Western Times News

Gujarati News

ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS અક્ષરધામ ખાતે નવી પેઢીનું ઘડતર કરવા વાલીજાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો 

‘From House to Home’  – થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પેરેન્ટિંગના પ્રભાવ અને જટિલતાઓ વિષયક મનનીય પ્રવચનો, પેનલ ડિસ્કશન અને સંવાદ પ્રસ્તુત થયાં

BAPS સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો.

આ મહોત્સવ અંતર્ગત, તાજેતરમાં સ્વામિનારાયણ અક્ષરધામ, રૉબિન્સવિલ, ન્યૂજર્સી ખાતે ‘From House to Home’ થીમ હેઠળ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તોની સાથે સેંકડો સંતો અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. A parent awareness program was held at BAPS Akshardham in Robbinsville, New Jersey to build a new generation.

નિરંતર પરિવર્તનશીલ એવા આ વિશ્વમાં પરિવારોમાં અપાતાં મૂલ્યો આગળ જતાં માત્ર જે-તે પરિવારોનો જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને વિશ્વનો વારસો બની રહે છે. આ કાર્યક્રમમાં દરેક વાલી પોતાના બાળકમાં કેવી રીતે નૈતિકતા અને અન્ય મૂલ્યોનું સિંચન કરી બાળકના ભવિષ્યને આકાર આપી શકે તેનું સુંદર માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્વાન વક્તાઓએ કૌટુંબિક મૂલ્યો કેવી રીતે પારિવારિક એકતા અને શાંતિના આધારરૂપ છે તેની સુંદર છણાવટ કરી હતી અને જણાવ્યું કે આવા મૂલ્યો જ કોઈપણ ‘મકાન’ને વાસ્તવિક રીતે ‘ઘર’ માં પરિવર્તિત કરે છે.

આ કાર્યક્રમમાં વક્તવ્યો અને સંવાદો દ્વારા બાળઉછેરમાં કૌટુંબિક મૂલ્યોના મહત્વને દર્શાવવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ બે સભાઓના રૂપે યોજાયો હતો, જેમાંની પ્રથમ સભામાં મહિલાઓ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિડીયો પ્રસ્તુતિ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો,

‘સારા બાળઉછેરનું હાર્દ શું છે?’ કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યું કે આદર્શ પેરેન્ટિંગ એ બાળકોને માર્ગદર્શન અને સ્વતંત્રતાનો સમન્વય છે. તે બાળકોના આગવા વ્યક્તિત્વને પ્રોત્સાહિત કરવાની સાથે યોગ્ય સીમારેખા અને મર્યાદાઓની સમજ આપવી તે છે. રોજિંદા જીવનમાં આવતી ક્ષણોમાં વાણી-વર્તન દ્વારા સહજ રીતે આપણે બાળકનું ઘડતર કરતાં રહેતા હોઈએ છીએ. વાલીઓને તેમની પ્રાથમિક્તાઓ અને પેરેન્ટિંગને લગતી ગેરસમજો વિશે પણ વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા વાકેફ કરવામાં આવ્યા હતા.

સકારાત્મક પેરેન્ટિંગ ઉપર પેનલ ડિસ્કશન બાદ BAPS ના વિદ્વાન સંત પૂ. આનંદસ્વરૂપદાસ સ્વામીએ જણાવ્યું હતું કે આ પ્રકારના પેરેન્ટિંગ દ્વારા બાળકને હૂંફ મળે છે, બિનશરતી પ્રેમ મળે છે અને બાળક  ભાવનાત્મક સ્થિરતાનો અનુભવ કરે છે. પૂ. વિવેકજીવનદાસ  સ્વામીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ‘ઘર એ સમાજનો એકમ છે અને ઘરમાં ભાવનાત્મક પોષણ અને સંતુલન માતા-પિતા દ્વારા પ્રાપ્ત થાય છે.

તેમણે જણાવ્યું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બાળઉછેર માટે ત્રણ બાબતો પર ભાર મૂક્યો હતો: સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કાર. મહંત સ્વામી મહારાજે આ જ બાબતોને સુંદર સૂત્રાત્મક રીતે દ્રઢ કરાવતાં કહ્યું છે કે, ‘ જે પરિવાર સાથે જમે છે, સાથે આનંદપ્રમોદ કરે છે અને સાથે પ્રાર્થના કરે છે, તે પરિવાર સાથે રહે છે.’

પરિવારમાં સમૂહભોજન એક એવો અવસર છે કે જ્યારે સહજ રીતે સમગ્ર પરિવાર સ્નેહ અને સમજણના તાંતણે જોડાય છે. વાલીઓએ અન્ય એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કોઈ પોતાના બાળકની કોઈ અન્ય બાળક સાથે સરખામણી ન કરવી; કારણકે તેનાથી બાળક લઘુતાગ્રંથિનો અનુભવ કરતું થઈ જાય છે.’

કાર્યક્રમમાં મોએલિસ એન્ડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિન્સેન્ટ લિમા સહિત પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી લિમા ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં સુદીર્ધ કારકિર્દી ધરાવે છે અને ઓછી આવક ધરાવતા પરિવારોના તેજસ્વી બાળકો માટે ઉચ્ચ શૈક્ષણિક સવલતો પૂરી પાડતા NGO એવા ‘ન્યુ જર્સી SEEDS’ માં પણ સક્રિય સભ્ય તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. અક્ષરધામની પ્રથમ મુલાકાત અને આજની સભાના કાર્યક્રમ વિશે તેમણે જણાવ્યું,

“ જ્યારે હું શાંતિના એક અકલ્પનીય ધામ એવા અક્ષરધામ વિશે અને તેમાં જોડાયેલાં સ્વયંસેવકોના પ્રદાન વિશે વિચારું છું ત્યારે હ્રદયમાં અનેરી ઉષ્મા અનુભવાય છે. તમારે ખૂબ ગૌરવ અનુભવવું જોઈએ. આજે વિશ્વને શાંતિ અને સંવાદિતાના સ્થાનની જરૂર છે.”

આ કાર્યક્રમનું સમાપન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના તમામ વાલીઓ માટે અતિ મહત્વના સંદેશ અને આશીર્વચન સાથે થયું હતું. તેમણે જણાવ્યું,

“વાલી માટે સૌથી મોટી જવાબદારી બાળકને બિનશરતી પ્રેમ આપવાની છે. વૃક્ષના ઉછેરમાં પણ જો યોગ્ય દેખરેખ થાય તો તે વૃદ્ધિ પામે છે, પણ જો તેના મૂળિયાંને યોગ્ય દિશા ન મળે, તો વૃક્ષનો વિકાસ કુંઠિત થઈ જાય છે. આ જ રીતે બાળકને યોગ્ય રીતે સંભાળ, પોષણ અને પ્રેમ આપવાની જરૂર છે. ઉતાવળા થવાની જરૂર નથી; ઉતાવળા થવાથી તો બાળકની પ્રગતિનો માર્ગ રૂંધાઈ જાય છે. બાળકને એવી રીતે ઉછેરો કે તેને પૂર્ણપણે ખીલવામાં પૂરતો સમય મળી રહે.”

કાર્યક્રમના સમાપન સાથે સૌએ એક સંદેશને આત્મસાત કર્યો કે ઝડપથી બદલાતાં વિશ્વમાં જો કશુંક અચળ અને નિર્ણાયક રહેતું હોય તો તે છે આપણા પરિવારમાં સ્થાપિત થતાં મૂલ્યો, જેની અસર દૂરગામી રહે છે અને આવનારી અનેક પેઢીઓને ઉજાળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.