Western Times News

Gujarati News

ફટાકડાના વેચાણનો ધંધો કરવા માંગતા હોવ તો વાંચી લો આ નવા નિયમો

ફટાકડાના વેપારીઓએ સ્ટેમ્પ પેપર પર નિયમ પાલનની ખાતરી આપવી પડશે-ફટાકડાના વેચાણ માટે છૂટક ખૂમચા, લારી કે પાથરણાં કરી તેનું વેચાણ નહીં કરી શકાય

(એજન્સી)અમદાવાદ, શહેરીજનોએ તાજેતરમાં નવરાત્રીનો નવ દિવસનો ઉત્સવ રંગેચંગે ઉજવ્યો હતો. ત્યારબાદ વિજ્યાદશમીના પર્વે એટલે કે દશેરાના પવિત્ર દિવસે પરંપરાગત રીતે ફાફડા-જલેવીની જયાફત પણ માણી હતી. હવે તહેવારોનો રાજા ગણાતી દિવાળી આવી રહી છે. દિવાળીમાં પ્રકાશનો ઝમગાટ તો થાય જ છે, પરંતુ તેની સાથે-સાથે ફટાકડા ફોડીને સૌ આબાલવૃદ્ધો પણ આનંદ માણતા આવ્યા છે. If you want to start firecrackers business, read these new rules

અમદાવાદીઓ મોંઘવારીની પરવા કર્યા વગર ઉત્સાહભેર સઘળા તહેવાર ઊજવતા હોઈ દિવાળીએ પણ ફટાકડાની ધૂમ મચાવશે. હવે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફટાકડાના વેપારીઓ માટે કુલ ર૧ મુદ્દાની ગાઈડલાઈન્સ પ્રસિદ્ધ કરાઈ છે, જે ાં ખાસ તો ફટાકડાના વેચાણ માટે એનઓસી મેળવવા વેપારીઓએ આગ-અકસ્માતની સલામતી હેતુસર નિયમો અંતર્ગત આપેલી શરતોનું પાલન કરવાની લેખિત બાંયધરી રૂા.૩૦૦ના સ્ટેમ્પ પેપર પર ફોટા સાથે નોટરી કરી આપવાની રહેશે.

મ્યુનિસિપલ ફાયરબ્રિગેડના ઈન્ચાર્જ વડા જયેશ ખાડિયા ફટાકડાના વેપારીઓના સંદર્ભમાં તેના છૂટક વેચાણ માટે આપવામાં આવતો ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એટલે કે એનઓસી માટે આગ-અકસ્માતના રક્ષણ હેતુ પાળવાની થતી શરતો બાબતે વધુ માહિતી આપતા કહે છે, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ-ર૦૧૩ રૂલ્સ-ર૦૧૪, ર૦૧૬ તથા સુધારા વિધેયક-ર૦ર૧માં કરવામાં આવેલી જાેગવાઈ મુજબ ફાયર એનઓસી માટે ફટાકડાનું ઉત્પાદન કરનાર, સ્ટોરેજ કરનાર, કાયમી વેચાણ કરનાર તથા હંગામી ધોરણે વેચાણ કરનાર તમામ એકમોએ તેની શરતોનું પાલન કરવાનું હોય છે. જેમાં વેચાણ હેતુ રૂા.૩૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર ફોટા સાથે નોટરી કરીને શરતોનું પાલન કરવાની લેખિત બાંયધરી અનિવાર્ય છે.

ફટાકડાનું વેચાણ કરતી દુકાનમાં રેતી ભરેલી ત્રણ થેલી અથવા રેતી ભરેલી છ ડોલ મૂકવાની રહેશે. ઉપરના ભાગેથી ખુલ્લા એવા પાણીથી ભરેલા ર૦૦ લિટરનું એક બેરલ તેમજ પાણીની ચાર ડોલ મૂકવાની રહેશે. ડ્રાય કેમિકલ પાઉડરના બે એકસ્ટિંગ્વિશર પાંચ કે છ કિલોના મૂકવાના રહેશે.

ફટાકડા વેચાણની જગ્યાએ શોર્ટસર્કિટ થાય તેવું લૂઝ ઈલેક્ટ્રિક વાયરિંગ રાખવું નહીં. પીવીસી પાઈપમાં જ વાયરિંગ કરવાનું રહેશે. કનેકટેડ જાેઈન્ટ કરવાના રહેશે. ઈલેક્ટ્રિક વાયરિંગ લૂઝ ટેપ જાેઈન્ટથી ચલાવવામાં આવશે. નહીં. વધારે ગરમી પેદા કરે તેવી હેલોજન લાઈટ રાખી શકાશે નહીં. ઈલેક્ટ્રિક વાયરિંગ ઉપર જરૂરી કેપેસિટીના ઈએલસીબી તથા એમસીબી જેવા સર્કિટ બ્રેકર લગાવવાના રહેશે. ઈલેક્ટ્રિક લાઈટની આજુબાજ લૂઝ કાપડ, ડેકોરેશનનો સામાન કે તોરણો જેવી વસ્તુ લાઈટને સ્પર્શીને સળગી ઊઠે તેવી રીતે રાખી શકાશે નહીં.

વેપારી દ્વારા ફટાકડાના કોઈ પણ વેચાણ કે સંગ્રહ રહેઠાણ સાથે કરી શકાશે નહીં તેમજ ફટાકડાના અધિકૃત રીતે વેચાણના સ્થળે અન્ય કોઈ છૂટક ખૂમચા, લારી અને પાથરણાં કરીને ફટાકડાનું વેચાણ થાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે. ફટાકડા વેચાણની દુકાન, ગોડાઉન કે ફેક્ટરીની આગળ આવવા-જવાનો માર્ગ કોઈ પણ જાતના અવરોધ વગર કાયમી ધોરણે ખુલ્લો રાખવાનો રહેશે.

વેપારીએ એનઓસી મેળવવાની અરજી વખતે પાછલા વર્ષમાં અપાયેલું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તથા પોલીસ લાઈસન્સ તેમજ જાે મેળવવાપાત્ર પરિસ્થિતિમાં એક્સપ્લોઝિવ ખાતાનું છેલ્લું પ્રમાણપત્ર-મંજૂરીની નોટરી દ્વારા પ્રમાણિત કરેલી જરૂરી તમામ નકલો અરજી સાથે ફરજિયાન બીડવાની રહેશે. જાે તેમ કરવામાં નહીં આવે તો એનઓસી અપાશે નહીં. વેપારીએ એક્પલોઝિવ ડિપાર્ટમેન્ટ તથા પોલીસની સમક્ષ સત્તા દ્વારા મંજૂર કરાયેલી માત્રામાં જ દારૂખાનું રાખવાનું રહેશે.

ઓટોમેટિક સ્પ્રિન્કલર સિસ્ટમ, ઓટો મોડ્યુલર તથા મેન્યુઅલ ફાયર એકસ્ટિંગ્વિશર કાર્યરત રાખવાના રહેશે. જાે તે બંધ હાલતમાં જણાશે તો વેચાણ માટે એનઓસી તાત્કાલિક અસરથી રદ કરાશે તેમજ જાે આગ-અકસ્માતની કોઈ ઘટના બનશે તો તેની તમામ જવાબદારી ફટાકડાના વેપારીની રહેશે. ગઈ કાલ સુધી મ્યુનિ. ફાયર બ્રિગેડ સમક્ષ તેની એનઓસી મેળવવા માટે કુલ ૧૬૦ અરજી આવી હતી, જે પૈકી પ૮ અરજદારને તંત્ર દ્વારા એનઓસી અપાઈ ગયું છે, જ્યારે અન્ય અરજી કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે તેમ મ્યુનિ. ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ વડા જયેશ ખડિયા વધુમાં કહે છે.

તંત્રને વાંચ, વાડજ, શાહપુર, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, બોડકદેવ, કુબેરનગર, ઓઢવ, જાેધપુર વગેરે વિસ્તારમાંથી અરજી મળી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં નાના-મોટા મળીને કુલ આઠ હજારથી વધુ વેપારીઓ ફટાકડાનું દિવાળીના દિવસોમાં વેચાણ કરતા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.