Western Times News

Gujarati News

વડોદરા જિલ્લાના આઠેય તાલુકાઓમાં શુક્રવારથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે

(માહિતી) વડોદરા, રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ ૨૪૮ તાલુકાઓમાં તા. ૨૪/૧૧/૨૦૨૩ થી તા. ૨૫/૧૧/૨૦૨૩ દરમિયાન રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલુકા કક્ષા ઉપરાંત પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધુ હોય તેવા પ્રાકૃતિક કૃષિના કલસ્ટરમાં તથા પિયતના નવા સ્ત્રોત ઉપસ્થિત થયેલા હોય તેવા સ્થળે પણ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ જિલ્લાના તમામ આઠેય તાલુકામાં બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવની ઉજવણી માટે વડોદરા જિલ્લામાં તાલુકા કક્ષાના કાર્યક્રમો માટે સ્થળોની પસંદગી કરી દેવામાં આવી છે. જ્યાં શુક્રવારે સવારે ૧૦-૩૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ સયાજીપુરા સ્થિત એ. પી. એમ. સી. ખાતેથી વડોદરા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવશે. ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા ડભોઈની સત્તરગામ પટેલ સમાજની વાડી ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવશે. આવી જ રીતે ધારાસભ્યશ્રી કેતનભાઈ ઈમાનદાર સાવલી સ્થિત ભીમનાથ મહાદેવ મંદિર હૉલ,

ધારાસભ્યશ્રી અક્ષયકુમાર પટેલ કરજણ સ્થિત ભરતમુનિ નગર ગૃહ, ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા સ્થિત ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ તેમજ ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહ ઝાલા પાદરા સ્થિત પ્રમુખ સ્વામિ મહારાજ ટાઉનહોલ ખાતેથી તાલુકા કક્ષાના આ મહોત્સવનો પ્રારંભ કરાવશે. જ્યારે શિનોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અર્ચનાબેન રાય જે. સી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી અને ડેસર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન ચૌહાણ સ્થાનિક એ. પી. એમ. સી. ખાતેથી રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.