Western Times News

Gujarati News

જાપાની મિયાવાકીની વનીકરણ પદ્ધતિથી અંબાજી ખાતે વન તૈયાર કરાયું

વડ, પીપળ, અર્જુન સાદડ, દેશી આંબા, બહેડા, ખાટી-આંમલી, જાંબુ, ઉમરા, મહુડા, લીમડા, બદામ, ખજુર, ખેર, કણજી, વાંસ, જામફળ, પારિજાત, સતાવરી, કેતકી વગેરે સહિત ૫૭ જાતના રોપાઓનું વાવેતર

૫ મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વન કવચનું લોકાર્પણ કરાશે

બનાસકાંઠા વન વિભાગ દ્વારા ૨ હેક્ટર વિસ્તારમાં વન કવચ પ્લોટમાં આ વર્ષે ૨૦,૦૦૦થી વધારે રોપાનું સફળ વાવેતર કરાયું

(માહિતી બ્યુરો, પાલનપુર) વનો અને વન્યસંપદા પૃથ્વી પરનું સાચું ધન છે. વધતા પ્રદૂષણ અને મોસમી ફેરફારો વચ્ચે આજે જળવાયું પરિવર્તન થઇ રહ્યું છે. જેને અટકાવવા માટે વનોની જાળવણી કરવી ખુબ જરૂરી છે.

આવનારી ભવિષ્યની પેઢીઓના તંદુરસ્ત જીવન અને સુખ- સમૃધ્ધિ માટે આપણા દીર્ધદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાતને લીલુંછમ્મ- હરિયાળું બનાવવા માટે જાપાનના વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકીની વનીકરણ પદ્ધતિ પ્રમાણે વન વિભાગ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આવું જ એક વન કવચ વિશ્વ પ્રસિધ્ધ યાત્રધામ અંબાજીના ગબ્બર પર્વત નજીક તૈયાર કરવામાં આવ્યું છે. નાયબ વન સંરક્ષણક (નોર્મલ) શ્રી પરેશ ચૌધરીએ જણાવ્યું છે કે, આગામી ૫ મી જૂન-૨૦૨૩, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે અંબાજી ખાતે

રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અને વિધાનસભાના માન. અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં વન કવચનું લોકાર્પણ કરાશે તથા મિયાવાકી પધ્ધતિથી ૧૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

બનાસકાંઠા વન વિભાગ દ્વારા ૨ હેક્ટર વિસ્તારના વન કવચ પ્લોટમાં આ વર્ષે ૨૦,૦૦૦ થી વધારે રોપાનું સફળ વાવેતર કરાયું છે. જેમાં વડ, પીપળ, અર્જુન સાદડ, દેશી આંબા, બહેડા, ખાટી-આંમલી, જાંબુ, ઉમરા, મહુડા, લીમડા, બદામ, ખજુર, ખેર, કણજી, વાંસ, જામફળ, પારિજાત, સતાવરી, કેતકી વગેરે સહિત ૫૭ જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ વન કવચમાં ઔષધિય અને ફળાઉ રોપાઓનું પણ વાવેતર કરવામાં આવેલું છે. અંબાજી દર્શનાર્થીઓ આવતા યાત્રાળુંઓ માટે આ સ્થળ કાયમી સંભારણું બની રહે તેવી સરસ સુવિધાઓ સાથેનું વન તૈયાર કરવામાં આવ્યું છે.

અંબાજી તથા તેની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં જયાં કુદરતી રીતે બીજ નથી પહોંચતા તથા જે ડુંગરાઓ ધીરે- ધીરે વનસ્પતિનું આવરણ ગુમાવી રહ્યા છે એવા વિસ્તારોમાં આ વર્ષે ડ્રોન ટેકનોલોજીથી અંદાજે ૧૦૦ થી ૨૦૦ હેક્ટર ડુંગરાળ વિસ્તારમાં સીડબોલ તથા સીડનું વાવેતર કરવાનું આયોજન કરાયું છે.

વર્ષ-૨૦૨૩-૨૪ માટે આ વિસ્તારમાં ૧૯૩.૫૦ હેકટર વિસ્તારમાં વન કવચ વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ વર્ષમાં વાવેતર લાયક વરસાદ થયા બાદ ભૌગોલિક સ્થિતિ અને વિસ્તારને અનુરૂપ ૨,૯૮,૧૦૦ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં કડાયો, કરંજ, અરીઠા, ખજુર, ખાખરો, કણજી, ગરમાળો, દુધી, સરગવો, ટીંમરૂ, મહુડા, ગુંદા, ગુંદી, સીંદુર જેવા રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

આ વિસ્તારમાં આગામી વર્ષોમાં સને- ૨૦૨૪-૨૫ માં ૫૦૦ હેકટર તેમજ સને- ૨૦૨૫-૨૬ માં ૫૦૦ હેકટર વિસ્તારમાં વાવેતરની કામગીરી લેવાનું આયોજન વન વિભાગ દ્વારા કરાવામાં આવ્યું છે.

વન કવચ શું છે.
વન કવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે, એક ઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ટ વાવેતર કરવા શરૂઆતના ૨ વર્ષ નિયમિત તેની સંભાળ લઇ પરિપક્વ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તે કોઈપણ કાળજી વગર તેની રીતે જંગલની તર્જ પર વિકાસ પામે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.