Western Times News

Gujarati News

કેનેડા પોલીસે ૫૭ વર્ષના પૂર્વ શેફ કેનેથ લો પર સેકેન્ડ ડિગ્રી હત્યાના ૧૪ કેસનો આરોપ લગાવ્યો

૫૭ વર્ષના પૂર્વ શેફે ૪૦ દેશોમાં મોકલ્યા હતા ઝેરી પાર્સલ

કેનેડાથી અત્યંત ચોંકાવનારા સમાચાર

કેનેડાની પોલીસે ૫૭ વર્ષના પૂર્વ શેફ કેનેથ લો પર સેકેન્ડ ડિગ્રી હત્યાના ૧૪ કેસનો આરોપ લગાવ્યો હતો

ઓટ્ટાવા, કેનેડાની પોલીસે ૫૭ વર્ષના પૂર્વ શેફ કેનેથ લો પર સેકેન્ડ ડિગ્રી હત્યાના ૧૪ કેસનો આરોપ લગાવ્યો છે. આ પહેલા લો પર એવા લોકોની આત્મહત્યામાં મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જેમણે કથિત રીતે તેની પાસેથી ઓનલાઈન ઘાતક કેમિકલ ખરીદ્યું હતું. બ્રિટિશ જાસૂસોએ લોને બ્રિટનમાં ૯૦ મોત સાથે પણ સાંકળ્યો છે.

રિપોર્ટ મુજબ લોના વકીલ મેથ્યુ ગ્રેલેએ જણાવ્યું છે કે તેમના અસીલનો ઈરાદો આરોપો માટે દોષિત ન હોવાની અપીલનો છે. પોલીસે મંગળવારે હત્યાના આરોપોની જાહેરાત કરી.દેશના સૌથી મોટા પ્રાંત ઓન્ટારિયોમાં લો વિરુદ્ધ ખુબ જ જટિલ અને મોટી તપાસમાં ૧૧ પોલીસ એજન્સીઓ સામેલ છે. યોર્ક ક્ષેત્રીય પોલીસના એક નિરીક્ષક સાઈમન જેમ્સે કહ્યું કે નવી હત્યાનો આરોપ ઓન્ટારિયોમાં કુલ ૧૪ પીડિતો સંબંધિત છે.

તેમણે કહ્યું કે એવા પુરાવા આવ્યા છે કે જે બીજી ડિગ્રીની હત્યાના આરોપનું સમર્થન કરે છે. જો કે તેમણે તપાસ ચાલુ હોવાના કારણે વધુ વિગતો આપવાની ના પાડી દીધી.હત્યાના આરોપ સાથે લો પર ઓન્ટારિયોમાં થયેલી મોતો મામલે આત્મહત્યામાં મદદ કરવા અને સલાહ આપવાના ૧૪ કેસ, એમ કુલ ૨૮ આરોપ છે. જો કેનેડિયન કાયદા હેઠળ તેને સેકન્ડ ડિગ્રી હત્યાનો દોષિત ઠેરવવામાં આવે તો આજીવન કેદ થઈ શકે છે.

લો હાલ પોલીસ કસ્ટડીમાં છે અને કેનેડાના અન્ય ભાગો તથા યુકે સહિત અનેક દેશોની તપાસનો તે વિષય બનેલો છે.
કેનેડિયન જાસૂસોએ કહ્યું કે લોએ લોકોને પોતાનું જીવન સમાપ્ત કરવા માટે ઉપકરણ અને પદાર્થ રજૂ કરનારી અનેક વેબસાઈટ ચલાવી હતી. પોલીસનું માનવું છે કે તેણે લગભગ ૪૦ દેશોમાં ઘાતક પદાર્થો વાળા ૧૨૦૦થી વધુ પાર્સલો મોકલ્યા હશે.

લોને પહેલીવાર મે મહિનામાં પકડવામાં આવ્યો હતો અને તેના પર આત્મહત્યામાં મદદ કરવાનો આરોપ લાગ્યો હતો. ઓગસ્ટમાં પોલીસે તેના વિરુદ્ધ વધુ કેસો દાખલ કર્યા જે તમામ ઓન્ટારિયોમાં થયેલા મોત સંલગ્ન હતા. મૃતકોમાં ૧૬થી ૩૬ની વયના લોકો સામેલ હતા. જેમ્સે કહ્યું કે એકથી વધુ પીડિત ૧૮ વર્ષથી ઓછી વયના હતા.

લોના અનેક કથિત પીડિત યુકેમાં પણ હોવાનું કહેવાય છે. જ્યારે લંડનમાં નેશનલ ક્રાઈમ એજન્સી (એનસીએ)એ કહ્યું કે એવું કહેવાય છે કે લોએ ૨૭૨ લોકોને પાર્સલ મોકલ્યા. એનસીએએ કહ્યું કે જેમને પાર્સલ મોકલવામાં આવ્યા તેમાંથી ૯૦ લોકોના પછી મોત થઈ ગયા. જો કે એ વાતની પુષ્ટિ નથી કરી શકાઈ કે દરેક મોતનું પ્રત્યક્ષ કારણ કોઈ ઝેરી પદાર્થ હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.