Western Times News

Gujarati News

પકવાનથી સિંધુ ભવન રોડ પર 536 વાહનના પાર્કિંગની સુવિધા ઉભી કરાશે

પ્રતિકાત્મક

સિંધુ ભવન રોડ પર માત્ર રૂ.૧૫માં કાર પાર્ક કરી શકાશે

અમદાવાદ, મેગા સિટી અમદાવાદમાં વિકાસની દૃષ્ટિએ નિતનવા લક્ષ્યાંક પાર પડી રહ્યા છે. શહેરનું હવે હોરિઝોન્ટલના બદલે વર્ટિકલ ડેવલપમેન્ટ હરણફાળ ગતિએ થઈ રહ્યું છે. આકાશને આંબતી ગગનચુંબી ઇમારતોની અમદાવાદીઓને કોઈ નવાઈ રહી નથી, જાેકે જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થઇ રહ્યું છે

અને સિંધુ ભવન રોડ જેવા રોડ અતિમહત્ત્વપૂર્ણ બન્યા છે તેવા સંજાેગોમાં મ્યુનિસિપલ સત્તાધીશોએ પણ અમદાવાદીઓને સારી સુવિધા આપવાની દિશામાં કમર કસી છે. સિંધુ ભવન રોડ પર લોકો આગામી દિવસોમાં સરળતાથી પોતાની કાર પાર્ક કરી શકશે, જે માટે તંત્ર દ્વારા નક્કી થનારા કોન્ટ્રાક્ટરને બે કલાકના ફક્ત રૂા.૧૫ ચૂકવવા પડશે.

મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓએ લોકોની સગવડ માટે સિંધુ ભવન રોડ પર પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાની કવાયત હાથ ધરી છે, જે માટેના ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં હોઈ તેને આગામી ૩૧ જુલાઈની બપોરના ૩.૩૦ વાગ્યા સુધીમાં ઉત્તર-પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફિસ રાજમાતા વિજયારાજે સિંધિયા ભવન ખાતે મોકલવાનાં રહેશે.

તંત્ર દ્વારા પકવાન ચાર રસ્તાથી એસપી રિંગરોડ સુધીના સિંધુભવન રોડ પર પે એન્ડ પાર્ક માટે આમંત્રિત કરાયેલાં ટેન્ડરની મુદ્દત ત્રણ વર્ષ માટેની છે, જેની અપસેટ વેલ્યૂ એટલે કે વાર્ષિક લાઈસન્સ ફી રૂ.૨૧,૭૬૦ છે. તા.૨ ઓગસ્ટના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યે ઉત્તર પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફિસ ખાતે ટેન્ડર કમ હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે.

સિંધુ ભવન રોડ પર કુલ ૧૦૮ ટુ વ્હીલર અને ૪૨૮ ફોર વ્હિલર મળીને કુલ ૫૩૬ વાહન લોકો પાર્ક કરી શકશે. આ માટેના કોન્ટ્રાક્ટની અર્નેસ્ટ મની ડિપોઝિટ રૂ.એક લાખ રખાઈ છે. આ પેન્ડ એન્ડ પાર્ક માટે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નં.૧૬૦, જે ગત ૭મે, ૨૦૧૫એ પસાર કરાયો હતો તે મુજબ પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવશે.

પહેલા એક કલાક માટે સાઇકલના રૂ.એક, બે કલાક માટે રૂ.બે, ટુ વ્હીલરમાં પહેલા બે કલાક માટે રૂ.પાંચ, કાર માટે પહેલા બે રૂ.૧૫, મીડિયમ ગુડ્‌સ વિહિકલ માટે પહેલા એક કલાકના રૂ.૮૦, હેવી ગુડ્‌સ વિહિકલ માટે પહેલા કલાકના ૭૫ અને બીજા કલાકના ૧૨૫ રૂપિયા લેવામાં આવશે.

સાઇકલ માટે ૨૪ કલાકના રૂ.૩૦, ટુ વ્હીલર માટે રૂ.૪૭, કાર માટે રૂ.૧૧૯, મીડિયમ ગુડ્‌સ વિહિકલ માટે રૂ.૩૪૦ અને હેવી ગુડ્‌સ વિહિકલ માટે રૂ.૫૧૫ વસૂલવામાં આવશે.

પાર્કિંગ માટેની કુલ જગ્યામાંથી ૪૦ ટકા જગ્યા પાર્કિંગ પરમિટ માટે અનામત રાખવાની રહેશે. જાે કોઈ અરજદાર તેના માટે માગણી કરે તો અનામત રખાયેલી જગ્યામાં હાલના દરના ૧૨ કલાક માટેના દર ગણી માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક ધોરણે પરમિટ આપવાની રહેશે. જાે પરમિટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થાય તો તેવા સંજાેગોમાં તે જગ્યાનો ઉપયોગ સામાન્ય લોકોના પાર્કિંગ માટે કરી શકાશે.

સમગ્ર પે એન્ડ પાર્ક ચલાવવા અંગેની કાર્યવાહી તંત્ર દ્વારા પાર્કિંગ માટે ડેવલપ કરાયેલ અમદાપાર્ક નામની મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કોન્ટ્રાક્ટરે કરવાની રહેશે તથા આ એપ્લિકેશનને સપોર્ટ કરતાં થર્મલ પ્રિન્ટર પૂરતા પ્રમાણમાં કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે લાવવાનાં રહેશે અને તેના આધારે વાહચાલકને પહોંચ આપવાની રહેશે.

જાહેર જનતા દૂરથી જાેઈ સકે તે પ્રમાણે સ્થળ પર વાહન પાર્કિંગ ફીનાં ધોરણ દર્શાવતું બોર્ડ રાખવાનું રહેશે અને તેને કાયમી ધોરણે નિભાવવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.