Western Times News

Gujarati News

129 કરોડના ખર્ચે તૈયાર થયેલો રાજકોટના કાલાવાડ રોડ પર સ્પિલ્ટ ફ્લાયઓવર

બ્રિજની ડિઝાઈન મુજબ ૩૦ ટન વજન ભરેલી ૬ ટ્રક સાથે કુલ ૧૮૦ ટન વજન સ્ટીલ ગર્ડર અને ૩૪ ટન વજન ભરેલી ૪ ટ્રક સિમેન્ટ ગર્ડર પર ૨૪ કલાક સુધી રાખી લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું

રાજકોટ શહેર દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે તહેવારોની મોસમમાં રાજકોટવાસીઓને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પિત કરવા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટના આંગણે તા.૨૭ જુલાઈના રોજ પધારી રહ્યા છે.

જેમાં રાજકોટમાં ટ્રાફિકનું યોગ્ય નિયમન કરી શકાય તે માટે વિકાસના રાજમાર્ગ સમા કાલાવડ રોડ ઉપર અંદાજીત રૂ.૧૨૯.૫૩.કરોડ ના ખર્ચે નિર્માણ પામેલા શહેરનાં પ્રથમ મલ્ટીલેવલ સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે.

કે.કે.વી. ચોક પર ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ પહેલાથી જ આવેલો હતો ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને રાજ્ય સરકારશ્રીના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.આર.ટી.એસ.બ્લુ કોરિડોર પર કે.કે.વી ચોક પર આવેલ બ્રિજ ઉપર મલ્ટી લેવલ ફલાયઓવર બ્રિજ બનાવવાની ડીઝાઇન તૈયાર કરવામાં આવી.

જે અંતર્ગત ઇ ટેન્ડર પ્રસિદ્ધ કરી સ્પર્ધાત્મક ઓફર મંગાવવામાં આવી હતી. જેમાં રણજિત બિલ્ડકોન લી. નામની કંપની સાથે સ્થાયી સમિતિની મંજૂરી મેળવી કરાર કરવામાં આવ્યો અને તા.૨૧.૦૧.૨૦૨૧ થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. કે.કે.વી. ચોકમાં મધ્યમાંથી ૧૫ મીટરની બ્રિજની કુલ ઉંચાઈ છે.

બ્રિજમાં સૌથી વચ્ચેનો ભાગ સ્ટીલ ગર્ડરનો જ્યારે બાકીનો ભાગ સિમેન્ટમાંથી બનેલા ગર્ડરનો હોવાથી બંને સ્થળે બ્રિજની ડિઝાઈન મુજબ ૩૦ ટન વજન ભરેલી ૬ ટ્રક સાથે કુલ ૧૮૦ ટન વજન સ્ટીલ ગર્ડર અને ૩૪ ટન વજન ભરેલી ૪ ટ્રક સિમેન્ટ ગર્ડર પર ૨૪ કલાક સુધી રાખી લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું

જેમાં જરૂરી હોય તેટલું ડિફ્લેક્શન એટલે કે ઝુકાવ પણ જોવા મળ્યો હતો. સ્ટીલ ગર્ડરમાં આ મર્યાદા ૨૨.૬૩ એમ.એમ. હતી, જ્યારે સિમેન્ટ ગર્ડરમાં ૪.૨૫ એમ.એમ. હતી. લોડ ટેસ્ટિંગમાં બંને સ્થળે રેંજ કરતા ઓછું ડિફ્લેક્શન નોંધાયું હતું. તેના પરથી બ્રિજની મજબૂતાઈનો ક્યાસ કાઢી શકાય.

રાજકોટના હાર્દ સમા શહેરનાં કાલાવડ રોડના કે.કે.વી. ચોક પર ૪ લેન (ર લેન + ૨ લેન) મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ ૧૧૫૨.૬૭ મી. લંબાઇ, ૧૫.૫૦ મી. પહોળાઈ તથા ૧૫ મી. ઊંચાઈએ નિર્માણ પામ્યો છે. કાલાવડ રોડ તરફ બ્રિજની લંબાઈ ૬૯૦ મીટર અને કોટેચા ચોક તરફ ૪૧૭ મીટર છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.