Western Times News

Gujarati News

ગઠિયાએ સાત લાખની પર્સનલ લોન ઉપાડી લીધી

અમદાવાદ, ભારતમાં સાઈબર ફ્રોડના કેસ સતત વધતા જાય છે અને સામાન્ય લોકો તેનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને જેઓ ક્રેડિટ કાર્ડ અથવા બેન્ક ખાતાની દરેક ડિટેલ પર ધ્યાન નથી રાખી શકતા તેવા લોકો વધારે છેતરાય છે. આણંદમાં એક મહિલાને તેના સેલેરી એકાઉન્ટની સાથે પ્રિ-એપ્રૂવ્ડ ક્રેડિટ કાર્ડ મળ્યું હતું જેના પર એક ગઠિયાએ સાત લાખની પર્સનલ લોન લઈને મહિલા સાથે છેતરપિંડી કરી છે.

આ મહિલાએ ક્યારેય પર્સનલ લોનની અરજી કરી ન હતી. છતાં ગઠિયાએ તેની પાસેથી વારંવાર ઓટીપી લઈને પર્સનલ લોન એપ્રૂવ કરાવી અને પછી બધા રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મહિલાએ એક બેન્કમાં સેલેરી એકાઉન્ટ ખોલાવ્યું ત્યારે તેને ફોન પર પ્રિ-એપ્રૂવ્ડ ક્રેડિટ કાર્ડની ઓફર મળી હતી. મહિલાએ ક્રેડિટ કાર્ડની ઓફર સ્વીકારી લીધી હતી. માર્ચ મહિનામાં તેના આણંદ સ્થિત ઘરે કુરિયર દ્વારા ક્રેડિટ કાર્ડ ડિલિવર થઈ ગયું,

પરંતુ તેણે તેને એક્ટિવેટ કર્યું ન હતું. ૨૩ માર્ચે તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો જેણે તેની ઓળખ રજત સક્સેના તરીકે આપી હતી અને બેન્કના એક્ઝિક્યુટિવ હોવાનો દાવો કર્યો હતો. સક્સેનાએ તેને કહ્યું કે તેઓ તેમના કાર્ડને એક્ટિવેટ કરશે તો તેમને ગિફ્ટ વાઉચર મળશે અને ક્રેડિટ કાર્ડની લિમિટ પણ વધી જશે. સક્સેનાએ વેરિફિકેશન માટે મહિલાના પાન કાર્ડ અને જન્મતારીખની વિગત માગી. ત્યાર પછી તેણે મહિલાને તેના મોબાઈલ પર એક OTP મોકલ્યો અને આ OTP જણાવવા માટે કહ્યું.

૬ એપ્રિલે તેમને તે જ એક્ઝિક્યુટિવનો એક વોટ્‌સએપ મેસેજ મળ્યો, પરંતુ તેનો નંબર અલગ હતો. તેણે કહ્યું કે ફાઈનાન્શિયલ વર્ષ સમાપ્ત થતું હોવાથી તેના ગિફ્ટ વાઉચર થોડા દિવસમાં મળી જશે અને કુલદીપ નામનો એક્ઝિક્યુટિવ તેમને ફોન કરશે. તેણે ફરીથી તેને એક OTP મોકલ્યો અને શેર કરવા કહ્યું.

આ રીતે મહિલાએ ફોન પર ત્રણ વખત OTP શેર કર્યા. ત્યાર પછી રજત સક્સેના નામની વ્યક્તિએ કહ્યું કે તેની ડિટેલ અપડેટ થઈ ગઈ છે. ત્યાર પછી મહિલાએ બેન્કના મોબાઈલ એપ પર વિગતો ચેક કરી તો જાેવા મળ્યું કે તેના ઈમેઈલ એડ્રેસમાં ફેરફાર છે.

તેણે આ વિશે સક્સેનાને ફોન કર્યો તો તેણે કહ્યું કે એન્ટ્રી કરવામાં કદાચ ભૂલ થઈ ગઈ હશે. ૧૦ એપ્રિલે ફરી સક્સેનાનો ફોન આવ્યો જેમાં તેણે કહ્યું કે તમારી ક્રેડિટ લિમિટ વધારી આપવામાં આવશે જેમાં તમારે એક OTP આપવાનો રહેશે.

તેમણે આ OTP આપતા જ મહિલાના ખાતામાં ૭.૧૦ લાખ રૂપિયા જમા થયા અને તરત તેમાંથી ૬.૯૭ લાખ રૂપિયા બીજી કોઈ વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા. તેમના ખાતામાં જે ૭.૧૦ લાખ જમા થયા હતા તે કોઈ પર્સનલ લોન માટે હતા.. થોડી વારમાં બેન્કનો ફોન આવ્યો અને વેરિફિકેશનની માગણી કરી ત્યારે મહિલાએ કહ્યું કે તેણે કોઈ પર્સનલ લોનની અરજી કરી ન હતી.

તેણે પોતાનું એકાઉન્ટ બ્લોક કરી દેવા માટે પણ જણાવ્યું. મહિલા બેન્ક પર ગઈ અને તેને જણાવ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. બેન્કે તેને ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટ પાસે જવા કહ્યું જ્યારે ક્રેડિટ કાર્ડ વિભાગે તેમને લોન ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવા કહ્યું. આ રીતે ધક્કા ખાઈને થાકી ગયેલી મહિલાએ અંતે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.