Western Times News

Gujarati News

ભારતે કેનેડિયન નાગરિકો માટે ફરી શરૂ કરી ઈ-વિઝા સેવા

નિજ્જર હત્યા પછી તણાવ વધતાં સેવા સ્થગિત હતી

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાને લઈને શરૂ થયેલા તણાવ બાદ વડાપ્રધાન મોદી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો આજે જી-૨૦ની વર્ચ્યુઅલ બેઠકમાં પહેલીવાર આમને-સામને થશે. આ પહેલાં ભારતે ફરી કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા શરૂ કરી છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ સેવા ૨ મહિનાના વિરામ બાદ ફરી શરૂ થઈ રહી છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો હતો, ત્યારપછી ભારત સરકારે ૨૧ સપ્ટેમ્બરે વધતા તણાવને પગલે વિઝા સેવા બંધ કરી દીધી હતી.

આ પછી ૨૬ ઓક્ટોબરે સરકારે ૪ કેટેગરીમાં વિઝા સેવા શરૂ કરી. ત્યારથી, કેનેડિયનો એન્ટ્રી, બિઝનેસ, મેડિકલ અને કોન્ફરન્સ વિઝા માટે અરજી કરી શકશે. હવે નવા અપડેટ સાથે કેનેડિયન નાગરિકો માટે પ્રવાસી સહિત તમામ કેટેગરીમાં વિઝા સેવા શરૂ કરવામાં આવી છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ૨૧ સપ્ટેમ્બરે કહ્યું હતું કે કેનેડામાં અમારા રાજદ્વારી યુનિટને ધમકીઓ મળી રહી છે. તેઓ તેમનું કામ કરવા સક્ષમ નથી. આ જ કારણ છે કે વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે કેનેડા આતંકવાદીઓને રહેવા અને તેમની યોજનાઓ પાર પાડવા માટે જગ્યા આપી રહ્યું છે.

થોડા દિવસો પહેલાં, લંડનમાં પત્રકાર લિયોનેલ બાર્બર સાથેની વાતચીત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું – જ્યારે કેનેડામાં ભારતીય હાઈ કમિશન પર હુમલો થયો અને રાજદ્વારીઓને ધમકી આપવામાં આવી ત્યારે કેનેડાની સરકારે કોઈ પગલાં લીધાં નહીં.

વિદેશ મંત્રીએ આગળ કહ્યું – અમે તપાસનો ઇનકાર કરી રહ્યા નથી, પરંતુ કેનેડાએ હજુ સુધી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી. અમને લાગે છે કે કેનેડાની રાજનીતિમાં હિંસા અને ઉગ્રવાદને સ્થાન મળી રહ્યું છે, જેનાથી ભારતમાં અલગતાવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે. જયશંકરે કહ્યું- આપણે લોકશાહી દેશ છીએ અને કેનેડામાં પણ લોકશાહી છે. આવી સ્થિતિમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે કેટલીક જવાબદારીઓ પણ આવે છે.

આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને આવું થવા દેવાનું યોગ્ય નથી. વિશ્વમાં ભારતના પ્રભાવ પર વિદેશ મંત્રીએ કહ્યું- ખરેખર ભારતના કારણે જ વૈશ્વિક મોંઘવારી નિયંત્રણમાં આવી છે. અમે આ માટે તમારો આભાર માનવાની રાહ જાેઈ રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.