Western Times News

Gujarati News

પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ધોલેરાના કાદીપુર-ખુણ ગામે થશે

વિશ્વ પર્યાવરણ દિવસ – અમદાવાદ જિલ્લો-સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ઊજવાશે પર્યાવરણ દિવસ

મિષ્ટી પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ચેરનાં વૃક્ષોનું વાવેતર વધારાશે

પ્લાસ્ટિક કચરાના એકત્રીકરણ ઉપરાંત જિલ્લાની તમામ શાળાઓમાં વૃક્ષારોપણ તથા બે લાખથી વધારે રોપાઓનું વિતરણ કરીને ઊજવાશે પર્યાવરણ દિવસ

દર વર્ષે પાંચમી જૂને ઊજવાતો વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતની ઉજવણી વિશિષ્ટ બની રહેનાર છે, કેમકે વર્ષ-૨૦૨૩ના કેન્દ્રીય બજેટમાં મિષ્ટી (મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર સોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ) યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને ગુજરાતમાં દરિયાકાંઠો ધરાવતા ૧૧ જિલ્લાઓમાં મિષ્ટી યોજનાને કેન્દ્રમાં રાખીને ઉજવણી થનાર છે અને આમાં અમદાવાદ જિલ્લો પણ સામેલ છે.

અમદાવાદના ધોલેરા તાકુલાના કાદીપુર-ખૂણ ગામે પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી થવાની છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેવાના છે. મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંસદસભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી તથા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

પર્યાવરણ દિવસની ઉજવણીના જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તથા અમદાવાદના નાયબ વન સંરક્ષણ, સામાજિક વનીકરણ વિભાગનાં વડાં ડૉ. પ્રિયંકા ગેહલોતના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં મિષ્ટી યોજના કેન્દ્રસ્થાને રહેશે.

અત્યાર સુધીમાં અંદાજે ૭,૦૦૦ હેક્ટરમાં ચેરનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, અને આગામી સમયમાં ચેરનાં વૃક્ષોનું વાવેતર વધારાશે. પર્યાવરણ દિવસની ઉજવણીમાં સ્થાનિક લોકોને ચેરનાં વૃક્ષોનું મહત્ત્વ સમજાવીને જનજાગૃતિ ઊભી કરવાનું પણ આયોજન છે. જનજાગૃતિ માટે વિવિધ લોકમાધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

પર્યાવરણ દિવસ નિમિત્તે ચેરના વાવેતર ઉપરાંત જિલ્લાની તમામ શાળાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં સામાજિક વનીકરણ અંતર્ગત નાગરિકોને બે લાખથી વધારે રોપાનું વિતરણ કરવામાં આવનાર છે.

આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે – બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, આ થીમ અંતર્ગત પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરીને યોગ્ય નિકાલ કરવાની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને આ ઝુંબેશમાં જોડવામાં આવનાર છે. ખેડૂતોની જાગૃતિ માટે પણ વિશિષ્ટ શિબિરોનું આયોજન કરાશે. આમ, વિવિધ માધ્યમો થકી પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ‘મિષ્ટી’ યોજના પાછળનો હેતુ મેન્ગ્રુવ (ચેર) રોપા અંગે જાગૃતિ લાવીને તેને આખા દેશના મેન્ગ્રુવ પોટેન્શિયલ વિસ્તારમાં રોપણી કરાવીને સમૃદ્ધ તટીય વિસ્તારોને રક્ષણ પૂરું પાડવાનું છે. આ પ્રોજેક્ટના પ્રારંભ સાથે સમગ્ર ભારત દેશમાં ચેર વાવેતરનું મિશન મોડમાં વાવેતર શરૂ થયો છે.

ચેરનું મહત્ત્વ એ છે કે તે ક્ષારયુક્ત પવનોને રોકે છે અને દરિયાને આગળ વધતો અટકાવવાની કામગીરી કરે છે તેમજ  વાવાઝોડા અને સુનામીની સામે રક્ષણ પણ આપે છે. ચેરના છોડ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજન પૂરો પાડવાની કામગીરી પણ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.