Western Times News

Gujarati News

ઝઘડિયામાં સતત ત્રીજા દિવસે મેઘવર્ષા યથાવતઃ રસ્તાઓ ધોવાયા

ઝઘડિયાના ઉમલ્લા નજીકના મહુવાડા ગામ પાસે ખાડી પરનું છલિયું તુટી જતા હાલાકી સર્જાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) છેલ્લા ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં થઈ રહેલા અવિરત વરસાદને પગલે ઠેરઠેર ધોરીમાર્ગો સહિત ગ્રામ્ય વિસ્તારોને જાેડતા માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું હોવાના અહેવાલ મળ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લાના અન્ય તાલુકાઓની જેમ ઝઘડિયા તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘવર્ષા ચાલુ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. For the third day in a row, the roads were washed away in Jhagadia.

તાલુકામાં થઈ રહેલ અવિરત વરસાદને લઈને ગ્રામજનોને મોટાભાગે ઘરોમાં પુરાઈ રહેવાની નોબત આવી હતી. ઉલ્લેખનીય છે કે સતત થઈ રહેલા વરસાદને લઈને ઠેરઠેર રસ્તાઓનું ધોવાણ થતું હોય છે,ઉમલ્લા નજીકના મહુવાડા ગામ પાસે ખાડી પરનું છલિયું તુટી જતા હાલાકિ સર્જાઈ હતી.

ત્યારે ઝઘડિયા તાલુકા માંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપરાંત ધોરીમાર્ગ સાથે ગામડાઓને જાેડતા ગ્રામિણ માર્ગો ધોવાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા.તાલુકા માંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગનું રાજપારડી ચાર રસ્તા નજીક મોટા પ્રમાણમાં ધોવાણ થતાં વાહન ચાલકો હાલાકિ ભોગવતા નજરે પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજપારડી ચાર રસ્તા નજીક દર ચોમાસામાં વિકટ પરિસ્થિતિ સર્જાય છે. તેમાં ચાલુ સાલે પણ ચોમાસાની શરુઆતે જ માર્ગ ધોવાતા આ પરંપરા યથાવત રહેવા પામી હતી.વધુમાં મળતી વિગતો મુજબ આ ધોરીમાર્ગ પર ઉમલ્લાથી આગળ રાજપીપળા તરફ જતા રાયસીંગપુરા અને બામલ્લાના પાટિયા વચ્ચે ધોરીમાર્ગ

પર નવા બનાવેલ નાળાને રોડ સાથે જાેડવા કરવામાં આવેલ પુરાણનો ભાગ બેસી જતા વાહન ચાલકોએ તકલીફ વેઠવાની સાથેસાથે રાત્રી દરમ્યાન અકસ્માત થવાની સંભાવના પણ ઉભી થઈ હતી.જ્યારે આ સ્થળ નજીકમાંજ ધોરીમાર્ગને જાેડતા મહુવાડા તરફના રસ્તા પર આવતી ખાડી પરનું છલિયું વચમાં મોટાપ્રમાણમાં તુટી જતા વચ્ચોવચ મોટો ખાડો પડી ગયો હતો.

આને લઇને આ પંથકના ગામો હાલાકિમાં મુકાયા હતા.ગઈકાલે રાજપારડી નજીકના સારસા ગામે પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઈન પર આવેલ બન્ને ગરનાળાઓમાં કેડ સમા પાણી ભરાતા સારસા ગામના સ્થાનિક ગ્રામજનો વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા.

જ્યારે બીજા ગરનાળામાં પણ ભરાયેલા પાણીને લઈને જળાશય જેવી સ્થિતિ સર્જાતા ઉમધરા સંજાલી તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો.ત્યારે આજે વધુમાં મળતા અહેવાલ મુજબ આ રેલવે લાઈન પરના અન્ય ગરનાળાઓમાં પણ વરસાદનું પાણી ઘેરાવાની સમસ્યા જાેવા મળી હતી.

ઝઘડિયા નજીકના રાણીપુરા ગામને મુખ્ય ધોરીમાર્ગ સાથે જાેડતા માર્ગ પર આવેલ ગરનાળામાં પણ પાણી ભરાતા ગ્રામજનો તકલીફમાં મુકાયા હતા.ઉપરાંત આ ધોરીમાર્ગનું અન્ય ઘણા સ્થળોએ ધોવાણ થયું હોવાની વિગતો પણ જાણવા મળી હતી.

વળી રાજપારડી નજીક માધવપુરા ફાટકથી જીએમડીસીને જાેડતો રસ્તો આમેય બિસ્માર તો બનેલો જ હતો પરંતું ચાલું ચોમાસા દરમિયાન વધુ ધોવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.ઉપરાંત ઉમલ્લાથી આગળ સુથારપુરા પંથકના ગામોએ પણ લોકો બિસ્માર માર્ગને લઈને તકલીફમાં મુકાયા હતા.

આ લખાય છે ત્યારે પણ તાલુકામાં હળવો વરસાદ ચાલુ છે.સતત થઈ રહેલા વરસાદને લઈને ધોરીમાર્ગ પર જતા વાહનોની પાંખી અવરજવરને લઈને રોડ સુમસામ દેખાઈ રહ્યો છે.ઉપરાંત રાજપારડી નજીકથી પસાર થતી માધુમતિ ખાડી પણ ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને લઈને ગતરોજ બે કાંઠે વહેતી જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.