Western Times News

Gujarati News

જાહેરમાં ગંદકી કરવા બદલ ટાઈલ્સ-પ્લાયવૂડની દુકાનને તંત્ર દ્વારા ‘સીલ’ મરાયું

પ્રતિકાત્મક

તંત્રે સાડા દસ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ.પર,૭૦૦નો દંડ વસૂલ્યો

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ હેઠળ તંત્ર દરરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે આકરા પગલાં ભરી રહ્યું છે.

આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો વિરુદ્ધ સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં સત્તાવાળાઓએ ટાઈલ્સ પ્લાયવુડની એક દુકાનને તાળાં મારતા જાહેરમાં ગંદકી કરતા એકમોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઝોનના તમામ વોર્ડમાં આવેલા જાહેર રોડ પર ગંદકી- ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમોનું રોજેરોજ સઘન ચેકિંગ હાથ ધરાયું છે, જે દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતા એકમો વિરુદ્ધ જીપીએમસી એકટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગઈકાલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ગોતા વોર્ડના સ્મશાન રોડ પર આવેલી જય સ્વામિનારાયણ સેનેટરી ટાઈલ્સ અને પ્લાયવુડ નામની દુકાનના સંચાલકને જાહેર રોડ પર ગંદકી ફેલાવવાના મામલે કસૂરવાર ઠરાવી તેમની દુકાનને તાળા માર્યા હતા.

તંત્ર દ્વારા શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કીટલી વગેરે ધંધાર્થીઓ સામે પેપરકપ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના સંદર્ભમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું હોઈ આ તમામ બાબતો માટે કુલ ૭૪ જેટલા એકમો તપાસવામાં આવ્યા હતા, જે દરમિયાન આ પ્રકારના કૃત્ય બદલ ૩૭ એકમને તંત્રે નોટિસ ફટકારી હતી

તેમજ સાડા દસ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને સત્તાવાળાઓએ રૂ.પર,૭૦૦નો દંડ વસુલ્યો હતો. સત્તાવાળાઓએ પ્રતિબંધિત પ્લાસ્ટીકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે લાલ આંખ કરી હોઈ તાજેતરમાં શહેરમાં સંપન્ન થયેલી ૧૪૬મી ઐતિહાસિક રથયાત્રા બાદ તેના રૂટ પર પ્રતિબંધિત પ્લાસ્ટીકનો કચરો પ્રમાણમાં ઓછો જાેવા મળ્યો હતો જે તંત્રની ધાક દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.