Western Times News

Gujarati News

સંઘર્ષો સામે લડી હાલ આપી રહી છે ધો.૧૦ની પરીક્ષા

વડોદરા, બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓમાં થોડો ફફડાટ અને ટેન્શન રહે છે. ફરહીન વોરા પણ બોર્ડના પરીક્ષાર્થી છે તેમને પરીક્ષાને લઈને તો સ્ટ્રેસ છે જ સાથે તેમના સાત વર્ષના દીકરાને લઈને પણ ચિંતિત છે. ફરહીન વોરાના દીકરાને ટાઈફોઈડ થયો હોવાથી હોસ્પિટલમાં દાખલ છે. ૨૭ વર્ષીય ફરહીન વોરા એકલા હાથે દીકરાને ઉછેરી રહ્યા છે અને ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

આ બધા જ પડકારો વચ્ચે તેમણે બોર્ડની પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ સાથે કરી હતી. ગુરુવારથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ફરહીન એસએસસીની પરીક્ષા આપી રહ્યા છે. આજવા રોડ પર આવેલી રહેણાંક સોસાયટીઓમાં ઘરકામ કરીને ગુજરાન ચલાવતા ફરહીન વોરાએ અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “હું બોર્ડની પરીક્ષા આપવા માટે મક્કમ છું.”

તમે બોલિવુડ ફિલ્મ ‘નીલ બટ્ટે સન્નાટા’ જાેઈ હશે તો તમને યાદ હશે કે કઈ રીતે ઘરકામ કરતી મા પોતાની દીકરીને પ્રેરણા આપવા માટે ફરીથી અભ્યાસ શરૂ કરે છે.

ફરહીન વોરા તેનું જીવંત ઉદાહરણ છે તેમ કહી શકાય. પતિ પાસેથી છૂટાછેડા લઈ ચૂકેલા ફરહીન હંમેશાથી કોલેજની ડિગ્રી મેળવવા માગતા હતા. પરંતુ આર્થિક તંગીના કારણે તેઓ પોતાના સપના પૂરાં ના કરી શક્યા. તેમને ધોરણ ૮થી જ અભ્યાસ પડતો મૂકીને રૂપિયા કમાવવાનું શરૂ કરવું પડ્યું જેથી બે છેડા ભેગા કરવામાં મમ્મીને મદદ કરી શકે.

ફરહીનના મમ્મી પણ તેમના પતિથી છૂટા થયા બાદ ઘરકામ કરીને પેટિયું રળતા હતા. ઘરના અન્ય ખર્ચાઓ સાથે મારી સ્કૂલની ફી પોસાય તેમ નહોતી. જેથી ૧૪ વર્ષની ઉંમરે મારી પાસે કમાવવા જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. હું ૨૦ વર્ષની થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા અને લગ્નના એક જ વર્ષમાં મારા દીકરાનો જન્મ થયો”, તેમ ફરહીને જણાવ્યું.

પાંચ દિવસ પહેલા જ ફરહીનના છોકરાને ટાઈફોઈડનું નિદાન થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કારેલીબાગની એક સરકારી હોસ્પિટલમાં ફરહીનનો દીકરો દાખલ છે. તેણે આગળ કહ્યું, “મેં મારા દીકરાની કાળજી લેવાની સાથે હોસ્પિટલમાં તેના પલંગની બાજુમાં બેસીને મારા પહેલા પેપરની તૈયારી કરી હતી. પરિસ્થિતિ વિકટ છે પરંતુ મારે મારા સપનાં પૂરા કરવાના છે.

ફરહીન હંમેશાથી ઉચ્ચ અભ્યાસ કરવા માગતા હતા અને આ સપનાને તેમણે ક્યારેય ઓઝળ ના થવા દીધું. ફરહીને તૂટેલા લગ્નજીવન વિશે જણાવતાં કહ્યું, “લગ્નના થોડા જ વર્ષોમાં સાસુ-સસરા સાથે મતભેદો થવા લાગ્યા હતા અને તેના લીધે પતિ સાથેના સંબંધ પણ બગડ્યા હતા. છ વર્ષ પહેલા હું આણંદ સ્થિત મારા પતિના ઘરેથી વડોદરા આવી ગઈ હતી. જે બાદ ડિવોર્સ માટે અરજી કરી હતી અને ત્રણ વર્ષ પહેલા અમારા ડિવોર્સ મંજૂર થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.