Western Times News

Gujarati News

‘ગ્રાહક ખરીદી કરતી વખતે બિલ મેળવી અપલોડ કરે એ દેશના વિકાસમાં મોટું કદમ કહેવાશે’

કેન્દ્રીય નાણામંત્રીના હસ્તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે વાપીથી રાજ્યના ૧૨ જીએસટી સેવા કેન્દ્રનું (GST seva kendra) ઈ-લોકાર્પણ કરાયું

(એજન્સી)અમદાવાદ, કેન્દ્ર સરકારના નાણાં અને કોર્પોરેટ અફેર્સ વિભાગના મંત્રી ર્નિમલા સીતારમણના હસ્તે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે જીએસટી સેવા કેન્દ્રની સાથે રાજ્યના ૧૨ જીએસટી સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા જીએસટી સેવા કેન્દ્રમાં બાયોમેટ્રીક સિસ્ટમથી જીએસટી નંબર મેળવવા માટેની તમામ પ્રોસેસ પાસપોર્ટ મેળવતી વખતે કરવાની હોય તે મુજબની જ છે, માત્ર પોલિસ વેરિફિકેશન કરવાનું રહેતું નથી. ગુજરાતમાં મુખ્ય મુખ્ય જગ્યા પસંદ કરી જીએસટી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. દરેક કચેરીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સરખું છે.

લોકોને સરળતા પડે તે મુજબ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે બદલ ગુજરાત જીએસટી ટીમને બિરદાવું છું. ગુજરાત બિઝનેસનું હબ છે ત્યારે પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતમાં શરૂ થયેલા જીએસટી સેન્ટર અન્ય રાજ્યો માટે મોડલ બનશે.

વધુમાં મંત્રીએ ‘‘મેરા બિલ, મેરા અધિકાર’’ કેમ્પઈન અંગે કહ્યું કે, દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ખરીદી કરતી વખતે વેપારી કે દુકાનદાર પાસે બિલ માંગી રાષ્ટ્રના વિકાસમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી શકે છે. ગ્રાહક ટ્રેન્ડ સેટર બની શકે છે.

બિલ લેવું ગ્રાહકનો અધિકાર છે અને બિલ આપવું એ વેપારી-દુકાનદારની ફરજ છે. મેરા બિલ, મેરા અધિકારથી લોકોમાં જાગૃતિ આવી રહી છે. પીઝા, મિઠાઈ અને કપડાં જેવી નાની મોટી ખરીદી કરી ગ્રાહકોએ બિલ અપલોડ કર્યું તેનાથી લકી ડ્રોમાં જે લોકોને રૂ. ૧૦ લાખનું ઇનામ મળ્યું છે તેઓ અભિનંદનને પાત્ર છે. વધુમાં વધુ લોકો ખરીદી કરતી વખતે બિલ મેળવી અપલોડ કરે એ દેશના વિકાસમાં મોટું કદમ કહેવાશે. દુકાનદારોએ પણ નૈતિક ફરજના ભાગરૂપે સામે ચાલીને બિલ આપે એટલી પ્રમાણિકતા દાખવવી જાેઈએ. જીએસટીને ૬ વર્ષ પુરા થયા છે.

લોકોની જાગૃતિના કારણે દર મહિને ટેક્સ કલેક્શન વધી રહ્યું છે. જેના થકી રાષ્ટ્રનો પારદર્શી વિકાસ થઈ રહ્યો છે. મંત્રીએ વલસાડના પનોતા પુત્ર અને દેશના માજી પ્રધાનમંત્રી સ્વ. મોરારજીભાઈ દેસાઈને યાદ કરી કહ્યું કે, તેઓના સિદ્ધાંત અને હકારાત્મકતાના કારણે તેઓ મહાન નેતા બન્યા હતા.

એશિયાની સૌથી મોટી ગણાતી વાપી જીઆઇડીસી તેમણે ભેટ રૂપે આપી હતી.  દેશના અર્થતંત્રમાં વાપી જીઆઇડીસીનું બહુમૂલ્ય યોગદાન છે. આજે વાપીની ધરતી પર આવી ગર્વ અનુભવું છું એવું મંત્રીએ જણાવ્યું
હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.