Western Times News

Gujarati News

વર્ષ ૨૦૨૦માં સિંહની વસ્તી વધીને ૬૭૪ થઈ

અમરેલી, દર વર્ષે ૧૦ ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાટિક સિંહ ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર જંગલમાં સિંહની વસ્તી વસવાટ કરે છે. દેશ અને વિદેશથી સાસણ ગીરમાં લોકો સિંહ જાેવા આવે છે.

શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત અમરેલીમાં વર્ષ ૨૦૨૨-૨૩માં સિંહ સંરક્ષણને લઈને સફળ કામગીરી કરવામાં આવી છે. લીલીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લામાં ગ્રેટર ગીર અટલે કે બૃહદ ગીરના વિસ્તારમાં (જંગલ સિવાયનો વિસ્તાર) અંદાજે ૧૦૦ થી ૧૧૦ જેટલા સિંહોનો વસવાટ છે.

શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત અમરેલી અને ભાવનગરનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ઈજાગ્રસ્ત ૪૩ સિંહના સફળ રેસ્ક્યુ કરીને સિંહને બચાવવામાં આવ્યા છે. એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એશિયાઈ સિંહોનો વસવાટ છે. ગીર નેશનલ પાર્ક અને ગીર વન્યજીવ અભ્યારણ્ય ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. ગીરમાં સિંહોના વસવાટમાં અને તેમના સંરક્ષણમાં જીવદયામાં માનતી પ્રેમાળ ગાંડી ગીરની પ્રેમાળ અને સંવેદનશીલ પ્રજાનો સિંહ ફાળો છે. ગુજરાતમાં સતત સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ-૨૦૦૫માં સિંહની વસ્તી ૩૫૯ હતી જે વધીને વર્ષ-૨૦૨૦માં ૬૭૪ થઈ છે.

ગુજરાત સરકારના વન વિભાગ અંતર્ગત સિંહ સહિતના વન્યજીવોને સંરક્ષણને લઈને વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ઉનાળા દરમિયાન સિંહો માટે અલાયદી અને વિશેષ વ્યવસ્થાના ભાગરુપે સિંહ માટે પીવાના પાણીની સગવડ ધારી પૂર્વ વન્યજીવ રેન્જમાં કરવામાં આવે છે.

ઈજાગ્રસ્ત સિંહો માટે સારવાર અને ઓબ્ઝર્વેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સિંહોનું વિશેષ પ્રકારે સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ અંતર્ગત અમરેલી અને ભાવનગર વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો ખેડૂતોની ખેતીની જમીનમાં ખુલ્લા કુવામાં ના પડે તે માટે ૬૭૩ કુવાઓની પારાપીટનું બાંધકામ કરીને કુવાઓને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

અમરેલી વિસ્તારમાં ખેડૂતોની ખેતીની જમીનમાં અંદાજે ૬૦૦ જેટલા મંચાણા (મેડા) બનાવવામાં આવ્યા છે. ખેડૂતો પોતાની ખેતીની જમીનમાં વીજપ્રવાહ ખુલ્લો મૂકી રહ્યા છે, જે સિંહ સહિતના વન્યજીવો માટે જાેખમ ઉભું કરે છે. આપણે જીવ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને સિંહ સહિતના વન્યપ્રાણીઓના સંરક્ષણને લઈને આગળ આવવું જરુરી છે.

આવૌ સૌ જાગૃત્ત નાગરિક બનીને જીવદયા પ્રત્યે સંવેદનશીલ બનીએ અને નાગરિક તરીકેની ફરજ અદા કરીએ. ગુજરાત સરકાર અંતર્ગત વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણને લઈને તમામ પ્રકારની કામગીરી નિયમિત રીતે કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની આન બાન અને શાન ગણાતા સિંહોના સંરક્ષણને લઈને બિમાર સિંહોની સારવાર સહિતની સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુદ્રઢ રીતે કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.