Western Times News

Gujarati News

‘ભણજો… એક વૃક્ષ વાવજો….’ -શિક્ષણ સાથે પર્યાવરણ જાળવણીની આગવી પહેલ

રોપડા શાળામાં નવીન પ્રવેશ પામતા બાળકો એક છોડ સાથે પ્રવેશ મેળવે તેવો નવતર અભિગમ

‘આવજો, એક વૃક્ષ વાવજો’ આ સૂત્ર આપણે સૌ સાંભળ્યું છે…  વ્રુક્ષ વાવવાની અપીલ સાથેનું આ સૂત્ર આપણા સૌના કાનમાં કેટલાય સમય સુધી ગુંજતું રહ્યું…પણ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના રોપડા ગામે આજ કાલ ‘ભણજો… એક વૃક્ષ વાવજો….’સૂત્ર ગુંજી રહ્યું છે.  ‘Study- plant a tree…’ – a unique initiative of environment conservation with education

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે રોપડા શાળામાં નવો અભિગમ અપનાવવામાં આવ્યો. એક સમય હતો કે, દર વર્ષે ધો. ૧માં નવીન પ્રવેશ પામતા બાળકો સાથે સાકર , ગોળ ધાણાથી મોં મીઠું કરાવતા. સમય જતાં એ સ્થાન ચોકલેટ રૂપે સ્વીકારાયું… આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચોકલેટ વધુ પ્રમાણમાં આરોગવાથી સ્વાસ્થ્ય સામે જોખમ છે. આથી આ વર્ષે રોપડા શાળામાં નવીન પ્રવેશ પામતા બાળકો એક છોડ સાથે પ્રવેશ મેળવે તેવો અભિગમ અપનાવાયો.

જેમ બાળક કુમળું ફૂલ છે તેનો જેવો ઉછેર કરીએ તેવો વિકાસ પામે છે,  તેમ છોડની જેમ તેનો વિકાસ થાય તેવો નવો સંકલ્પ લેવામાં આવ્યો હોવાનું જણાવી શાળાના આચાર્ય શ્રીનિશીત્ભાઈ કહે છે કે,

“જે બાળકો કે શિક્ષકનો જન્મ દિવસ હોય ત્યારે પણ છોડ ભેટ સાથે અર્પણ કરી શાળા પર્યાવરણ સાથે ગામના પર્યાવરણમાં સુધારો કરવા સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ વિચાર આવનારા પાંચ વર્ષ સુધી સતત અમલમાં લાવી પર્યાવરણ સુધારવા શાળા તરફથી ઝુંબેશ ચલાવવામાં આવશે.. જેમાં બાળકો , શિક્ષકો, વાલી, ગામજનો,  સરપંચ, તલાટી, સભ્યો, પંચાયત , ડેરી, વિવિધ સામાજિક સંસ્થાને સાથે જોડવામાં આવશે…” એમ તેમણે ઉમેર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,  શાળામાં અત્યારે બોરસલી,સપ્તપર્ણી, ફાયકસ, રેઇન ટ્રી, શેતુર, પામ, લીમડો, વડ, પીપળો, ગુલમહોર, ગરમાળો, આસોપાલવ, કણજી, શેતૂર, જાંબુ, કેળ, બદામ, અર્જુન, બિલી જેવા વૃક્ષ સાથે ચંપો, ચમેલી, ગુલાબ, જાસૂદ, પારિજાત, કરેણ, કોર્ડિયા,

લીલી  જેવા વિવિધ ફૂલછોડ અને આયુર્વેદિક તુલસી, અરડૂસી, અજમો, લીંબુ, પર્ણફૂટી જેવા ઔષધીય પ્લાન્ટ સાથે ઋતુ પ્રમાણે વેલાનું પણ સંવર્ધન કરાય છે. 400 જેટલા વિવિધ ફૂલ છોડ અને વૃક્ષ સાથે શાળાનું કમ્પાઉન્ડ હરિયાળી ઓઢીને બેઠું છે.

આવનાર પાંચ વર્ષમાં શાળા અને ગામમાં અત્યારે હોય તેના કરતા પાંચ ઘણા છોડ ઉછેરી વટવૃક્ષ બનાવી પર્યાવરણ સુધારવા પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે… -હિમાંશુ ઉપાધ્યાય


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.