Western Times News

Gujarati News

ખંભાત અને સોજીત્રા પાલિકામાં નવાજૂનીના એંધાણ: અસંતુષ્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા

ભાજપના નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત

આણંદ જીલ્લાની છ નગરપાલિકાની વર્ષ ૨૦૨૧માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. પરંતુ પ્રથમ ટર્મ દરમ્યાન બોરસદ પાલિકામાં ભાજપના જ કેટલાક સભ્યોમાં અસંતોષનો ચરૂ ઉકળતાં પાલિકા સુપરશીડ થવા સુધીની નોબત આવી હતી. જેથી તાજેતરમાં પાંચ પાલિકા ખાતે પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું.

આ ચૂંટણી આવતીકાલે બપોરે ૧૨ કલાકે યોજાનાર છે. પરંતુ તે પૂર્વે ખંભાત પાલિકામાં ભાજપના છ સભ્યો ભૂગર્ભમાં ઉતરી જતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ઉપરાંત સોજીત્રા પાલિકાના પણ ચાર અસંતુષ્ટ સભ્યો બળવો કરનાર હોવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

આ સમગ્ર મામલે હાલ જીલ્લા ભાજપની નેતાગીરી દ્વારા  ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. છતાં જોવાનું એ રહેશે કે આવતીકાલે ખંભાત અને સોજીત્રા નગરપાલિકામાં સત્તા ભાજપ પાસે હેમખેમ રહે છે કે સત્તા પરિવર્તન થાય છે ?

મળતી માહિતી મુજબ આણંદ જીલ્લાની ખંભાત પાલિકામાં આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. ખંભાત પાલિકાની ૩૬ પૈકી ૧૮ બેઠકો ભાજપ પાસે છે. ઉપરાંત ચાર અપક્ષ સભ્યોના સમર્થનથી વર્ષ ૨૦૨૧માં ભાજપના પ્રમુખે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. અઢી વર્ષની પ્રથમ ટર્મ દરમ્યાન પ્રમુખના વહીવટ સામે અનેક પ્રશ્નો ઉભા થયા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. જેને કારણે સત્તા પક્ષના સભ્યોમાં અસંતોષ વધતો જતો હતો.

છતાં પક્ષની ગરિમાને લઈ દરેક સામાન્ય સભામાં તમામ સભ્યો આંગળી ઉંચી કરી સમર્થન આપતા હતા. સમય જતાં હવે બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં જ અસંતુષ્ટોએ ભાજપના નિર્ણય સામે બાંયો ચડાવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ દ્વારા બીજી ટર્મના પ્રમુખ તરીકે વોર્ડ નં.૮ ના દિગ્વિજયસિંહ પરમારના નામ ઉપર મ્હોર મારી છે. જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે.

જેથી ભાજપના છ જેટલા સભ્યોમાં અસંતોષ ફેલાયો હોવાનું જાણવા મળે છે. આ છ અસંતુષ્ટો હાલ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત શહેરમાં ચર્ચાસ્પદ બનવા પામી છે. નોંધ પાત્ર બાબત એ છે કે ભાજપના છ સભ્યો ઉપરાંત અપક્ષના ચાર સભ્યો પણ ગાયબ થઈ ગયા છે.

હવે પ્રમુખ – ઉપપ્રમુખ માટે સંખ્યાબળ જોઈએ તો પ્રથમ ટર્મ વખતે ભાજપના ૧૮ અને અપક્ષના ૪ મળી કુલ ૨૨ સભ્યો સત્તા સ્થાને હતા. જે હાલ ૧૨ થઈ ગયા છે. જો આવતીકાલે આ દશ સભ્યોને કોંગ્રેસના ૧૩ સભ્યો સમર્થન કે ટેકો આપે તો સત્તા પરિવર્તન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે ભાજપની નેતાગીરી દ્વારા હાલ ડેમેજ કંટ્રોલની કવાયત ચાલી રહી હોવાથી બધું હેમખેમ ઉતરે તો પણ નવાઈ નહીં !

બીજી તરફ સોજીત્રા નગરપાલિકાનો ગૂંચવાડો પણ ભાજપ માટે પડકાર છે. અહીંયા કુલ ૨૪ પૈકી ભાજપ પાસે ૧૫ અને કોંગ્રેસ પાસે ૯ બેઠકો છે. જેથી સ્પષ્ટ બહુમતી સાથે પ્રમુખ સત્તારૂઢ થયા હતા. સોજીત્રા પાલિકામાં બજેટ બેઠકથી લઈ આજદિન સુધી રાજકીય સ્થિતી ડામાડોળ જોવા મળી છે.

પ્રથમ ટર્મ દરમ્યાન અહીંયા પણ અસંતોષનો ચરૂ ઉકળતો જ રહ્યો છે. છેવટે બજેટ અનિર્ણિતનો મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. તેવામાં જ બીજી ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી જાહેર થઈ છે. જેથી ભાજપ દ્વારા અહીંયા પ્રમુખ પદ માટે જેતલબેન સંજયભાઈ પટેલ સહિત ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટે ત્રણેય મહિલા સભ્યની જ પસંદગી કરી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

જેથી જે ચાર અસંતુષ્ટો હતા તેઓનો વિરોધ યથાવત્ હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ જીલ્લા ભાજપ દ્વારા ગત દિવસોમાં જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી તેમાં પણ આ ચાર અસંતુષ્ટો ગેરહાજર હતા. જેથી જ હાલ જીલ્લા ભાજપના નેતાઓએ અસંતુષ્ટોને મનાવવા એડીચોટીનું જોર લગાવ્યું છે.

પરંતુ આ લખાય છે ત્યાં સુધી સમાધાનની કોઈ ફોર્મ્યુલા ઉપર મ્હોર લાગી નહીં હોવાનુ જાણવા મળે છે. સોજીત્રા પાલિકામાં ભાજપના ચાર કે પાંચ અસંતુષ્ટો પૈકી પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી કરવામાં આવવાની શક્યતાઓ છે. જો ભાજપના ઉમેદવાર સામે અસંતુષ્ટ પૈકી ઉમેદવારી નોંધાવે અને તે ચાર કે પાંચ સભ્યોને કોંગ્રેસના ૯ સભ્યોનું સમર્થન મળે તો કદાચ અહીંયા સત્તા પરિવર્તન થાય તો નવાઈ નહીં !

ખંભાતના છ અસંતુષ્ટો ગાયબ 
મળતી માહિતી મુજબ ખંભાત પાલિકાના છ જેટલા અસંતુષ્ટ સભ્યો આજે દિવસ દરમ્યાન ગાયબ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. જેમાં ઉષાબેન બારૈયા, નિશાદબાનુ મન્સુરી, સુનિતાબેન વાઘરી, તેજલબેન સોલંકી, નયનાબેન પ્રજાપતિ અને હેતલબેન ભીલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રથમ ટર્મ દરમ્યાન ટેકો આપનાર અપક્ષના ભૂપેન્દ્રભાઈ પટેલ, ગીતાબેન રાણા, જિતેન્દ્રકુમાર ખારવા અને શાંતિબેન માછી પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત નગરજનોમાં ચર્ચાસ્પદ છે.

સોજીત્રાના ચાર અસંતુષ્ટોમાં અવઢવ
સોજીત્રા નગરપાલિકાના ભાજપ સાથે રહેલ ચાર અસંતુષ્ટ સભ્યો અવઢવમાં હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ આ સભ્યોની ગુપ્ત બેઠક આજરોજ યોજાઈ હતી. પરંતુ ભાજપની રણનીતિ સામે હવે આવતીકાલે કેવી રીતે આગળ વધવું એ માટે અવઢવ હોવાની ચર્ચાઓએ નગરજનોમાં જોર પકડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ ટર્મના અંતિમ દૌર દરમ્યાન આ ચાર અસંતુષ્ટ સભ્યો કલ્પનાબેન મકવાણા, રાહુલભાઈ વાઘરી, ઉન્નતિબેન રાણા અને જીજ્ઞેશભાઈ કા.પટેલ દ્વારા પ્રમુખ સામે ખુલ્લો બળવો કર્યો હોવાનું જગજાહેર છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે સવારે ૧૨ વાગ્યા પહેલાં આ ચાર અસંતુષ્ટોને મનાવી ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ સફળ થાય છે કે પછી કોંગ્રસના ટેકાથી અસંતુષ્ટો સત્તા સ્થાને આવે છે ?

પેટલાદમાં જૂથબંધી વકરવાના એંધાણ 
પેટલાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે. આ બંન્ને હોદ્દા માટે શરૂથી જ ભારે રસાકસી હતી. પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા સંપન્ન થયા બાદ પણ જૂથબંધી જોવા મળતી હતી. છેલ્લા બે – ત્રણ દિવસથી જીજ્ઞેશભાઈ જોષી, મનિષાબેન ચૌહાણ અને સુનિલભાઈ પટેલના નામો પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે પસંદ થયા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. પરંતુ પાર્ટીના આ નિર્ણયથી નગરજનોમાં ભારે‌ આશ્ચર્ય ફેલાયું હતું. ઉપરાંત ભાજપના જ કેટલાક સભ્યોમાં છૂપો અસંતોષ શરૂ થઈ ગયો હોવાની વાત ચર્ચાસ્પદ છે. આ અસંતોષના કારણે કદાચ આગામી સમયમાં જૂથબંધી શંકરે તો પણ નવાઈ નહીં !

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.