Western Times News

Gujarati News

હું કોઈ કામ માટે સરળતાથી હા નથી કહેતો: ગોવિંદા

મુંબઈ, ૯૦ના દાયકાના બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાની છેલ્લી ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. છેલ્લાં ૪ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થયેલા અભિનેતાએ હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ગોવિંદાએ જણાવ્યું કે, તેણે ગયા વર્ષે લગભગ ૧૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને રિજેક્ટ કર્યા છે. તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તેને ઓફર કરવામાં આવેલી ભૂમિકાઓમાં કંઈ નવું નહોતું.

હાલમાં જ ગણેશ ચતુર્થીના અવસર પર અભિનેતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, ‘હું કોઈ પણ કામ માટે સરળતાથી હા નથી કહેતો, પરંતુ જે લોકો એવું વિચારે છે કે, મારી પાસે કામ નથી, તેમને કહી દઉં કે બાપ્પાએ મને આશીર્વાદ આપ્યા છે. મેં ગયા વર્ષે લગભગ રૂ. ૧૦૦ કરોડના પ્રોજેક્ટને ફગાવી દીધા છે. ગોવિંદાએ આગળ કહ્યું, ‘હું અરીસા સામે ઊભો હતો અને મારી જાતને થપ્પડ મારી રહ્યો હતો કારણ કે હું કોઈ પ્રોજેક્ટ સાઈન કરી રહ્યો ન હતો.

તેઓ મને ઘણા પૈસાની ઓફર કરી રહ્યા હતા પરંતુ હું માત્ર કોઈ રોલ કરવા માગતો ન હતો. હું કંઈક એવું ઇચ્છતો હતો જે મેં પહેલાં કર્યું ન હોય. ગોવિંદાએ હાલમાં જ પત્ની સુનીતા અને પુત્ર યશવર્ધન સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. તે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે તેના આખા પરિવાર સાથે ગણપતિ પૂજા માટે પણ પહોંચ્યો હતો.

લગભગ ૧૭૦ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ગોવિંદાએ ૧૯૮૬માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ૯૦ના દાયકામાં તેઓ એટલા લોકપ્રિય હતા કે તેમણે એક સાથે સૌથી વધુ ફિલ્મો સાઈન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અભિનેતા છેલ્લે ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘રંગીલા રાજા’માં મોટા પડદા પર જાેવા મળ્યો હતો.

હાલમાં જ ‘ગદર-૨’ ફેમ અભિનેત્રી અમીષા પટેલે ખુલાસો કર્યો હતો કે ૨૦૦૧માં રિલીઝ થયેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ માટે ગોવિંદા પ્રથમ પસંદગી હતા. જાે કે, દિગ્દર્શક અનિલ શર્માએ આ અંગે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તેણે માત્ર અભિનેતાને ફિલ્મની વાર્તા સંભળાવી હતી. તેને આ ફિલ્મની ઓફર કરવામાં આવી ન હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.