Western Times News

Gujarati News

‘આંતરરાષ્ટ્રીય વન દિવસે’ યોજાઇ એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ખેડૂત ઉત્પાદક સંઘ FPOની રાજ્યકક્ષાની કાર્યશાળા

પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજીંદા જીવનમાં અપનાવી, પર્યાવરણ રક્ષા સાથે સંતુલિત વિકાસ કરીએઃ- ભૂપેન્દ્ર પટેલ

(માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજિંદા જીવનમાં અપનાવીને હરેક ક્ષેત્રે પર્યાવરણના વિચાર સાથે સંતુલિત વિકાસનું આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મિશન લાઇફની જે સંકલ્પના આપી છે તેને ઊર્જા, પાણી, વગેરેના વિવેકપૂર્ણ ઉપયોગ, પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગ અને પ્રકૃતિ જતનને જીવનશૈલી બનાવી સૌ સાકાર કરીએ. મુખ્યમંત્રીશ્રીએ ર૧મી માર્ચ, આંતરરાષ્ટ્રીય વન દિવસના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર ખાતે વન વિભાગ આયોજિત એગ્રો ફોરેસ્ટ્રી આધારિત FPO ના વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં ૧૦ હજાર એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ‘ખેડૂત ઉત્પાદક સંઘ – FPO’ સ્થાપવાના આપેલા લક્ષ્યાંકને સાકાર કરવાના હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ પણ આ વર્કશોપમાં સહભાગી થયા હતા. આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીની થીમ ‘‘ફોરેસ્ટ એન્ડ હેલ્થ’’ રાખવામાં આવી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જંગલો ઓછા થવાથી પૃથ્વી પરનું સમગ્ર ઋતુચક્ર બદલાઇ ગયું છે. કમોસમી વરસાદ, અતિશય ગરમીનું ઊંચું તાપમાન, ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જ ની માનવજીવનના સ્વાસ્થ્ય-તંદુરસ્તી પર અસર પડે છે. તેમણે ઉમેર્યુ કે, કલાયમેટ ચેન્જની આ સમસ્યા સામે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગવા વિઝનથી ગુજરાતમાં દેશભરમાં સૌથી પહેલાં કલાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરેલો છે. એટલું જ નહિ, તેમણે પર્યાવરણ પ્રિય, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે ગ્રીન ગ્રોથની હિમાયત પણ આ વર્ષના કેન્દ્રીય બજેટમાં કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના આ વિચારને પગલે ગુજરાતમાં પણ આ વર્ષે બજેટમાં ગ્રીન ગ્રોથ માટે આવનારા પાંચ વર્ષ માટે બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના શહેરી વિસ્તારોમાં ર૦ જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા સાથે એગ્રો ફોરેસ્ટ્રીનો વ્યાપ વિસ્તારી આવનારા વર્ષોમાં પ૭પ૦ ચોરસ કિલોમીટર વિસ્તારને તેમાં આવરી લેવાની નેમ છે. ભૂપેન્દ્ર પટેલે જળ, જમીન અને જંગલનો સમન્વય કરીને કૃષિ વનીકરણ એગ્રો ફોરેસ્ટ્રી કરતા ખેડૂતો, ધરતીપુત્રોને અદ્યતન માર્ગદર્શન આપવા આંતરરાષ્ટ્રીય વન દિવસે આવી કાર્યશાળાના આયોજનને બિરાદાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર એગ્રો ફોરેસ્ટ્રી સાથે જાેડાયેલા ખેડૂતોની પડખે ઊભી રહેશે તેવી નેમ પણ દર્શાવી હતી.

તેમણે ‘વસુધૈવ કુટુંબકમ’ સમગ્ર વિશ્વ એક પરિવાર એવી ભાવના સાથે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 માં ક્લાયમેટ ચેન્જ સંબંધિત વર્કીંગ ગૃપની બેઠક ગુજરાતમાં યોજાવાની છે તેની પણ રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ દેશના આ અમૃતકાળને પર્યાવરણ પ્રિય વિકાસથી અને ગ્રીન ગ્રોથથી અમૃતમય બનાવવા સૌના સામુહિક પ્રયાસો માટે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ગુજરાતમાં વૃક્ષ આધારિત ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. જેમાં ખેડા જિલ્લાના આંત્રોલી ગામના ખેડૂત શ્રી દિનેશભાઈ પટેલ, દેવભૂમિ દ્વારકાના વેરાડ ગામના શ્રી સગુણાબેન ભાલુડિયા, ભરૂચના ભરથાણ ગામના શ્રી ગીરીશભાઈ પટેલ, નવસારીના પરૂજન ગામના શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા ડાંગ જિલ્લાના ભદરપાડા ગામના શ્રી ગમનભાઈ પટેલને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન ‘મિશન લાઈફ અભિયાન’ને વધુ બળ આપવા માટે વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ શોર્ટ ફિલ્મ ‘મિશન લાઈફ’નું મુખ્યમંત્રીશ્રી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૧૯૭૧થી ૨૧ માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ ‘વન અને આરોગ્ય’ નક્કી કરવામાં આવી છે.

ગુજરાતમાં વૃક્ષ આધારિત ખેતી કરતાં ખેડૂતોને આવક બમણી કરવાના અને જન ભાગીદારી થકી પર્યાવરણના જતનના લક્ષ્યાંક સાથે એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ખેડૂત ઉત્પાદક સંઘની એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં ૭૮ FPOની રચના દ્વારા અંદાજે ૩૬,૦૦૦ વૃક્ષોનું જતન કરવામાં આવે છે ત્યારે ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ કિસાન એગ્રો પ્રોડ્યુસર કંપની અને શ્રીજી કોર્પોરેશન વચ્ચે નિલગીરીના રોપા તૈયાર કરવા તેમજ આ ક્ષેત્રે વિવિધ ટેકનોલોજીના વિકાસ માટે MOU થયા હતા.

ભરૂચ સ્થિતિ ખેડૂત ઉત્પાદક સંઘ – હ્ર્લઁં સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતોએ વૃક્ષ આધારિત ખેતી અંગે પોતાના અનુભવો આ પ્રસંગે શેર કર્યા હતા. રાજ્યના વન વિસ્તાર અંગે માહિતી આપતું એક પ્રદર્શન પણ આ અવસરે યોજાયું હતું. જેમાં ઘાસ વીડી સુધારણ અને એકત્રીકરણ, વન્ય પ્રાણી સંરક્ષણ અને વિકાસ, એશિયાઈ સિંહ સંરક્ષણ, ખેડૂતો લક્ષી વાવેતર યોજના, ગુજરાતમાં ખેડૂત ઉત્પાદન સંઘ (FPO)ની સ્થાપના, લાકડા આધારિત ઉદ્યોગો, સાંસ્કૃતિક વનો અને વન મહોત્સવની પહેલ, ચેર સંરક્ષણ અને સંવર્ધન, બન્ની ખાસિયા મેદાનોની સુધારણા, રાજ્યનું વન વૈવિધ્ય, વન વિસ્તાર બહારના વૃક્ષ સંપત્તિનો વિકાસ અને સામાજિક વનીકરણ વિશે મહત્વની વિગતો રજૂ કરવામાં આવી હતી આભાર વિધિ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ. કે. ચતુર્વેદીએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.