Western Times News

Gujarati News

12 રમતવીરોને મુખ્યમંત્રીના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત

સાંસદ ખેલ સ્પર્ધાએ રમતવીરોને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક આપી છે – મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૩ના  સમાપન સમારંભમાં રમતવીરોને પ્રોત્સાહિત કર્યા

મુખ્યમંત્રીશ્રીએ વોલીબોલ કોર્ટમાં બોલની પ્રથમ સર્વિસ કરી ખેલાડીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સાંસદ ખેલ સ્પર્ધાએ રમતવીરોને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા -૨૦૨૩ના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુદી જુદી સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચેલા ખેલાડીઓનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારની પ્રોત્સાહક સહાય વિવિધ રમતોના ખેલાડીઓને મળી રહે તેવા પ્રયત્નો હંમેશા કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પણ સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ભવિષ્ય એવા યુવાનોને રમત-ગમત ક્ષેત્રે આગળ લાવવા માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. આ ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતના છેવાડાનો યુવાન પણ આજે રમત-ગમત ક્ષેત્રે વિશ્વમાં ગુજરાતનું અને દેશનું નામ રોશન કરી રહ્યો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી દ્વારા નડિયાદના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સૌ પ્રથમ વોલીબોલ મેચ માટેનો ટોસ ઉછાળી અને મહિલાઓની રસ્સાખેંચ ટીમને ફ્લેગ ઓફ કરાવીને ખેલની શરૂઆત કરાવી હતી.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ કરાટે અને સ્કેટિંગના કુલ ૧૨ રમતવીરોને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. વોલીબોલ કોર્ટમાં બોલની પ્રથમ સર્વિસ કરી વોલીબોલ ગેમની શરૂઆત કરાવી ખેલાડીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી. આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી જિલ્લાની ટીમોનું અભિવાદન કરી મુખ્યમંત્રીશ્રીએ ખેલાડીઓના મનોબળમાં વૃદ્ધિ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં તા. ૧ મે ૨૦૨૩ના રોજ શરૂ થયેલ સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખોખો જેવી રમતોમાં ૧૦ હજાર રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી વિવિધ રમતોમાં ૧૫૦ જેટલા યુવાનો ફાઈનલ સુધી પહોંચ્યા હતા.

આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સાંસદશ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણ, ખેડા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, ખેડા જિલ્લા કલેક્ટરશ્રી, પંચાયતના પ્રમુખશ્રી તેમજ અન્ય મહાનુભાવો ઉપરાંત ખેડા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.