Western Times News

Gujarati News

અમદાવાદના ગ્રીન કવરમાં ૮.૫૫ ટકાનો ઘટાડોઃ રિપોર્ટ

ઝોન વાઈઝમાં છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલ વૃક્ષારોપણ

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે. દરેક વિસ્તારમાં બહુમાળી ઇમારતો ઊભી થઈ રહી છે. Ahmedabad green cover reduced 8.55 percent

સિમેન્ટ- કૉન્ક્રીટ ના જંગલો વચ્ચે વૃક્ષો જાેવા મળતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા દર વરસે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં આમદાવાદ શહેરનું ગ્રીન કવર ઘટયું હોવાનો ઇન્ડિયન ફોરેસ્ટ સ્ટેટ રિપોર્ટ માં જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦.૭૫ લાખ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે શહેરના પૂર્વ વિસ્તારમાં ૫.૦૮ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ૩,૮૯ લાખ વૃક્ષારોપણ કરાયું છે. ઇન્ડિયન ફોરેસ્ટ સ્ટેટ રિપોર્ટ ૨૦૨૧ મુજબ અમદાવાદ શહેરમાં ૨૦૧૧ના વર્ષમાં ફોરેસ્ટ કવર ૧૭.૯૬ જેટલું હતું જે ૨૦૨૧માં ઘટીને ૯.૪૧ થઈ ગયું છે એટલે કે ૮.૫૫ ટકા ફોરેસ્ટ કવરમાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ૨૦૨૧માં ગ્રીન કવર ખૂબ જ ઓછું હતું.

૨૦૨૧-૨૨માં શહેરમાં ૧૨ લાખ વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ અને મેટ્રો પ્રોજેક્ટમાં એકપણ વૃક્ષારોપણ થયું ન હતું ત્યારે ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન કવર વધારવા નો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે શહેરના તમામ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ કરી ઓક્સિજન પાર્ક ઉભા કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨- ૨૩માં કુલ ૨૦.૭૫ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટ હોય કે વિશાળ જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવી અને શહેરમાં ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય દરેક જગ્યાએ નાનું વન બનાવી અને તેનું જતન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેરને હરીયાળું બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ગાર્ડન વિભાગના પ્લોટ અને કલેક્ટર વિભાગના પ્લોટમાં વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઔડા સાથે પણ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરી અને શહેરના રિંગરોડ પર પણ વૃક્ષો વાવવામાં આવશે જેથી રિંગરોડ પણ હવે હરિયાળો બનાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.