Western Times News

Gujarati News

AMC ચૂંટણી 2015: ચૂંટણી અધિકારીઓએ 15 કરોડનો હિસાબ આપ્યો નથી

ચુંટણીપંચ દ્વારા ૧પ અધિકારીઓ નિયુકત કરવામાં આવેલા આ અધિકારીઓને ચુંટણી વિભાગ તરફથી રૂા.22.44 કરોડની રકમ વિવિધ તબકકે આપવામાં આવી હતી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, દેશમાં ગ્રામ પંચાયતથી લઈ લોકસભા સુધી થતી ચુંટણી બાદ ઉમેદવાર અને રાજકીય પક્ષોએ તેમના ખર્ચનો હિસાબ રજુ કરવો પડે છે તેવી જ રીતે સરકાર દ્વારા નિયુકત કરવામાં આવતા ચૂંટણી અધિકારીઓએ પણ તેમને આપવામાં આવેલ રકમનો હિસાબ પણ ચૂંટણી બાદ આપવાનો રહે છે પરંતુ ર૦૧પની સાલમાં થયેલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીનો હિસાબ તત્કાલીન ચૂંટણી અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો નથી આ બાબતનો ઘટસ્ફોટ રાજય સરકારના ઓડીટ અહેવાલમાં થયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઓકટોબર- ર૦૧પમાં ચુંટણી થઈ હતી તે સમયે ચુંટણીપંચ દ્વારા ૧પ અધિકારીઓ નિયુકત કરવામાં આવેલા આ અધિકારીઓને ચુંટણી વિભાગ તરફથી રૂા.રર૪૪૪૩૭૬૪ની રકમ વિવિધ તબકકે આપવામાં આવી હતી પરંતુ ચુંટણી અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ નાણાંમાંથી કુલ રૂા.૧પ૭૦૩૬૦૧૭નો કોઈપણ હિસાબ આપ્યા ન હતાં.

ચુંટણી આંચારસંહિતા તથા ખર્ચ સંબંધી નિયમો હેઠળ સંબંધિત ચુંટણી અધિકારીઓએ તેમના ખર્ચના હિસાબો ચુંટણી પૂર્ણ થયા બાદ નિયત સમયમાં ગ્રાંટ ફાળવણી અધિકારીઓને આપવાના રહે છે. આ બાબતની ગંભીર નોંધ રાજય સરકારના લોકલ ફંડ ઓડીટ વિભાગ દ્વારા લેવામાં આવી છે તેમના અહેવાલ મુજબ ચુંટણી અધિકારીઓએ લાંબા વિલંબ બાદ પણ ખર્ચના હિસાબો રજુ કર્યા નથી જે ખૂબ જ ગંભીર બાબત છે

આ અધિકારીઓએ કયા હેતુસર કયારે અને કઈ એજન્સીઓને કયા પ્રકારની ચુકવણી કરી છે તેના ઓડીટ થઈ શક્યા નથી. મુંબઈ હિસાબ નિયમ સંગ્રહ ૧૯૪૮ના નિયમ ૧૧પ (એ)ની જાેગવાઈ અનુસાર ચુંટણી વિભાગે સરકારની વિવિધ એજન્સીઓ પાસેથી મળતી ગ્રાંટના હિસાબો માટે નિયત નમુનામાં રજીસ્ટર્ડ બનાવવાનું રહે છે પરંતુ ચુંટણી અધિકારીઓએ હિસાબ આપેલ ન હોવાથી આ રજીસ્ટર્ડ તૈયાર થઈ શકયુ નથી.

ર૦૧પની ચુંટણી અંતર્ગત ખર્ચ માટે કેટલી ગ્રાંટ આવી હતી ? કેટલો ખર્ચ થયો હતો ? કેટલી ગ્રાંટ બચત થઈ હતી ? તેમજ બચત થયેલ ગ્રાંટને સંબંધિત એજન્સીને ક્યારે પરત કરવામાં આવી હતી તે બધી બાબતની તપાસ થઈ શકી ન હતી તે અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.