Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશનમાં પણ હદના વિવાદઃ નારણપુરા ટાંકીનું કામ અધ્ધરતાલ

File

સ્ટેન્ડીંંગ ચેરમેન માત્ર કમીશ્નરની ભાષા સમજતા અધિકારીઓને આડા હાથે લીધા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ પોલીસ વિભાગની જેમ હદના વિવાદ થઈ રહયા છે. તથા અધિકારીઓ તેમના અહંમને પોષવા માટે પ્રજાકીય કામોની ફાઈલો એક વર્ષથી ફેરવી રહયા છે. પૂર્વ વિસ્તારોમાં ડ્રેનેજના પાણી બેક મારવાની સમસ્યામાં લેશમાત્ર ઘટાડો થયો નથી.

તેમજ મ્યુનિ.કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાલી રહયું હોવાનો અહેવાલ હોદેદારો થયો છે. જેના પડઘા સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં પડયા હતા. મ્યુનિ.કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાલી રહયું છે. તેમ ઘણા વર્ષોથી આક્ષેપ થઈ રહયા છે. પરંતુ છેલ્લા બે દિવસના ઘટનાક્રમમાં આ બાબત સચોટ પુરવાર થઈ છે તથા હોદેદારો એ પણ તે બાબતનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે.

ગત મંગળવારે થયેલ વરસાદ બાદ તંત્રની પોલ ખુલી ગઈ હતી. શહેરીજનોને પારાવાર હાલાકી થઈ હતી.
તેમ છતાં માત્ર કમીશ્નરની જ ભાષા સમજતા અધિકારીઓએ ફીલ્ડમાં જઈને કામ કરવાની તસ્દી લીધી ન હતી. ગાંધીનગરના પ્રકોપ બાદ મનપાના હોદેદારો પણ જાગૃત થયા હતા. તથા બુધવારે ઈજનેર ખાતાના અધિકારીઓને આડા હાથે લીધા હતા. તેમાં જ થોડી ઘણી કસર બાકી રહી હતી તે ગુરુવારની સ્ટેન્ડીંગ બેઠકમાં પુરી કરવામાં આવી હતી.

પ્રજાકીય કામો અને વરસાદી સ્થિતિ અંગે અધિકારીઓ દ્વારા જે રીતે ગોળ-ગોળ જવાબ આપવામાં આવતા હતા તેનાથી ચેરમેન અકળાઈ ઉઠયા હતા. તથા “અમે માત્ર તમારા કામો મંજૂર કરવા માટે નથી આવતા તેમ આક્રોશ સાથે જણાવ્યું હતું. સ્ટેન્ડીગ ચેરમેનના રૌદ્ર સ્વરૂપ જાઈને અધિકારીઓ હેબતાઈ ગયા હતા તેમ છતાં કમીટી સભ્યોની રજુઆતોમાં પણ મનસ્વી જવાબો આપવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં નારણપુરાના કોર્પોરેટર જયેશ પટેલે પાણીની ટાંકી બનાવવા અંગે રજુઆત કરવા જણાવ્યું હતું કે વર્ધમાન ટાવર પાસે નવી ટાંકી બનાવવા માટે છેલ્લા દોઢ-બે વર્ષથી અધિકારીઓ ગોળ-ગોળ જવાબ આપી રહયા છે. પોલીસ વિભાગની જેમ નારણપુરા અને ઘાટલોડીયા ની હદ નકકી કરવામાં જ એક વર્ષ થયું હતું. ત્યારબાદ ટેન્ડર કોણ તૈયાર કરે ?કન્સટન્ટ ની નિમણુંક કરવી ?

જેવા કારણોસર કામ આગળ થયું જ નથી. અધિકારીઓની બેદરકારી ના કારણે આ વિસ્તારના દસ હજાર કરતા વધુ નાગરીકો પીવાલાયક પાણીની સમસ્યાનો સામનો કરી રહયા છે. ઘાટલોડીયાના કોર્પોરેટર જતીન પટેલે નવ મીટરના આરસીસી રોડ ના કામ માટે પણ એક વર્ષથી ફાઈલ ફરી રહી હોવાની રજુઆત કરી હતી.

ઘાટલોડીયા વિસ્તારમાં માત્ર નવ મીટરનો રોડ બનાવવા માટે કન્સલન્ટન્ટની નિમણુંક કરવા માટે બાર મહીનાથી ફાઈલ ફરી રહી છે. પ્રોપર્ટી ટેક્ષ ખાતામા ચાલી રહેલી લાલિયાવાડી ઉજાગરા કરતા જતીન પટેલે જણાવ્યું હતું કેનોન એન.એ. જમીનનું પાર્ટીપ્લોટ દર્શાવીને આકારણી કરવામાં આવી છે. જેને રદ કરવાની ફાઈલ પણ છ મહીના થી અધિકારીઓ વચ્ચે અથડાઈ રહી છે.

મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ વિજીલન્સ વિભાગની કામગીરી સામે ઘણા સમયથી ફરીયાદો આવી રહી છે. કોઈપણ ફરીયાદની તપાસ કેટલા સમયમાં પુરી કરવી તે અંગે ખાતા પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી. ડે.મ્યુનિ. કમીશ્નરે પ્રાથમિક વિજીલન્સ તપાસ ત્રણથી છ મહીનામાં પૂર્ણ કરવાનો નિયમ હોવાનું જણાવ્યું હતું.

પરંતુ સદ્દર નિયમ નો કેટલો અને કેવો અમલ થાય છે. તે તપાસનો વિષય છે. ટોરેન્ટ પાવર લીમીટેડ દ્વારા ૧૪૦ કીલોમીટર રોડના ખોદકામ કરવામાં આવ્યા છે. ટોરેન્ટ દ્વારા ખોદકામ બાદ જ ફૂટપાથ ન બનાવવામાં આવી હતી તેના પથ્થરો ઉખડી ગયા છે. તેથી ટોરેન્ટ પાવરના કામનું સુપરવિઝન કરવામાં આવશે.
મ્યુનિ. બગીચાખાતા અને નિકોલ વોર્ડમાં બગીચો બનાવવા માટે રૂ.૪પ લાખનો ખર્ચ માટી કામ માટે થાય છે. આ દરખાસ્ત શંકાસ્પદ હોવા છતાં પ્રજાકીય સુવિધાને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવી છે. તથા ભવિષ્યમાં કોર્પોરેશનના કામ ચાલતા હોય તે સ્થળે એકત્રીત થયેલ માટી કે ડેબરીઝનો ઉપયોગ કરવા માટે જવાબદાર અધિકારીને સુચના આપવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનના ઓડીટોરીયમ કે કોમ્યુનીટી હોલ માટે નવી પોલીસી બનાવવામાં આવશે.
પંડીત દિનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમના સાઉન્ડ-લાઈટની તકલીફ છે. તથા ભાડે લેનાર વ્યકિતને બહારથી સગવડ કરવી પડે છે. વસાવડા હોલમાં પણ  જનરેટર બંધ છે. જેના કારણે હોલ ભાડે લેનાર નાગરીક ને તકલીફ થાય છે.જેના કારણે નવી નીતિ તૈયાર કરવામાં આવશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.