Western Times News

Gujarati News

G20: ગાંધીનગરમાં ECSWGની બીજી બેઠક 27 થી 29 માર્ચ દરમિયાન યોજાશે

કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ, ભારતના G-20 શેરપા શ્રી અમિતાભ કાંત, સુશ્રી લીના નંદન, સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, સુશ્રી દેબાશ્રી મુખર્જી, વિશેષ સચિવ, જલશક્તિ મંત્રાલય- જળ સંસાધન, શ્રી સી.પી. ગોયલ, મહાનિદેશક વન અને વિશેષ સચિવ અને શ્રી બિવાશ રંજન, અધિક સચિવ, MoEFCC ઉપસ્થિત રહેશે G20: The second meeting of ECSWG will be held from March 27 to 29 in Gandhinagar

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે G-20નું અધ્યક્ષપદ ગ્રહણ કર્યું ત્યારબાદથી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. પર્યાવરણ અને આબોહવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનર્જી કન્ઝર્વેશન જેવા વિવિધ ક્ષેત્રો પર કાર્યક્રમોનું આયોજન કરવા માટે ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે,

જે G-20 ના લક્ષ્યો અને એજન્ડા સાથે સુસંગત છે. તેના ભાગરૂપે, ગુજરાતમાં એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલીટી વર્કિંગ ગ્રુપ (ECSWG)ની બીજી બેઠક ગ્રીન સીટી ગાંધીનગરમાં 27 માર્ચથી 29 માર્ચ દરમિયાન યોજાશે.

ECSWGની બીજી બેઠકનો શુભારંભ ઉદ્ઘાટન ભારતના G-20 શેરપા શ્રી અમિતાભ કાંત  દ્વારા કરવામાં આવશે. 3-દિવસીય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમાં સુશ્રી લીના નંદન, સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય સુશ્રી દેબાશ્રી મુખર્જી, વિશેષ સચિવ, જલશક્તિ મંત્રાલય- જળ સંસાધન, શ્રી સી.પી. ગોયલ,મહાનિદેશક વન અને વિશેષ સચિવ, શ્રી બિવાશ રંજન, અધિક મહાનિદેશક, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય(MoEFCC), સુશ્રી રિચા શર્મા, અધિક સચિવ,

MoEFCC ડૉ. એમ. રવિચંદ્રન, સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES); શ્રી નરેશ પાલ ગંગવાર, અધિક સચિવ, MoEFCC; ડૉ. પૂર્વજા રામચંદ્રન, ડાયરેક્ટર, નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ (NCSCM); શ્રી જી અશોક કુમાર, ડીજી, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG); શ્રી કુશવિન્દર વોહરા, અધ્યક્ષ, સેન્ટ્રલ વોટર કમિશન (CWC) તેમજ શ્રી  વિકાસ શીલ, AS અને MD, JJM DoDW&S સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. ટ્રોઇકા (ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ),

યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેસર્ટિફિકેશન (UNCCD), ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઓફ નેચર (IUCN), ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE), નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ (NCSCM), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસિસ (INCOIS) ના પ્રતિનિધિઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં ભારત અને આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મેક્સિકો, કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા તુર્કીયે, યુનાઇટેડ કિંગડમ,

યુએસએ, બાંગ્લાદેશ, ડેનમાર્ક, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, નાઇજીરીયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુએઇ સહિત લગભગ 30 દેશોના પ્રતિનિધિમંડળની ભાગીદારી જોવા મળશે. ક્લાઇમેટ એન્ડ ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇનિશિયેટિવ (CDRI), ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP),

યુનાઇટેડ નેશન્સ એન્વાર્મેન્ટ પ્રોગ્રામ (UNEP), યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેસર્ટિફિકેશન (UNCCD), ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO), યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમમેટ ચેન્જ (UNFCCC) વગેરે જેવી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ પણ ગાંધીનગર ખાતે પર્યાવરણ અને ક્લાયમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપની  બીજી બેઠકમાં ભાગ લેશે.

27મી માર્ચ 2023ના રોજ યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત ‘જળ સંસાધન વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ’ પર પ્રસ્તુતિઓની શ્રેણી સાથે થશે અને ત્યારબાદ વિવિધ વિષયો પર ચર્ચા થશે. ત્યારબાદ તેમને વિવિધ આકર્ષણોનું સૌંદર્ય માણવા અને ઐતિહાસિક ધરોહરથી રૂબરુ કરાવવા માટે ઇલેક્ટ્રિક બસમાં વિવિધ સ્થળોએ લઇ જવામાં આવશે.

તેઓ પાંચ માળ ઊંડી અડાલજની વાવ, વિશ્વના સૌથી મોટા સાબરમતી કેનાલ સાઇફન અને એસ્કેપ સ્ટ્રક્ચર તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર વિશ્વના સૌથી લાંબા રાહદારી માર્ગ અને પ્રતિષ્ઠિત અટલ બ્રિજની સુંદરતાનો અનુભવ કરશે.

ગુજરાત સરકાર અમદાવાદના પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગાલા ડિનર અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરશે. આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સમક્ષ ગુજરાતના સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરવામાં આવશે. સરકાર દ્વારા જી20ના પ્રતિનિધિઓ માટે પુનિત વન ખાતે યોગ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બીજા દિવસે, એટલે કે 28 માર્ચ, 2023ના રોજ ક્લાઇમેટ અને પર્યાવરણના વિવિધ મુદ્દાઓ પર ટેક્નિકલ સેશન્સ યોજાશે, જેવાં કે:

1)      ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

2)     ભૂગર્ભ જળ વ્યવસ્થાપન

3)     જલ જીવન મિશન, સ્વચ્છ ભારત- વોટર સેનિટેશન અને હાયજીન (સ્વચ્છ પાણી અને સ્વચ્છતા)નું સાર્વત્રિકરણ અને તેની અસરો

4)     ક્લાઈમેટ ચેન્જ મિટિગેશન (આબોહવા પરિવર્તન શમન) સાથે સંબંધિત જમીન પુનઃસ્થાપન પર પ્રસ્તાવિત ગાંધીનગર ઇમ્પ્લીમેન્ટેશન રોડમેપ (GIR)

5)     રિસોર્સ એફિશિયન્સી અને સર્ક્યુલર ઇકોનોમી

છેલ્લા દિવસે એટલે કે 29 માર્ચ, 2023ના રોજ મહાસાગરો, બ્લૂ ઇકોનોમી અને તેને સંબંધિત ક્ષેત્રો પર ટેક્નિકલ સત્રો યોજાશે. વિષય નિષ્ણાંતો તંદુરસ્ત સમુદ્રો માટે કોસ્ટલ અને મરીન ઇકોસિસ્ટમનું રક્ષણ અને સંરક્ષણ, સસ્ટેનેબલ બ્લૂ ઇકોનોમી માટે મરીન સ્પાશિયલ પ્લાનિંગને મુખ્ય પ્રવાહમાં લાવવા, ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક 2022નું અલાઇન્મેન્ટ અને અમલીકરણની પદ્ધતિઓ તેમજ ઇકોસિસ્ટમ આધારિત આબોહવા પરિવર્તન વગેરે પર પ્રેઝન્ટેશન્સ કરશે. વિષય નિષ્ણાતો દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ અનુસાર સક્સેસ સ્ટોરીઝ પણ શેર કરવામાં આવશે.

“જળ સંસાધન વ્યવસ્થાપન” એ આ સત્રોની સર્વોચ્ચ થીમ છે. આ સત્રોમાં ‘બંજર જમીનો અને ઇકોસિસ્ટમ્સની પુનઃસ્થાપના અને જૈવવિવિધતામાં વૃદ્ધિ’; ‘સર્ક્યુલર ઇકોનોમીને મજબૂત કરવી’; ‘કોસ્ટલ સસ્ટેનેબિલિટી સાથે બ્લૂ ઇકોનોમીનું પ્રમોશન’ વગેરેનો સમાવેશ થાય છે. બીજી થીમ છે LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી), જે એન્વાયર્મેન્ટ અને ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપનો મુખ્ય હિસ્સો છે અને અન્ય થીમ્સ સાથે સંકલિત થાય છે. વર્કિંગ ગ્રુપની સાઇડ ઇવેન્ટ્સ LiFE ના સિદ્ધાંતોને એકીકૃત કરશે અને પ્રદર્શન એરિયામાં તેના માટે એક સમર્પિત જગ્યા આપવામાં આવશે. ત્રીજા દિવસે એટલે કે 29 માર્ચ, 2023ના રોજ પ્રતિનિધિમંડળ દાંડી કુટીરની મુલાકાત લેશે, જે મહાત્મા ગાંધીના જીવનઅનેણ ઉપદેશો પર બનેલું ભારતનું સૌથી મોટું સંગ્રહાલય છે.

કેન્દ્ર સરકારના MoEFCC અને ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા મહાત્મા મંદિર ખાતે વિવિધ થીમ્સ ઉપર બે પેવેલિયન્સ રજૂ કરવામાં આવશે, જેવાં કે, બન્ની ગ્રાસલેન્ડ + ગ્રીનિંગ અરવલ્લી + ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અને પ્રોજેક્ટ લાયન + પ્રોજેક્ટ ડોલ્ફિન + પ્રોજેક્ટ એલિફન્ટ, જે રાજ્યના સંરક્ષણ માટેના પ્રયાસોને દર્શાવશે.

આ ઇવેન્ટનો ઉદ્દેશ પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને તેના સંબંધિત ક્ષેત્રોના વિવિધ પાસાઓ પર ત્રણ દિવસ દરમિયાન પ્રસ્તુતિઓ, ચર્ચાઓ અને વિચાર-વિમર્શ બાદ વાતચીત માટે સંભવિત બિલ્ડીંગ બ્લોક્સ વિકસાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.