Western Times News

Gujarati News

CNG-PNGના ભાવ ૧૦થી ૧૨ ટકા ઘટશે

ભાવ નક્કી કરવા નિમાયેલી કિરીટ પરિખ પેનલની ભલામણો સ્વિકારાઈ

(એજન્સી)નવી દિલ્હી, આગામી પહેલી એપ્રિલથી દેશમાં CNG અને PNGના ભાવમાં લગભગ ૧૦થી ૧૨ ટકા સુધી ઘટાડો થઈ શકે છે. વાહનોમાં વપરાતા સીએનજી અને ઘર વપરાશ માટેના પીએનજીના ભાવમાં કિલો દીઠ ૮થી ૧૦ રૂપિયા સુધી ઘટાડો થાય તેમ છે.

આ બંને ફ્યુઅલના ભાવ નક્કી કરવા માટે કિરીટ પરિખ પેનલની નિમણૂક કરવામાં આવી હતી જેણે એક રિપોર્ટ આપ્યો છે અને સરકારે તે રિપોર્ટ સ્વીકારી લીધો હોવાનું માનવામાં આવે છે.

જાે આ મુજબ બંને ફ્યુઅલના ભાવ ઘટે તો પહેલી એપ્રિલથી સીએનજી અને પીએનજીના વપરાશકારોને મોટો ફાયદો થઈ શકે છે. એકલા ગુજરાત રાજ્યમાં સીએનજી ફ્યુઅલથી ચાલતા વાહનોની સંખ્યા લગભગ ૧૧ લાખ છે. આ તમામ વાહનચાલકોને હવેથી નીચા ભાવે સીએનજી મળી શકે છે.

ગુજરાતમાં પીએનજીના કનેક્શનની સંખ્યા ૨૫ લાખ જેટલી છે. ગુજરાત ગેસ પાસે હાલમાં ૧૮ લાખ ગ્રાહકો છે જ્યારે અદાણી ગેસના ગ્રાહકોની સંખ્યા ત્રણ લાખની આસપાસ છે. આ ઉપરાંત બીજી કંપનીઓના ગેસ કનેક્શન પણ છે.

સરકારે કિરીટ પરિખ પેનલનો અહેવાલ સ્વીકારી લીધો હોવાનું માનવામાં આવે છે. ટૂંક સમયમાં આ વિશે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ક્રિસિલ રેટિંગ્સના સિનિયર ડિરેક્ટર મનીષ ગુપ્તાએ જણાવ્યું કે સરકાર સીએનજી અને પીએનજી ગ્રાહકોને ગેસના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ આપશે તેમ માની લઈએ તો તેમને ૧૦થી ૧૨ ટકાનો ફાયદો થઈ શકે છે.

અન્ય એક એનાલિસ્ટે કહ્યું કે ભલામણો સ્વીકારાઈ જાય તો ગ્રાહકોને કિલો દીઠ પાંચથી ૧૦ રૂપિયાનો ફાયદો થઈ શકે છે.
દિલ્હીમાં સીએનજીનો ભાવ ૭૯.૫૬ રૂપિયા પ્રતિ કિલો ચાલે છે, જ્યારે ડોમેસ્ટિક પીએનજીનો ભાવ ૫૨.૫૯ રૂપિયા પ્રતિ એસસીએમ છે.

કિરીટ પારેખ સમિતિએ ભલામણ કરી છે કે ઓઈલ ફિલ્ડમાંથી પેદા થતા નેચરલ ગેસનો ભાવ ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટની માસિક એવરેજના ૧૦ ટકા રાખવો જાેઈએ. તેના માટે ૪ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ)ની ફ્લોર પ્રાઈસ અને ૬.૫ ડોલર પ્રતિ એમએમબીટીયુની ટોચ મર્યાદા રાખવા માટે ભલામણ કરવામાં આવી છે.

ઇન્દ્રપ્રસ્થ ગેસના એક અધિકારીએ જણાવ્યું કે કિરિટ પરિખ પેનલની ભલામણ સ્વીકારવામાં આવે તો ઇનપુટ ગેસ કોસ્ટમાં થોડો ઘટાડો થશે. તેનાથી ૧.૫ ડોલર પ્રતિ એમએમબીટીયુ ખર્ચ ઘટી શકે છે. હાલમાં ડોમેસ્ટિક ગેસનો ભાવ ૮.૫૭ ડોલર પ્રતિ એમએમબીટીયુ છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૭૮.૧૨ ડોલર પ્રતિ બેરલ ચાલે છે. હવે પરિખ પેનલની ભલામણો સ્વીકારવામાં આવે તો ફર્ટિલાઈઝર્સ સહિતના તમામ સેક્ટરને ફાયદો થઈ શકે છે.

એન્ટીક સ્ટોક બ્રોકિંગ ખાતે સિનિયર વાઈસ પ્રેસિડન્ટ વરથરાજન સિવસંકરને કહ્યું કે ગેસના ભાવમાં જે ઘટાડો થાય તેનો લાભ ગ્રાહકોને આપવામાં આવે તે માટે સરકાર આગ્રહ કરશે. જાે પેનલની ભલામણ સંપૂર્ણ સ્વીકારી લેવાશે તો ગ્રાહકોને સીએનજી અને પીએનજીના ભાવ ઘટવાનો લાભ તાત્કાલિક મળવા લાગશે.

સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓએ તરત ગ્રાહકોને આ લાભ આપવો પડશે. ICICI સિક્યોરિટીઝના માનવા પ્રમાણે આગળ જતા રશિયા યુક્રેન યુદ્ધ જેવા કારણો ગેસના ભાવને અસર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.