Western Times News

Gujarati News

વિજયનગરના ધોલવાણી રેન્જના જંગલના 100 એકર વિસ્તારમાંથી ઝેરી વનસ્પતિ દૂર કરાઈ

લેન્ટેના જેવી ઝેરી વનસ્પતિ જંગલ વિસ્તારમાં સાઈલેન્ટ કિલરનું કામ કરી જંગલોની જૈવિક વિવિધતામાં ઘટાડો કરી સંપૂર્ણ ઇકો સિસ્ટમને પ્રભાવિત કરે છે

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના ધોલવાણી રેન્જના જંગલના ૪૦ હેકટર (૧૦૦ એકર )વિસ્તારમાંથી સરકારના આદેશના પગલે લેન્ટેના જેવી ઉપદ્રવી અને ઝેરી વનસ્પતિ દૂર કરવામા આવી છે અને એના સ્થાને આ જંગલમાં લોકોને આર્થિક ઉપાર્જન મળી રહે તેવા ૨૫૦૦૦ જેટલા વિવિધ નવા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

સાબરકાંઠા વન વિભાગ હેઠળની ધોલવાણી રેન્જના અજેપૂર અને રાયણમાળા ગામના જંગલ વિસ્તારમાં વર્ષોથી ઉપદ્રવી બનેલી લેન્ટેના જેવી ઝેરી વનસ્પતિને જિલ્લા વન અધિકારી અધિકારી હર્ષકુમાર,જે.ઠક્કરની સૂચના મુજબ અને મદદનીશ વન સંરક્ષક વનરાજસિંહ.આર ચૌહાણના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામ આવેલ કામગીરી દરમિયાન આ જંગલમાં કુલ- ૪૦.૦૦ હેકટર વિસ્તારમાંથી ઝેરી વનસ્પતિ દૂર કરાવીને જંગલની આજુ બાજુ વસવાટ કરતા લોકોને આર્થિક ઉપાર્જન મળી રહે તે હેતુથી ચાલુ વર્ષ દરમિયાન કુલ-૨૫૦૦૦ જેટલા મહુડા, બહેડા, આમળા, દેશી આંબા, સીતાફળ, સલાઈ, અરીઠા, વાંસ, કુસુમ, જેવી જુદી જુદી જાતોના રોપાઓ નું વાવેતર કરવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે લેન્ટેના જેવી ઝેરી વનસ્પતિ જંગલ વિસ્તારમાં સાઈલેન્ટ કિલરનું કામ કરી જંગલોની જૈવિક વિવિધતામાં ઘટાડો કરી સંપૂર્ણ ઇકો સિસ્ટમને પ્રભાવિત કરે છે અને જમીનમાં રહેલા પોષક તત્વોનું ખૂબ ઝડપથી શોષણ કરી ઝડપી વૃદ્ધિ પામે છે અને અન્ય વનસ્પતિઓના વિકાસમાં અવરોધક બની તેનો નાશ કરવાનું કામ કરે છે.

આરએફઓ જ્યેન્દસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે લેન્ટેનાના ફૂલની સુગંધ અને તેનો સ્વાદ અત્યંત કડવો હોવાના કારણે તૃણાહારી કે પાલતુ પ્રાણીઓ તેને ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી અને જાે કોઈ પ્રાણી લૅન્ટેના વનસ્પતિને ખાઈ જાય તો લેન્ટેનામાં હયાત ટ્રાઈટરપેન્સ નામનું ઝેરી તત્વ પ્રાણીના શરીરમાં ગંભીર અસર કરી તેનું મૃત્યુ નીપજાવે છે.

જેની સીધી અસર જંગલ વિસ્તારમાં પાલતુ ઢોર બકરા ચરાવી તેમાંથી દૂધ ઉત્પાદન કરીને પોતાની આજીવિકા મેળવતા લોકોના જીવન પર થાય છે અને જંગલના તૃણાહારી પ્રાણીઓ પણ ખોરાકની શોધમાં અન્ય જંગલ વિસ્તારમાં સ્થળાંતર કરે છે પરિણામે જંગલ વિસ્તારના માંસાહારી પ્રાણીઓને અપૂરતા શિકારને કારણે ખોરાકની શોધમાં જંગલ વિસ્તાર બહાર નીકળી આવે છે જ્યાં માનવ અને વન્યજીવો વચ્ચે ઘર્ષણ થવાના બનાવ બને છે.

આમ લેન્ટેના દૂર કરી ઊપજ આપતા રોપા વાવેતર કરવાના કારણે આજુ બાજુના લોકોને આર્થિક ઉપાર્જન આપવાની સાથે જંગલો પર ર્નિભર લોકોનું જીવન ધોરણ સુધારવાનો વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે અને હજુ પણ આવનારા વર્ષમાં પણ આ પ્રકારે જંગલ વિસ્તારમાં થી લેન્ટેના દુર કરી ઊપજ આપતા રોપાઓનું વાવેતર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.