Western Times News

Gujarati News

પુરપાટ આવતાં ટ્રકે પેસેન્જર ભરેલ રીક્ષાને અડફેટે લેતા છનાં મોત

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ),  દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે અલીરાજપુર હાઇવે પર મધ્યપ્રદેશ બાજુથી દાહોદ તરફ યમદૂત બની પુરપાટ દોડી આવતાં કાળમુખા ટ્રકે ઝરીબુઝર્ગ ગામ તરફ જઈ રહેલ પેસેન્જર ભરેલ રીક્ષાને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઝરીબુઝર્ગ ગામના એક જ પરિવારના એક બાળક

તથા એક મહિલા સહિત કુલ છ જણા ગંભીર જીવલેણ ઇજાઓ થતા સ્થળ પર જ કાળનો કોળિયો બનતા તે પરિવારમાં મોતનો માતમ છવાયો છે. જ્યારે ગરબાડા સરકારી દવાખાનામાં મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અને ઉપસ્થિત સૌની આંખો અશ્રુભીની થઈ હતી.

રીક્ષા ચાલક ની હાલત ગંભીર હોય તેને સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનુ જાણવા મળ્યું છે. ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ગરગાડી ફળિયામાં રહેતા કટારા પરિવારના સભ્યો મજૂરી કામે રાજકોટ ગયા હતા. અને આજરોજ મંગળવારે સવારે કોર્ટમાં મુદત હોય મુદ્દતે કોર્ટમાં હાજર થવા માટે માદરે વતન આવ્યા હતા.

અને ગરબાડાથી રિક્ષામાં બેસી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સવારના સાતેક વાગ્યાના સુમારે પાટીયા ઝોલ ગામના તળાવ પાસે વળાંકમાં મધ્યપ્રદેશ બાજુથી યમદૂત બની પુરપાટ દોડી આવતા કાળમુખા ટ્રકે ઝરીબુઝર્ગ ગામના કટારા પરિવારની રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો ખુડદો બોલાઈ ગયો હતો.

જ્યારે ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ઝરીબુઝર્ગ ગામના ગરગાડી ફળિયાના એક જ પરિવારના નરેશભાઈ કેશુભાઈ કટારા, પવનભાઈ કેશુભાઈ કટારા, નવ વર્ષીય રાઘવ ભાઈ પવનભાઈ કટારા, મુકેશભાઈ મડીયાભાઈ કટારા, કેવનભાઈ ઈશ્વરભાઈ કટારા તથા રેખાબેન ઈશ્વરભાઈ કટારાને ગંભીર જીવલેણ ઇજાઓ થતા આજે સર્જાયેલી આ કરુણાંતિકામાં તેઓ સૌ સ્થળ પર જ કાળનો કોળિયો બન્યા હતા.

ઘટનાના પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અને રિક્ષામાં ફસાયેલા ગંભીર ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને રિક્ષામાંથી બહાર કાઢી સારવાર માટે તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રીક્ષાને અડફેટે લીધા બાદ કાળમુકો ટ્રક પણ રોડની સાઈડમાં પલટી ખાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ ગરબાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે એલ પટેલ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સદર ગમખ્વાર ઘટનામાં કાળનો કોળિયો બનેલ કટારા પરિવારના છ એ છ મૃતક સભ્યોની લાશનો કબજાે લઈ લાશનું પંચનામું કરી તે તમામ લાશને પોસ્ટ મોર્ટમ માટે ગરબાડા સરકારી દવાખાને મોકલી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.