Western Times News

Gujarati News

“પેનલ્ટી સે ડર લગતા હૈ સાહબ” AMC મ્યુનિ. STP કોન્ટ્રાક્ટરોની વ્યથા

પ્રતિકાત્મક

જલવિહાર પ્લાન્ટના પેનલ્ટી ની ફાઇલ મી.ઇન્ડિયા બની હોવાની ચર્ચા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ એસટીપી વિભાગ ઘ્વારા જુના બે એસટીપીના ઓપરેશન-મેઇન્ટેનસ માટે જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં કોઈએ રસ દાખવ્યો નથી. અહીં, વિભાગના અધિકારીઓને હાથ ના કર્યા હૈયે વાગી રહ્યા છે

કારણકે આ કોન્ટ્રાક્ટરોની પેનલ્ટી બચાવવા માટે વિભાગના કેટલાક અધિકારીઓ સતત પ્રયાસ કરતા રહ્યા છે તેમજ આ કારણોસર જ પેમેન્ટ રોકી રાખવામાં આવ્યા હોવાની તથા જલવિહાર પ્લાન્ટની બિલ ફાઈલ ગૂમ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિસિપલ એસટીપી વિભાગ ઘ્વારા ચાર એસટીપીના ઓપરેશન-મેઇન્ટેનન્સ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જે ૧૮૦ અને ૧૦૬ એમએલડી ના ટેન્ડર ભરવામાં કોઈએ રસ દાખવ્યો નથી. આ બંને પ્લાન્ટની ટેન્ડર મુદત પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરને એક મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું જેની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે.

મ્યુનિ. એસટીપી વિભાગ ઘ્વારા કુલ પાંચ પ્લાન્ટ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે જે બે પ્લાન્ટ માટે કોઈએ ટેન્ડર ભર્યા નથી તે બંને પ્લાન્ટ હાલ ડી.એન.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવી રહયા છે. મ્યુનિ. અધિકારીઓએ ૧૮૦ એમએલડીના જુના ટેન્ડરમાંથી પેનલ્ટીની શરત ઉડાવી દીધી હતી

જેના કારણે તે સમયે ઘણો વિવાદ થયો હતો. હવે, નવા ટેન્ડરમાં પેનલ્ટીની શરતો રાખવામાં આવી હોવાથી કોન્ટ્રાક્ટરને રસ પડ્યો નથી તેમજ પેનલ્ટી ક્લોઝ દૂર કરવા દબાણ કરી રહ્યા છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરોની દલીલ એવી છે કે આ તમામ પ્લાન્ટ વર્ષો જુના છે જેના કારણે પેરામીટર જળવાતા નથી.

વર્લ્ડબેંકની ગ્રાન્ટમાંથી આ તમામ પ્લાન્ટના ઓગમેન્ટેશન કરવાના હતા પરંતુ કમીશનરે ફાઇલ પરત કરતા તે કામ અટકી ગયું છે. અન્યથા ઓગમેન્ટેશન અને ઓપરેશન-મેઇન્ટેનસ ના ટેન્ડર સાથે જાહેર કરવાના હતા.

મ્યુનિ. એસટીપી વિભાગ તરફથી તમામ પ્લાન્ટના બાકી પેમેન્ટ રોકી રાખવામાં આવ્યા છે. જે પૈકી ૧૫૫ એમએલડી પીરાણા નું પેમેન્ટ ૧૯ મહિના અને ૬૦ એમએલડી વાડજનું પેમેન્ટ ૨૭ મહિનાથી બાકી છે. વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ આ બંને પ્લાન્ટના કમિશનીગ શરૂ થયા તે સમયથી જ પેમેન્ટ થયા નથી.

વિભાગ ઘ્વારા ૧૫૫ એમએલડી માટે પેનલ્ટીની ગણતરી બાકી હોવાના તેમજ ૬૦ એમએલડી માટે અગાઉ બિલ પ્રોસેસ કરવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ પેમેન્ટ રોકી રાખવા માટેનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરોને પેનલ્ટીથી બચાવવાનું છે.

૬૦ એમએલડી પ્લાન્ટમાં જે બિલ પ્રોસેસ કરવામાં આવ્યું હોવાના દાવા વિભાગ ઘ્વારા કરવામાં આવી રહયા છે તે બિલમાંથી રૂ.૯૦ લાખ પેનલ્ટી બાદ કરવાની હતી જેના કારણે બિલ ફાઇલ જ ગાયબ થઈ ગઈ છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.