Western Times News

Gujarati News

છેલ્લાં ત્રણ વર્ષમાં 1812 મહિલાઓને રૂ. 3.74 કરોડની સબસિડી ચૂકવવામાં આવી

પ્રતિકાત્મક

રાજ્યના વિકાસમાં બની રહી છે સહભાગી, એ છે ગુજરાતની નારી -મહિલા સ્વાવલંબન યોજના હેઠળ 

પ્રદર્શન-સહ-વેચાણ મેળા જેવા આયોજનો બની રહ્યા છે મદદરૂપ : 895 મહિલાઓએ રૂ. 3.77 કરોડ રૂપિયાની વસ્તુઓનું વેચાણ કરીને ખોલ્યા સ્વરોજગારીનાં દ્વાર

251 ગંગાસ્વરૂપા મહિલાઓને પુનર્લગ્ન માટે રાજ્ય સરકાર દ્વારા 50-50 હજારની સહાય ચૂકવાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો અને દૂરંદેશી નીતિના ફળસ્વરૂપ G20ની અધ્યક્ષતા ભારતને મળી છે, જે અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 એમ્પાવર સમિટ અન્વયે W20 વુમન લેડ ડેવલપમેન્ટ, એન્સ્યુરિંગ સસ્ટેઈનેબલ – ઇનક્લુઝિવ એન્ડ ઈક્વિટેબલ ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથ વિષયક સેમિનાર અને બેઠકો હાલ ચાલી રહી છે,

તો બીજી તરફ રાજ્યમાં ‘નારીવંદન સપ્તાહ’ની ઉજવણી પણ ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘડવામાં આવેલી ‘નારી ગૌરવ નીતિ’ને વધુ અસરકારક બનાવવા અને રાજ્યની નારી શક્તિને વધુ સશક્ત અને સબળ બનાવવા રાજ્ય સરકારે મહિલા સશક્તીકરણ માટે વિવિધ મહિલાલક્ષી યોજનાઓ ઘડીને સ્વાસ્થ્ય, સુરક્ષા અને શિક્ષા એમ ત્રિસ્તરીય વ્યૂહ અપનાવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલાં આ જ પ્રકારના પ્રયાસોના પરિણામરૂપે રાજ્યની નારી વધુ શિક્ષિત બની છે, સશક્ત બની છે, સક્ષમ બની છે. આજે રાજ્યની 15થી 49 વર્ષની વય ધરાવતી 76.50 ટકા મહિલાઓ શિક્ષિત છે અને કોઈના ટેકા વિના પોતાના પગ પર ઊભી રહેવા સક્ષમ બની છે.

જેનું ઉદાહરણ મહિલાઓ સંચાલિત સ્વસહાય જૂથો અને દૂધ સહકારી ચળવળ છે. આજે રાજ્યભરમાં હજારો મહિલાઓ દ્વારા દૂધ સહકારી મંડળીઓનું સફળ સંચાલન થઈ રહ્યું છે. જ્યારે કુલ 1.13 લાખથી વધુ મહિલા સ્વસહાય જૂથો કાર્યરત્ છે. જેમાંથી 13,500 જેટલાં સ્વસહાય જૂથોને વર્ષ-2022 દરમિયાન લોન આપવાની કાર્યવાહી કરવામાં આવી. પરિણામસ્વરૂપ, બૅંક જોડાણ ધરાવતાં સ્વસહાય જૂથોની ટકાવારી આજે 100 ટકા સુધી પહોંચી છે.

રાજ્યની મહિલાઓને પગભર બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી કાળમાં મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરીને જે ચીલો ગુજરાતમાં ચાતર્યો છે, તેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે.

આજે ગ્રામીણ તથા શહેરી વિસ્તારની 21થી 50 વર્ષની વયની જરૂરિયાતમંદ મહિલાઓને મહિલા સ્વાવલંબન યોજના હેઠળ સ્વરોજગારી માટે વિવિધ 307 જેટલા અલગ અલગ વ્યવસાયો માટે વધુમાં વધુ રૂ. 2 લાખ સુધીની લોન બૅંકો દ્વારા અપાવવામાં આવે છે. જેની સામે નિગમ દ્વારા પ્રોજેક્ટ કોસ્ટના 15 ટકા અથવા મહત્તમ રૂ. 30 હજાર બેમાંથી ઓછું હોય તે રકમ નિગમ દ્વારા સબસિડીરૂપે આપવામાં આવે છે. આ પ્રકારે છેલ્લાં ત્રણ વર્ષમાં સમગ્ર રાજ્યમાં કુલ 1812 મહિલાઓને કુલ રૂ.3.74 કરોડની સબસિડી સહાય ચૂકવવામાં આવી છે.

રાજ્યની ગ્રામીણ મહિલાઓની આર્થિક સધ્ધરતા અને સશક્તીકરણનું બીજું ઉદાહરણ એટલે મિશન મંગલમ યોજના. જેના માધ્યમથી રાજ્યની 26 લાખ બહેનોને 25 લાખ સખી મંડળો દ્વારા આશરે 1600 કરોડ રૂપિયાથી વધુના કારોબાર સોંપ્યા હતા.

વડાપ્રધાનશ્રી દ્વારા દૂરંદેશીપૂર્વક શરૂ કરવામાં આવેલી પરંપરાને આગળ ધપાવતાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના વર્ષ-2023-24ના અંદાજપત્રમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટેના બજેટમાં અગાઉના વર્ષની સરખામણીએ 42 ટકા જેટલો વધારો કરીને કુલ રૂ.6064 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

એક આદર્શ સમાજના નિર્માણ માટે જાતિગત સમાનતા એ માત્ર મૂળભૂત માનવ અધિકાર નથી, પરંતુ ટકાઉ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની અગત્યની જરૂરિયાત છે.

આ જ વાતને ધ્યાને રાખીને અને રાજ્યની નારીશક્તિને પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014માં જેન્ડર બજેટની પહેલ કરવામાં આવી. જ્યારે વર્ષ 2019માં વ્યાવસાયિક સ્થળે જાતીય અસમાનતાને દૂર કરવા મહિલાઓને સમાન પગારનો કાયદો ઘડવામાં આવ્યો.

‘સશક્ત સમાજના નિર્માણ માટે સશક્ત મહિલા’ના મંત્રને સાર્થક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં આવાં જ કેટલાંક પગલાંઓ અને યોજનાઓની વાત કરીએ, તો વર્ષ-2022-23 દરમિયાન પ્રદર્શન-સહ-વેચાણના 12 જેટલા મેળાઓમાં 895 મહિલાઓએ ભાગ લઈ 3.77 કરોડ રૂપિયાની વસ્તુઓનું વેચાણ કરીને સ્વરોજગારીનાં નવાં દ્વાર ખોલ્યા છે.

ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વર્ષ 2022-23માં રાજ્યની 13.62 લાખ જેટલી નિરાધાર વિધવા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ રૂ.1250ની સહાય લેખે કુલ રૂ. 1600 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષના બજેટમાં આ માટે રૂ.1897 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વિધવાઓ પણ પુનર્લગ્ન કરીને ફરીથી નવું જીવન શરૂ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 50 હજારની સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2022-23 દરમિયાન કુલ 251 ગંગાસ્વરૂપા મહિલાઓને નવું જીવન શરૂ કરવા માટે સહાય કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલાં આ જ પ્રકારના પ્રયાસોના પરિણામરૂપે રાજ્યમાં પુરુષોની સરખામણીએ મહિલાઓનો જન્મદર 2001માં 802 હતો, તેની સરખામણીએ વધીને 965 થયો છે. રાજ્ય સરકારની શક્તિદૂત સહિતની યોજનાઓ અને પ્રોત્સાહનના કારણે રાજ્યની અનેક યુવતીઓએ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ કે એશિયાડ સુધી પહોંચીને રાજ્ય તથા દેશને ગૌરવ અપાવ્યું છે. રાજ્યની મહિલાઓને આર્થિક રીતે ગૌરવાન્વિત કરવા અને તેમના સામાજિક ઉત્થાન માટે મિલકત નોંધણીની ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ જ પ્રકારે સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના અને મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, નેશનલ રુરલ લાઇવલીહુડ મિશન સહિતની કેન્દ્ર સરકારની યોજનાઓ પણ મહિલાઓને વધુ સશક્ત અને પગભર બનાવવામાં મદદરૂપ થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.