Western Times News

Gujarati News

અમદાવાદમાં કોલેરા-ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક હદે વધારો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાનો ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. શહેરમાં ડેન્ગ્યુ, ચીકનગુનીયા, કમળા અને કોલેરાના કેસમાં સતત વધારો જાેવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાના માત્ર ૧ર દિવસમાં જ કોલેરાના ૧૮ કેસ કન્ફર્મ થતાં તંત્ર દોડતુ થઈ ગયું છે.પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય કેસોમાં કોલેરાના કેસો વધુ સામે આવ્યા છે. ૧૨ દિવસમાં ૧૮ કેસો નોંધાયા છે. તમામ કેસો પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે.પૂર્વ વિસ્તારના વટવા, ઇસનપુર, લાંભા, જશોદાનગર, રામોલ, અસારવા અને ઓઢવ સહિતના વિસ્તારોમાં કોલેરાના કેસો નોંધાયા છે.

કોલેરાના વધતા જતા કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ઓગસ્ટ મહિનાના ૧૨ દિવસમાં ઝાડા ઉલટીના ૪૮૧ કેસો, ટાઇફોઇડના ૩૧૩ કેસો, કમળાના ૭૬ કેસો છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના ૨૪૩ કેસો નોંધાયા હતા.

જેના પગલે અવેરનેસ કાર્યક્રમો અને ફોગીંગ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં લેબોરેટરીના સાધનો અને દવાઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શહેરમાં ડેન્ગ્યુના કેસો સૌથી વધારે પશ્ચિમ વિસ્તારના સરખેજ, જાેધપુર, શ્યામલ, સેટેલાઇટ, ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર, થલતેજ, બોપલ, બોડકદેવ, મેમનગર સહિતના વિસ્તારોમાં વધ્યો છે. પૂર્વ વિસ્તારમાં રામોલ-હાથીજણ અને લાંભા વિસ્તારમાં કેસો વધ્યા છે.

ઝાડા ઉલટીના સૌથી વધારે કિસ્સો પૂર્વ વિસ્તારમાં બહેરામપુરા, વટવા, લાંભા, સરસપુર-રખિયાલ અમરાઈવાડી ગોમતીપુર જ્યારે ટાઈફોઇડના કહેશો વટવા, લાંભા, ગોમતીપુર અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, ચાલુ મહિનામાં કોલેરાના અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે.

તેના પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓને જ્યાં પણ કેસો વધ્યા છે. ત્યાં ત્વરિત કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.