Western Times News

Gujarati News

નાગરિકોની રજૂઆતોને સાંભળી પ્રશ્નોના નિવારણનાં મુખ્યમંત્રી દ્વારા આદેશ

નાગરિકોની રજૂઆતોના નિવારણ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો

ટેક્નોલોજીના ઉપયોગથી નાગરિકોના પ્રશ્નોનું ત્વરીત નિવારણ લાવવાના ઉમદા હેતુથી  SWAGAT કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ થકી સામાન્ય નાગરીક પોતાના પ્રશ્નોની રજુઆત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ કરી શકે છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા નાગરિકોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી તેનું સત્વરે નિરાકરણ લાવવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

પ્રતિભાવ: અરજદાર (૧) : શ્રી દેવેન્દ્રભાઈ જીવાભાઈ ધાધલ, મુ. તા. રાજકોટ, જિ. રાજકોટ

શ્રી દેવેન્દ્રભાઈએ ખરીદેલી જમીન તેમના નામે થતી નહોતી. આ ગંભીર પ્રશ્ન સાથે તેઓ સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પ્રશ્ન સંવેદના સાથે સાંભળી આ પ્રશ્નનો 15 દિવસમાં જ સકારાત્મક નિકાલ લાવવા જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો હતો. પોતાની સમગ્ર રજૂઆત શાંતિથી સાંભળી તેનો તાત્કાલીક નિરાકરણ લાવવા આપેલા આદેશ બદલ અરજદારે મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.

અરજદાર (૨) : શ્રી બિપીનભાઈ ભરથેરા, ગામ- વીરપુર મુ.તા. જેતપુર, જિ. રાજકોટ

એક કંપનીમાં કામ કર્યા બાદ મહેનતાણાની ચુકવણી ન કરવામાં આવતા આખરે શ્રી બિપીનભાઈ સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરવા આવ્યા હતા. રજૂઆતને અંતે તેમના પ્રશ્નનો ત્વરીત ઉકેલ માટે મુખ્યમંત્રીશ્રીએ આપેલી સુચના બદલ શ્રી બિપીનભાઈએ મુખ્યમંત્રીશ્રી તેમજ સમગ્ર સ્વાગત વ્યવસ્થાનો આભાર માની જણાવ્યું હતું કે, મારી રજૂઆત શાંતીથી સાંભળીને મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને ત્વરીત નિવારણ લાવવા સુચના આપી પોતાના પ્રજાહિતલક્ષી અભિગમનો પરિચય કરાવ્યો છે.

અરજદાર (૩) : શ્રી જેબલિયા શિવરાજ બી. ગામ- નાગડકા મુ. તા. સાયલા જિ. સુરેન્દ્રનગર

સ્વાગત કાર્યક્રમમાં પોતાનો પ્રશ્ન લઈને આવેલા શ્રી શિવરાજભાઈએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ખેડૂતોની વેદના સમજે છે. અમારી ખેતીની ૧૦ એકરથી વધુ જમીન તળાવમાં ડૂબમાં જવા છતાં પણ વળતર ચુકવવામાં નથી આવ્યું. પરંતુ આજે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવાથી અમને ખાતરી થઈ છે કે જમીનનું વળતર અમને ટુંક સમયમાં જ મળી જશે.

અરજદાર (૪) : શ્રી ધનેશકુમાર બાબુલાલ શાહ, મુ. તા. વિસનગર, જિ. મહેસાણા

શ્રી ધનેશકુમારે પ્રતિભાવ જણાવ્યું હતું કે, મારી ઘરથાળની જમીન ગામના અન્ય વ્યક્તિ દ્વારા પચાવી પાડવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી હતી. જેમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરશ્રીને આ બાબતનો ત્વરીત નિકાલ લાવવા માટે આદેશ આપ્યો છે. મારા આ પ્રશ્નનો હવે નિવારણ આવશે તેવો મને વિશ્વાસ છે.

અરજદાર (૫) : શ્રી નિર્મલસિંહ પ્રવિણસિંહ ડોડીયા, ગામ- પાલડી કાંકજ, મુ. તા. દસક્રોઈ, જિ. અમદાવાદ

શ્રી નિર્મલસિંહે સ્વાગત કાર્યક્રમમાં પોતાનો પ્રશ્ન રજુ કર્યા બાદ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની એક ખાનગી શાળા દ્વારા સરકારના નાણાનો દુરુપયોગ થતો હતો. જે બાબતે આજે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરતા મુખ્યમંત્રીશ્રીનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. મને પુરી ખાતરી છે કે, આ પ્રશ્નનો હવે સચોટ નિકાલ આવશે.

અરજદાર (૬) : શ્રી અરવિંદભાઈ ખીમજીભાઈ પ્રજાપતિ, ઈસનપુર, મણિનગર, જિ. અમદાવાદ

શ્રી અરવિંદભાઈએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સ્વાગત કાર્યક્રમ ખુબ જ સારો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ થકી સામાન્ય નાગરીક પણ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પોતાના પ્રશ્નોની રજુઆત કરી શકે છે. બિલ્ડર દ્વારા સોસાયટીના આવવા જવાના કોમન રસ્તા પર દબાણ કરી ૨ મકાન બાંધી દેવામાં આવ્યા છે અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેને ખોલવા માટેના અમારા પ્રશ્નનો ૧ મહિનાની અંદર નિકાલ લાવવા માટે સંબધિત અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી દ્વારા સુચનાઓ આપી દેવામાં આવી છે.

અરજદાર (૭) : શ્રી ઉત્કર્ષકુમાર ડી. પ્રજાપતિ, ગામ- ગોધરા, મુ.તા. ગોધરા જિ. પંચમહાલ

શ્રી ઉત્કર્ષભાઈએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ઘર પાસેનો રસ્તો સાંકળો હોવાથી અવર જવર માટે તકલીફ પડતી હતી. જેની સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરતા ખુબ સકારાત્મક અભિપ્રાય મળ્યો છે. આ સંદર્ભે સંબંધિત અધિકારીઓને ઉકેલ લાવવા સુચનાઓ આપી હતી.

અરજદાર (૮) : શ્રી દિનેશભાઈ મગનભાઈ કાપડીયા, ગામ- મહુવા જિ. ભાવનગર

શ્રી દિનેશભાઈએ જણાવ્યું હતું કે, સ્વાગત કાર્યક્રમ ખરેખર લોકઉપયોગી કાર્યક્રમ છે. અમે અમારા ખેતર પાસે ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવા સંબંધિત વ્યક્તિઓને અનુરોધ કરતા અમારા પર હુમલાઓ કરવામાં આવ્યા હતા. આજે અમે મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રશ્નની રજુઆત કરી છે. જેમાં અમને ખુબ જ સારો સહકાર મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત જિલ્લા પોલીસ વડાશ્રીને સમગ્ર પ્રશ્ન પર પુરતુ ધ્યાન આપી કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

અરજદાર (૯) : શ્રી ભાગ્યલક્ષ્મી ભીખાભાઈ પટેલ, ગામ- અંબાસણ, તા. મહેસાણા, જિ. મહેસાણા

શ્રી ભાગ્યલક્ષ્મીબેને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે,  અમારા ઘરની બાજુમાં ખુલ્લા રસ્તા પર ગરબા બાબતે સ્પીકર મુકવાની ના પાડતા અમારી પર અનેકવાર હુમલાઓ કરવામાં આવ્યા છે. સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરતા તેમણે અમને સાંભળી અમારા પ્રશ્નનો તાત્કાલિક નિકાલ લાવવા સંબંધિત DySP તથા કલેક્ટરને કડક સુચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.