Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રના ૯૫ ગામોની ૫૨,૩૯૮ એકર જમીનને સિંચાઈ અને 98 હજાર લોકોને પીવા માટે હવે મળશે નર્મદાના નીર

૨૭ જુલાઈના રોજ વડાપ્રધાન ગુજરાત આવશે – સૌરાષ્ટ્રને આપશે મોટી સૌગાત-સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે

·        SAUNI યોજનાનું ૯૫% કામ પૂર્ણ, અત્યારસુધીમાં ૧૧૫ જળાશયોમાંથી ૯૫ જળાશયો આ યોજના સાથે જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ અને ૨૮ જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે છે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના હેછળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9નું નિર્માણકાર્ય પૂર્ણ કરી લીધું છે, અને 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે.

૯૫ ગામોની ૫૨,૩૯૮ એકર જમીન અને ૯૮ હજારથી વધુ લોકોને થશે લાભ

SAUNI પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલ લિંક ૩ પેકેજ ૮ અને ૯ થી સૌરાષ્ટ્રના ૯૫ ગામોની ૫૨,૩૯૮ એકર જમીનને સિંચાઈ અને લગભગ ૯૮ હજાર લોકોને પીવા માટે હવે નર્મદા નદીનું પાણી મળી શકશે.

ઉલ્લેખનીય છે કે SAUNI પ્રોજેક્ટ અંતર્ગત લિંક-૩ના પેકેજ ૮ હેઠળ રૂ.૨૬૫ કરોડના ખર્ચે ભાદર-૧ અને વેરી બંધ સુધી ૩૨.૫૬ કિમી લંબાઈના ૨૫૦૦ મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી ૫૭ ગામોના ૭૫,૦૦૦થી વધુ લોકોને પીવાના પાણી માટે અને ૪૨,૩૮૦ એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.

આ જ રીતે, લિંક ૩ના પેકેજ ૯ની વાત કરીએ તો રૂ.૧૨૯ કરોડના ખર્ચે આજી-૧ બંધ અને ફોફલ-૧ બંધ સુધી ૩૬.૫૦ કિમી લંબાઈની ૨૫૦૦ મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી ૩૮ ગામોના ૨૩,૦૦૦થી વધુ લોકોને પીવાના પાણી માટે અને ૧૦,૦૧૮ એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.

સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના મહત્વ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “SAUNI યોજના એ વડાપ્રધાનશ્રીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી  હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા ૭ વર્ષોમાં ૧૨૦૩ કિલોમીટર પાઇપલાઇન બિછાવવામાં આવી છે અને ૯૫ જળાશયો, ૧૪૬ ગામોના તળાવો અને ૯૨૭ ચેકડેમ્સમાં કુલ અંદાજિત ૭૧,૨૦૬ મિલિયન ક્યુબિક ફીટ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી લગભગ ૬.૫૦ લાખ એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધાઓમાં સુધાર થયો છે અને લગભગ ૮૦ લાખની વસ્તીને પીના માટે મા નર્મદાના પાણી મળવા લાગ્યા છે.”

શું છે SAUNI યોજના, અને શા માટે તે સૌરાષ્ટ્ર માટે છે બહુ ખાસ

SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવાદોરી સમાન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ, નર્મદા નદીમાં આવતા વધારાના ૧ મિલિયન એકર ફીટ (૪૩,૫૦૦ મિલિયન ક્યુબિક ફીટ) પાણીને સૌરાષ્ટ્રના ૧૧ દુકાળગ્રસ્ત જિલ્લાઓના ૧૧૫ જળાશયોમાં ભરવાની યોજના છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવા પર ૯૭૦થી વધુ ગામોના ૮,૨૪,૮૭૨ એકર વિસ્તારને સિંચાઈ માટે અને ૮૨ લાખ લોકોને પીવાના પાણી માટે નર્મદા નદીના પાણીની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે રૂ.૧૮,૫૬૩ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા SAUNI પ્રોજેક્ટનું ૯૫% કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, અને બાકીનું કાર્ય પણ ઝડપી ગતિએ પૂર્ણ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ભૌગોલિક સંરચના એવી છે કે અહીંયા ભૂગર્ભજળનું સ્તર પણ ઘણું ઓછું છે અને જળાશયોની સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઓછી હોવાના કારણે વરસાદનું પાણી પણ વધુ માત્રામાં સંગ્રહ કરી શકાતું નથી. વધુમાં, મોટાભાગના વર્ષોમાં વરસાદ પણ ઓછો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ SAUNI પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી અને આજે તે સૌરાષ્ટ્રના લોકો માટે જીવાદોરી સમાન પ્રોજેક્ટ સાબિત થઇ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.