Western Times News

Gujarati News

Ahmedabad : વાપરવાના પૈસા આપવાનો ઇનકાર કરતા યુવકની હત્યાની કોશિશ

અમદાવાદ, શહેરનો મેઘાણીનગર વિસ્તાર અસામાજીક તત્વોનો અડ્ડો ગણાય છે. અહીં છાશવારે હત્યા, મારામારી, હત્યાની કોશિશ અને રાયોટીંગ જેવા બનાવો બનતા હોય છે. આવામાં વધુ એક હત્યાની કોશિશ અને લૂંટનો બનાવ બન્યો છે. Attempted murder of a young man who refused to give money to use

ચાર શખ્સોએ એક યુવક પાસે વાપરવાના પૈસા માંગતા યુવકે તેની પાસે પૈસા ન હોવાનું કહેતા આ ચાર શખ્સોએ તેને છાતીમાં ચપ્પુ મારી લોહીલુહાણ કરી તેના ખિસ્સામાંથી ૬૦૦ રૂપિયા લૂંટી લીધા હતા.

આ સમગ્ર મામલે પોલીસે ચારેય લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના મેઘાણીનગરમાં રહેતો ગણપતસિંહ રાઠોડ રીક્ષા ચલાવે છે. સોમવારે રાત્રે રીક્ષા લઇને તે ધંધો કરવા નીકળ્યો હતો. રાત્રે તે પરત આવ્યો ત્યારે તેમના વિસ્તારના માથાભારે શખ્સો એવા કાલુ ઉર્ફે રાવણ પટણી, સુનિલ ઉર્ફે ઢચ્ચન પટણી ત્યાં આવી ગયો હતો. આ શખ્સોએ રીક્ષા ઉભી રખાવી ગણપતસિંહને નીચે ઉતરી જવા કહ્યું હતું.

બાદમાં આ બંને શખ્સોએ વાપરવાના પૈસા માંગ્યા હતા. જેથી ગણપતસિંહે તેની પાસે પૈસા ન હોવાનું કહેતા બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. ત્યાં કાલુ ઉર્ફે રાવણે તેની પાસે રહેલું ચપ્પુ કાઢી ગણપતસિંહને છાતીમાં મારી દીધું હતું. આ બંને શખ્સોના બીજા બે મિત્રો હિતેશ ઉર્ફે બુચિયો પટણી અને રાહુલ પટણી ત્યાં આવી ગયા હતા.

ફરી કાલુ ઉર્ફે રાવણે પગમાં ચપ્પુ મારી દીધું હતું. બાદમાં આ શખ્સો રૂ. ૬૦૦ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ગણપતસિંહને ૧૦૮ મારફતે હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયો હતો.

ત્યાં પોલીસને જાણ કરાતા મેઘાણીનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાલુ ઉર્ફે રાવણ પટણી, સુનિલ ઉર્ફે ઢચ્ચન પટણી, હિતેશ ઉર્ફે બુચિયો પટણી અને રાહુલ પટણી સામે લૂંટ તથા હત્યાની કોશિશની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.