Western Times News

Gujarati News

AMC મ્યુનિ. જીમ્નેશિયમમાં ગેરહાજર-પાર્ટ ટાઈમ શિક્ષકોને 42 લાખ પગાર ચુકવાયો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકારના પરિપત્ર મુજબ વ્યાયમ શિક્ષકોની ફિકસ પગારથી નિમણુંક કરવામાં આવી હતી પરંતુ તંત્રમાં ચાલતી લાલીયાવાડી મુજબ ભરતી કરવામાં આવ્યા છે.

વ્યાયામ શિક્ષકોને હાજરી વગર જ રૂા.૪ર લાખ જેટલી માતબર રકમનું વેતન ચુકવવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના રાજય સરકારના ઓડીટ અહેવાલમાં બહાર આવી છે.

મ્યુનિ. કોર્પોરેશનના અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય દ્વારા પ્રિન્સીપાલ ઠરાવ ક્રમાંક ૮ર તા.પ.૧૦.ર૦૧પ મુજબ ૭૦ પાર્ટ ટાઈમ વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી જેમને પ્રતિમાસ ફીકસ રૂા.૩પ હજાર વેતન આપવાનો કરાર કરવામાં આવ્યો હતો

પરંતુ રાજય સરકારના ઓડીટ વિભાગ દ્વારા દસ્તાવેજાેની ચકાસણી કરવામાં આવતા આ વ્યાયામ શિક્ષકો તેમની ફરજ ઉપર પુરા માસ દરમિયાન હાજર રહયા ન હતા. મ્યુનિસિપલ જીમ્નેશિયમમાં સુપરવાઈઝરની આકસ્મિક મુલાકાત દરમિયાન આ શિક્ષકો ફરજ ગેરહાજર હોવાનું જાહેર થયું હતું તેમ છતાં તેમને વેતન ચુકવવામાં આવ્યા હતાં

આ વેતનની રકમ રૂા.૪ર લાખ જેટલી થાય છે જે રિકવર કરવા માટે રાજય સરકારના ઓડીટ વિભાગ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રી અને પોસ્ટ ઓડીટ કરવામાં આવે છે જેના માટે મ્યુનિ. કોર્પોરેશનમાં અલગ જ ઓડીટ વિભાગ પણ છે આ ઉપરાંત બારના ઓડીટરની પણ નિમણુંક કરવામાં આવે છે તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જીમ્નેશિયમમાં ૭૦ શિક્ષકોને હાજર થયા વિના ચુકવાયેલા પગાર અંગે કોઈનું ધ્યાન ગયું નથી તે બાબત પણ વિચારવા લાયક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.