Western Times News

Gujarati News

મુંબઈથી મેફેડ્રોન ડ્રગનો જથ્થો જેતપુર પહોંચાડે તે પહેલા આરોપી ઝડપાયો

રાજકોટ, રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે આવેલા બસ સ્ટેન્ડ પાસેથી મેફેડ્રોન ડ્રગના ૪૫.૮ ગ્રામના જથ્થા સાથે રિઝવાન છાંટબાર નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં તે પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગનો જથ્થો મુંબઈના માહીમ વિસ્તારમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું છે.

તેમજ તે મુંબઈથી આ ત્રીજી વખત મેફેડ્રોન ડ્રગ લાવ્યો હોવાની કબુલાત પણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આપી છે. ત્યારે સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલાની તપાસ ગોંડલ તાલુકા પોલીસને સોંપવામાં આવી છે.

પોલીસે આરોપી પાસેથી કુલ ૪,૬૭,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, જેતપુરનો રહેવાસી રિઝવાન છાંટબાર મુંબઈથી પ્રતિબંધિત નશાકારક દ્રવ્યનો જથ્થો લઈ જેતપુર ખાતે આવી રહ્યો છે. જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ વોચમાં હતી.

તે દરમિયાન વીરપુરથી જેતપુર તરફ જતા પીઠડીયા ગામના નેશનલ હાઈવે રોડ પર બસ સ્ટેન્ડ પાસેથી રિઝવાન છાટબારની અંગજડતી કરતા તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે.

જે ગુનામાં તેને પકડવાનો બાકી છે. આમ આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. ત્યારે જેતપુર ખાતે તેમજ સૌરાષ્ટ્રમાં તે કોને પ્રતિબંધિત નશાકારક દ્રવ્ય વહેચવાનો હતો, તે તમામ બાબતે અંગે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે.

ઉલ્લેનીય છે કે, થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જામનગરના ડ્રગ પેડલર તેમજ મુંબઈના ડ્રગ સપ્લાયરને ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ૧,૭૬,૫૦૦ની કિંમતનો મેફેડ્રોન ડ્રગનો ૧૭.૬૫૦ ગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.