Western Times News

Gujarati News

પેટલાદમાં ગોકળગાયની ગતિથી ચાલતો નગરપાલિકાનો વહિવટ

ડોર ટુ ડોર બાદ લેગાસી વેસ્ટના વર્ક ઓર્ડરમાં પણ છ મહિનાનો સમય ઃ પ્રમુખમાં ર્નિણય શક્તિના અભાવની ચર્ચા

(પ્રતિનિધિ) (તસ્વીરઃ દેવાંગી ઠાકર) પેટલાદ નગરપાલિકા દ્વારા વધુ એક વિલંબીત ર્નિણય લેવાયાની વિગતો બહાર આવવા પામી છે. થોડા સમય અગાઉ ડોર ટુ ડોર ઘનકચરાનુ કલેક્શન કરવાનો ઈજારો આપવામાં છ મહિના જેટલો લાંબો સમય ર્નિણય કરવામાં ગયો હતો. Petlad door to door waste collection

તેવી જ રીતે હવે લેગાસી વેસ્ટના નિકાલ કરવાનો ર્નિણય પણ છ મહિના બાદ લેવાયો હોવાની વિગતો સામે આવી છે?. આ બંન્ને ઈજારામાં ટેન્ડર ખોલ્યા બાદ છ મહિને વર્ક ઓર્ડર આપવાનો વિલંબીત ર્નિણય લીધો હોવાનુ સામે આવ્યું છે. પેટલાદ પાલિકાના પ્રમુખમાં કોઈપણ કામ બાબતે ર્નિણય શક્તિનો અભાવ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

જેને કારણે શહેરનો વિકાસ અને પાલિકાનો વહિવટ ગોકળગાયની ગતિથી ચાલતો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બનવા પામી છે?.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાંથી ઘનકચરાનુ કલેક્શન પાલિકા દ્વારા રોજેરોજ કરવામાં આવતું હોય છે. આ ઘનકચરો પાલિકાની લક્કડપુરા એસટીપી સાઈટ ખાતે નાખવામાં આવે છે.

વર્ષોથી અહિયાં ઘનકચરો એકત્રિત થતા તેનો નિકાલ કરવો આવશ્યક હતો. જેથી પાલિકા દ્વારા તા.૪ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ ટેન્ડર જાહેરાત આપી હતી. જેમા પાલિકા પાસે પાંચ ટેન્ડરો આવ્યા હતા?. આ તમામ ટેન્ડરો તા.૨૯ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ ખોલવામાં આવ્યા હતા. જે મુજબ અથર્વ એસોશિયેટ અમદાવાદનો ભાવ પ્રતિ ટન રૂ.૩૭૩ હતો. જ્યારે જન આધાર સેવાભાવી સંસ્થા લાતુરનો ભાવ પ્રતિ ટન રૂ.૪૪૫ હતો.

અન્ય ત્રણ પૈકી માધવ એન્ટરપ્રાઈઝ પાલિકા દફતરે બ્લેક લિસ્ટેડ એજન્સી હતી, જ્યારે નાગેશ કોર્પોરેશનનુ ટેન્ડર સમય મર્યાદા પછી મળ્યું હતું. ઉપરાંત શ્રીજી એજન્સી પાસે આવા કામનું અનુભવ સર્ટિફિકેટ નહીં હોવાના કારણે નામંજૂર થયુ હતું. આમ અથર્વ એસોશિયેટના સૌથી ઓછા ભાવ રૂ.૩૭૩ પ્રતિ ટન મંજુર થયા હતા.

ત્યારબાદ આ મંજુર ભાવ સંદર્ભે પ્રાદેશિક કમિશ્નર કચેરી વડોદરા દ્વારા સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત ૧૭૯૦૮ ટન લેગાસી વેસ્ટનો નિકાલ કરવા ગ્રાન્ટ તા.૧૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ મંજૂર કરવામાં આવી હતી. આ કચેરી દ્વારા પેટલાદ નગરપાલિકાને લેગાસી વેસ્ટના નિકાલની કામગીરી નિયમોનુસાર શરૂ કરવાની અંગત જવાબદારી ચીફ ઓફિસર અને પ્રમુખની રહેવાનું પણ જણાવ્યું હતું.

જે પછી તા.૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ કારોબારી સમિતીમાં ઠરાવ નં.૬૫થી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું હતું. ઉપરાંત આ કામગીરી તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવા ઠરાવમાં નોંધ મૂકાઈ હતી. છતાં સમયમાં વિલંબ થતાં છેક તા.૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ચીફ ઓફિસરે અથર્વ એસોશિયેટને ડિપોઝીટ જમા કરાવવા તથા બેંક ગેરંટી આપવા જાણ કરી હતી.

જે પ્રક્રિયા એજન્સી દ્વારા પૂર્ણ કરતા તા?.૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ પાલિકા અને એજન્સી વચ્ચે એગ્રિમેન્ટ થયો હતો. ત્યારબાદ પાલિકાએ તા.૧ માર્ચ ૨૦૨૩ના રોજ અથર્વ એસોશિયેટને વર્ક ઓર્ડર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ક ઓર્ડર મુજબ સાઈટ ઉપર પડેલ અંદાજીત ૧૮૦૦૦ ટન લેગાસી વેસ્ટનો નિકાલ એજન્સીએ છ મહિનામાં કરવાનો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ક ઓર્ડર આપ્યા બાદ આજે લગભગ ૪૦ દિવસ બાદ એજન્સી દ્વારા ઘનકચરાના નિકાલ કરવાની શરૂઆત પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવી છે.

વજન સંદર્ભે અસમંજશતા
મળતી માહિતી મુજબ પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાંથી રોજ લગભગ દસ થી બાર ટન ઘનકચરો આ સાઈટ ઉપર ઠલવાતો હોવાનું પાલિકાના કર્મચારી સાગર પટેલે જણાવ્યું હતું. એટલે કે વર્ષે અંદાજીત ૩૬૫૦ ટન જેટલો કચરો અહિયાં એકત્રિત થતો હોવાનું અનુમાન છે.

જેની સામે પાલિકાએ સાઈટ ઉપર અંદાજીત ૧૮૦૦૦ ટન જેટલો ઘનકચરો હોવાનો વર્ક ઓર્ડર આપેલ છે. પરંતુ કારોબારી સમિતી દ્વારા તા.૯ જાન્યુઆરી ૨૦૨૩ના ઠરાવ નં.૬૫ માં ઘનકચરાનો અંદાજ આશરે ૫૫૦૦૦ ટન જેટલો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળે છે. તો સાઈટ ઉપર ખરેખર લેગાસી વેસ્ટ કેટલા ટન હશે ?

બાયો પદ્ધતિથી નિકાલ
પેટલાદ નગરપાલિકાની એસટીપી પ્લાન્ટ સ્થિત સાઈટ ઉપર આજથી લેગાસી વેસ્ટના નિકાલની કામગીરીનો પ્રારંભ થયેલ છે. એજન્સી દ્વારા આ ઘનકચરાનો નિકાલ બાયો રેમેડીએશન પદ્ધતિથી કરવામાં આવનાર છે. જેમાં પ્લાસ્ટિક, કાપડ, માટી, લોખંડ, અન્ય કચરો વગેરે આપોઆપ અલગ થઈ જશે. જેનો સાઈટ ઉપરથી એજન્સી દ્વારા એગ્રિમેન્ટની શરતો મુજબ સમયસર નિકાલ કરવામાં આવનાર છે. આ કામગીરીમાં જે કોઈ મશીનરી, સેગ્રીગેશન, ટ્રોમીલ દ્વારા બાયો માઈનિંગ પ્રોશેસ, જેસીબી, ટ્રેક્ટર, સુપરવાઈઝર, ઓપરેટર, લેબર વગેરેની સંપૂર્ણ જવાબદારી અથર્વ એસોશિયેટની રહેવાનો ઉલ્લેખ એગ્રિમેન્ટમા કર્યો હોવાનું જાણવા મળે છે.

કચરા પાછળ દોઢ કરોડ
પેટલાદ નગરપાલિકા દ્વારા ઘનકચરાના કલેક્શન માટે અંદાજીત રૂ.૭૦ લાખનો ઈજારો આપવામાં આવેલ છે. ત્યારબાદ આ ઘનકચરાનો બાયો પદ્ધતિ દ્વારા નિકાલ કરવા રૂ.૬૬ લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. ઉપરાંત દૈનિક સફાઈ, પગાર, દવા છંટકાવ વગેરે પાછળ પણ જંગી ખર્ચ પાલિકાને થતો આવ્યો છે.

છતાં નગરમાં કચરાનું સામ્રાજ્ય અનેક અંતરિયાળ વિસ્તારોમાં જાેવા મળે છે. નગરને સ્વચ્છ રાખવા સ્વભંડોળના બદલે સરકારની ગ્રાન્ટમાંથી ખર્ચ થઈ રહ્યો છે. પરંતુ આટલા જંગી ખર્ચ પછી પણ નગરની સ્વચ્છતા સંદર્ભે પાલિકા ઉપેક્ષા રાખતા હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.