Western Times News

Gujarati News

દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨૦૧૯નો શુભારંભ

દાહોદ: તા. ૨૫ : જિલ્લા વહીવટી તંત્ર અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીંલ, દાહોદ દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધા, ૨૦૧૯ અંર્તગત દિવ્યાંગ ખેલાડીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. તા. ૨૫ અને ૨૬ એમ બે દિવસો સુધી આ સ્પર્ધાઓ સરદાર પટેલ સ્ટેડિયમ, દાહોદ શહેર ખાતે યોજાશે.

દાહોદ જિલ્લાના રમત ગમત વિભાગના પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જિજ્ઞેશ ડાભી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી. ખાંટા, જિલ્લા ચાઇલ્ડ પ્રોટેકશન ઓફીસર શ્રી શાંતિલાલ તાવિયાડ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલના શ્રી યુસુફ કાપડીયાએ દીપ પ્રાગટય કરી સ્પેશ્યલ ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો હતો.

આજની દિવ્યાંગો માટેની સ્પે. ખેલ મહાકુંભમાં પજ્ઞાચક્ષુ ૧૯૫ ખેલાડીઓ, અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા ૪૨૧ ખેલાડીઓ, મૂક બધિર ૧૧૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટેની ૧૦૦ મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેક, બરછી ફેક, ચક્ર ફેક, ચેસ જેવી રમતોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું, તેમાં પણ પજ્ઞાચક્ષુઓ માટેની ચેસ સ્પર્ધાનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. અસ્થિવિષયક ખામી ધરાવતા ખેલાડીઓ માટે ટ્રાયસિકલ રેસ, વ્હીલચેર રેસ, ચક્ર ફેક, ભાલા ફેક, લાંબી કુદ, ઊંચી કુદ વગેરે રમતો લોકોએ રસપૂર્વક નિહાળી હતી.

મૂક બધિર દિવ્યાંગ ખેલાડીઓ માટે ૧૦૦ અને ૨૦૦ મીટર દોડની સ્પર્ધા પણ યોજાઇ હતી. દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહ અને આત્મવિશ્વાસપૂર્વક રમતોમાં ભાગ લીધો હતો.  તા. ૨૬ ના રોજ મનોદિવ્યાંગ ખેલાડીઓ માટેની સ્પર્ધાઓ યોજાનાર છે જેમાં ૫૪૫ જેટલા ખેલાડીઓ દોડ, વોક, સોફટબોલ થ્રો, બાસ્કેટ બોલ, સાયકલિગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. જિલ્લા અને રાજય કક્ષાએ સારો દેખાવ કરનાર દિવ્યાંગ ખેલાડીઓને રોકડ ઇનામ આપી સન્માનિત પણ કરવામાં આવશે.

દિવ્યાંગો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં દાહોદ લાયન્સ ક્લબના અનિલ અગ્રવાલ અને સૈફીભાઇ પિટોલવાલા પણ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનોએ પણ ખેલ મહાકુંભ સ્પર્ધા નિહાળી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.