Western Times News

Gujarati News

રાજકીય રોટલા શેકવા નીકળેલી કોંગ્રેસ યુવાનોને ગુમરાહ કરવાનું બંધ કરે : ગૃહ રાજ્ય મંત્રી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ  પરિક્ષાના CCTV ફૂટેજની તપાસ અંતિમ તબક્કામાં – બે દિવસમાં નિર્ણય જાહેર કરાશે  – ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ભાવનગરમાં એક વ્યક્તિ દ્વારા આઠ વ્યક્તિઓને મોકલાયેલ પેપરની આન્સર કી તદ્દન ખોટી છે
ભરતી બોર્ડને મળેલી ૩૯ ફરીયાદોની તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી થશે : બનાસકાંઠામાં એક FIR નોંધાઇ – બે યુવાનોની ધરપકડ

ગાંધીનગર, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પારદર્શિતાથી એક લાખ યુવાનોને સરકારી સેવામાં જોડ્યા છે : બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષામાં ૩,૯૦૧ યુવાઓને સરકારી નોકરી મળશે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાની રાજ્ય સરકારની વિચારણા  આગામી દિવસોમાં પોલીસ દળમાં અંદાજે ૧૨,૦૦૦ જેટલી નવી ભરતી થનાર છે.

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર રાજ્યના કોઇપણ ખૂણેથી પેપર ફૂટ્યુ નથી. રાજકીય રોટલા શેકવા નીકળેલી કોંગ્રેસ યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે મળેલ ફરીયાદો મુજબ પરીક્ષા કેન્દ્રોમાં CCTV ફૂટેજની તપાસ અંતિમ તબક્કામાં છે જે પૂર્ણ થયેથી આગામી બે દિવસમાં આ અંગેનો યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર રોજગારી પૂરી પાડવા માટેના પ્રયાસો કરી રહી છે ત્યારે રાજ્યના યુવાનોને આગળ ધરીને કોંગ્રેસને રાજનીતિ કરવાનું સુઝે છે તે તદ્દન ગેરવ્યાજબી છે. પરંતુ, કોંગ્રેસની આ મેલી મુરાદ ક્યારેય પૂરી થવાની નથી. રાજ્ય સરકારે હંમેશા યુવાનોનું હિત જોયુ છે અને સરકાર યુવાનોના પડખે ખભે ખભો મીલાવીને ઉભી છે અને હરહંમેશ તેમની સાથે જ છે એટલે યુવાનોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને સરકારી સેવાઓમાં જોડીને તેમને રોજગારી પૂરી પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની ૩,૯૦૧ જગ્યાઓ માટે પરીક્ષા લેવાયેલ હતી. સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજાય એ માટેનું સંપૂર્ણ આયોજન કરીને પારદર્શિતાથી પરીક્ષા લીધી છે. જેના પરિણામે રાજ્યના ૩૯૦૧ જેટલા યુવાનોને સરકારી સેવાઓ મળવાની છે ત્યારે કોંગ્રેસે યુવાનોને ગુમરાહ કરવાની જરૂર નથી. યુવાનોની ચિંતા એ અમારી પ્રાથમિકતા છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા સંદર્ભે ભાવનગર ખાતે એક ઉમેદવાર દ્વારા પરીક્ષા માટે કેટલાક યુવાનો પેપરની આન્સર કી સંદર્ભે એકત્રિત થયા છે, તેવી જાણ ભાવનગર પોલીસ કન્ટ્રોલ રૂમને થઇ હતી અને આ આન્સર કી અન્ય આઠ જેટલા યુવાનોને વોટ્સએપના માધ્યમથી ફોરવર્ડ કરવામાં આવી હતી. જો કે તપાસ કરતા પરીક્ષાનું પેપર અને આ આન્સર કી વચ્ચે કોઇ સમાનતા જણાઇ ન હોતી, એટલે કે ફેક આન્સર કી ફોરવર્ડ કરવામાં આવી હતી. એટલે પેપર ફૂટવા અંગેનો અપપ્રચાર કોંગ્રેસ દ્વારા જે થઇ રહ્યો છે તે તદ્દન ખોટો છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા સંદર્ભે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ૩૯ લેખિત ફરીયાદો અને ૨૬ જેટલા વોટ્સએપ ચેટીંગ મોકલવામાં આવ્યા હતા તે તમામની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. બોર્ડને જે ફરીયાદો મળી છે તે તમામની તલસ્પર્શી તપાસ થઇ રહી છે. જે પૂર્ણ થયે આગામી બે દિવસમાં યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે. ૩૯ ફરીયાદો પૈકી પાંચ જિલ્લાઓના વિવિધ બ્લોકના CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે.

તે પૈકી બનાસકાંઠા જિલ્લામાં થયેલ ગેરરીતિ સંદર્ભે એક FIR નોંધીને બે યુવાનોની ધરપકડ પણ કરાઇ છે. જ્યારે સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ અને અન્ય બે જિલ્લાઓમાં આવી ગેરરીતિ જોવા મળશે તો ત્યાં પણ FIR નોંધવાની કામગીરી હાથ ધરાશે. સાથે-સાથે પરીક્ષા કેન્દ્રના નિરીક્ષકો, સંચાલકો, સુપરવાઈઝરોને પણ રૂબરૂ બોલાવીને આવતીકાલથી બે દિવસ માટે સુનાવણી કરવામાં આવશે. અને એમાં પણ કોઇ કસૂરવાર હશે તો તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.

શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષાના પરિણામમાં વેઇટીંગ લીસ્ટ તૈયાર કરવામાં ન આવ્યું હોવાની ઉમેદવારોની મળેલી રજૂઆતને ગંભીરતાથી લઇને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં તે દિશામાં વિચારણા કરવા સૂચનાઓ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં પોલીસ દળમાં અંદાજે ૧૨,૦૦૦ જેટલી નવી ભરતી થનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.