Western Times News

Gujarati News

નડિયાદમાં BAPS સંસ્થા દ્વારા ભવ્ય શિખર બદ્ધ મંદિરનું નિર્માણ કાર્ય

નડિયાદના પીપલગ રોડ ઉપર આવેલા યોગીફાર્મ ખાતે નિર્માણ પામી રહેલા આ મંદિરમાં આવનાર ભકતો માટે સંપૂર્ણ સુવિધા ઉભી કરાશે

નડિયાદ, ઈ.સ.ર૦૦૪માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના તત્કાલીન વડા પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજે સંકલ્પ કરેલો હતો તે જ સ્થળે ૪પ એકરની જમીનમાં અદભુત મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. નડિયાદના પીપલગ રોડ ઉપર આવેલા યોગીફાર્મ ખાતે નિર્માણ પામી રહેલા આ મંદિરમાં આવનાર ભકતોની સંપૂર્ણ સુવિધા સચવાય તે માટે પૂ. સર્વમંગલ સ્વામી (કોઠારી સ્વામી) તથા પૂ. પરમવત્સલ સ્વામી અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે.

ડિસેમ્બર મહિનાની તા.૧ એ પરમપૂજય મહંત સ્વામી મહારાજ અહીં અનેક સંતો ભકતો સાથે બિરાજીત થવાના છે. ૭મી ડિસેમ્બર ગુરુવારના શુભ મુહૂર્તમાં મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ થશે. આ નિમિત્તે બે દિવસ સુધી વિદ્ધાન બ્રાહ્મણ દ્વારા વૈદિક યજ્ઞ થશે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ ભગવાન,

શ્રીરામ પરિવાર, શ્રી શિવજી પરિવાર અને શ્રી નીલંકઠવર્ણી મહારાજની અદભુત મૂર્તિઓની પ્રતિષ્ઠા અહીં કરવામાં આવનાર છે. આ મૂર્તિઓની ભવ્ય નગરયાત્રા નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પરથી પણ નીકળનાર છે.

નડિયાદના ભકતોના સમર્પણથી, સરકારી સંસ્થાઓના પદાધિકારી, રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓના સહકારથી તૈયાર થયેલ આ મંદિર નડિયાદનું એક વિશિષ્ટ નવલું અને નમણું નજરાણું બની રહેશે.

મંદિરની વિશેષતાઓ.

254 કલાત્મક તોરણથી મંદિરને શણગારમાં આવેલું છે. 324 કોતરણી યુક્ત સ્તંભ (પિલર)
મંદિરની ફરતે 12 ગવાક્ષ (ઝરૂખા) છે.  36 કોતરેલી અક્ષરદેરી અહીં મૂકવામાં આવી છે.
1210 ફૂટથી વધુ લાંબો પ્રદક્ષિણાપથ અહીં બનાવાયો છે.
13 ચતુષ્કોણીય સામરણ અહીં બનાવવામાં આવ્યા છે.  અસક્ત હરિભક્તો માટે 2  લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અભિષેક મંડપ અહીં બનાવાયો છે જેમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજને  અભિષેક કરી ભક્તો પોતાના સંકલ્પની પૂર્તિ માટે પ્રાર્થના કરી શકશે.
બાળ સંસ્કાર અને મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ માટે 7 નાના નાના વાતાનુંકુલિત હોલ પણ બનાવવામાં આવ્યા છે.
5000 હરિભક્તો એક સાથે બેસીને ભજન પ્રાર્થના કરી શકે એવો એર કુલિંગ સાથે પીલરલેસ પ્રાર્થના હોલ પણ છે.
અહીં શુદ્ધ અને  સાત્વિક આહાર મળી રહે તે અર્થે પ્રેમવતી ઉપાહારગૃહનું પણ આયોજન કરેલ છે. વિશાળ પાર્કિંગ સુવિધા પણ  છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.