Western Times News

Gujarati News

‘ગુજરાત દીપોત્સવી અંક-2079’નું ગાંધીનગર ખાતે વિમોચન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ‘ગુજરાત દીપોત્સવી અંક-2079’નું આજે ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું. ગુજરાતના સાહિત્યિક વારસાના પ્રતિબિંબ સમાન આ દીપોત્સવી અંક રાજ્યના પ્રતિષ્ઠિત લેખકો-સાહિત્યકારોના લેખ, નવલિકાઓ, કાવ્યો તથા સુંદર તસવીરો ધરાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ગુજરાત દિપોત્સવી અંક-૨૦૭૯નું વિમોચન કર્યું હતું.

પ્રતિ વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ માહિતી ખાતા દ્વારા ગુજરાત દિપોત્સવી અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સાહિત્યકારો અને વાંચકોમાં ગુજરાત દિપોત્સવી અંકની પ્રતીક્ષા રહે છે.

માહિતી નિયામક શ્રી ડી.કે.પારેખે મુખ્યમંત્રીશ્રીને ગુજરાત દિપોત્સવી અંક વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, દિપોત્સવી અંક-૨૦૭૯માં સર્વશ્રી ગુણવંત શાહ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, કુમારપાળ દેસાઈ, યશવંતભાઈ મહેતા, અજય ઉમટ, કૃષ્ણકાંત ઉનડકટ, ડૉ.દિનકર જોશી, ડૉ.ચંદ્રકાંત મહેતા, મધુરાય જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સર્જકોની કલમે થયેલા સર્જનને સંકલિત કરીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, આ દિપોત્સવી અંક-૨૦૭૯માં ૩૧-અભ્યાસલેખો, ૩૬-નવલિકાઓ, ૧૯-વિનોદિકાઓ, ૧૧-નાટિકાઓ અને ૧૦૨-કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. દિપોત્સવી અંક ૫૯ જેટલી તસવીરો અને ચિત્રોથી નયનરમ્ય અને આકર્ષક બન્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ વિમોચન વેળાએ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, અધિક માહિતી નિયામકો, સર્વશ્રી અરવિંદ પટેલ, પુલક ત્રિવેદી, મુખ્યમંત્રીશ્રીનાં નાયબ માહિતી નિયામક શ્રી ઉદય વૈશ્નવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.