Western Times News

Gujarati News

આકાશમાં ઉડતા કાળાડિબાંગ વાદળોએ દહેજના સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો

દહેજના જોલવા નજીક ક્રૂડ ઓઈલની પાઈપ લાઈનમાં ભીષણ આગ

ભરૂચ, દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.આગના કારણે આકાશમાં કાળાડિબાંગ ધુમાડાના ગોટે ગોટા છવાઈ જતા ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ૫ ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી ગયા હતા.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના દરિયા પર તરતાં ટાપુ સમાન માનવામાં આવે છે.અહીં મોટી સંખ્યામાં તેલના કુવા આવેલા છે સાથે તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહતની ઉત્પાદન માટે તેલ અને ગેસની જરૂરિયાત પાઈપલાઈન મારફતે પુરી પાડવામાં આવે છે.

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઇલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.આગના કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળોના ગોટે ગોટા દૂર દૂર સુધી છવાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ૫ ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી ગયા હતા.

એક તરફ આકાશમાં ઉડતા કાળાડિબાંગ વાદળોએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો તો બીજી તરફ આગ કઈ પાઈપલાઈનમાં લાગી છે તે પણ તપાસનો વિષય બન્યો હતો.

ભરૂચ જીલ્લા વહીવટીતંત્ર,ર્ંદ્ગય્ઝ્ર કે ભરૂચ જીલ્લા પોલીસ તરફથી ઘટનાના બપોરે ૩ વાગ્યા સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું ન હતું.ઘટના સ્થળે ઈમરજન્સીનો કોલ મળતા ફાયર બ્રિગેડ સાથે કંપનીના સાયરનો પણ ગુંજી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઈટરો સાથે દહેજ પોલીસની ટીમ આવી પહોંચી પોણા કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી હતી.

જોકે કઈ કંપનીની ક્રૂડ ઓઈલની પાઈપલાઈનમાં ક્યાં કારણોસર આગ લાગી હતી તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોમાં ખોદકામ વેળા પાઈપલાઈનમાં પંક્ચર થતા લીકેજ સાથે આગ ફાટી નીકળી હોવાની ચર્ચાએ જોર પકડ્‌યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.