના ચુંગાલમાંથી છોડાવતાં તેને પણ કૂતરાંએ બચકા ભર્યા હતા.

મૃતક બાળકી પરીના કાકા જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, તે ઘરથી ઘણી દૂર ગઈ હતી અને પરિવારમાં કોઈ મદદ માટે તેની ચીસો સાંભળી શક્યું ન હતું. કૂતરાઓ બાળકીને લગભગ ૫૦ મીટર સુધી ખેંચી ગયા હતા અને તેના આખા શરીર પર ૨૦૦ બચકા ભર્યા હતા. ખાસ કરીને તેની ગરદન પર ઊંડા ઘા હતા. સીબી ગંજના એસએચઓ અશોક કુમારે જણાવ્યું કે, અમે ઘટનાની ચકાસણી કરવા માટે ગામમાં એક ટીમ મોકલી છે. પરિવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોંપવાનો ઇનકાર કર્યો હતો અને હિંદુ વિધિ મુજબ દફનાવી દીધો હતો.

આ ઘટના અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે અને રખડતા કૂતરાઓના આતંકને પહોંચી વળવા જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક જાેગેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કેટલાક ગેરકાયદે કતલખાના ચાલતા હતા અને રખડતા કૂતરાઓ કતલખાનાના કચરા ચરતા હતા. પરંતુ હવે આવા એકમો બંધ કરી દેવામાં આવ્યા છે અને આ રખડતા કૂતરાઓ ભૂખમરાને કારણે હિંસક બની ગયા છે.

સ્થાનિક લોકો આ પ્રાણીઓને દરરોજ ખવડાવવાની સ્થિતિમાં નથી. રખડતા કૂતરાઓના આતંક અંગે લોકોએ અનેક વખત નગરપાલિકાને પત્ર લખ્યો છે પરંતુ સામાન્ય રીતે તેમની ઝુંબેશ થોડાક કૂતરાઓને પકડ્યા બાદ સમાપ્ત થઈ જાય છે. તાજેતરમાં ગામમાં કૂતરા કરડવાના ૧૫ કેસ નોંધાયા છે. સીબી ગંજના બાંડિયા ગામમાં આ ત્રીજી ઘટના છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.