Western Times News

Gujarati News

કલોલ પાલિકા કચરાનો નિકાલ કરવા 4 કરોડનો ખર્ચ કરશે

પ્રતિકાત્મક

કલોલ પાલિકા રોજ પ્રોસેસિંગ પ્રક્રિયા દ્વારા 2000 ટન કચરાનો નિકાલ કરશે-૪ માસમાં વૈજ્ઞાનિક ઢબે પડતર સહિતના કચરાનો નિકાલ કરવા ચાર કરોડનો ખર્ચ થશે

ગાંધીનગર, પ્રોસેસિંગ પ્રક્રિયા દ્વારા કલોલ નગરપાલિકા દ્વારા રોજ ર૦૦૦ ટન કચરાનો નિકાલ કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ચાર માસમાં વૈજ્ઞાનિક ઢબે પડતર સહિતના તમામ કચરાનો નિકાલ કરવા નગરપાલિકાએ ચાર કરોડનો ખર્ચ કરવાનો અંદાજ મુકયો છે. Kalol Municipality will spend 4 crores to dispose of the waste

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ રાજયની નગરપાલિકાઓને વર્ષો જૂના પડતર કચરાનું પ્રોસેસિંગ કરવાનું થાય છે અને આવા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો થાય છે. તે અંતર્ગત કલોલ નગરપાલિકા દ્વારા પ્રતિદિન ઉત્પન્ન થતો અને વર્ષોથી પડી રહેલો અંદાજે ૧,૭૬,૦૦૦ ટન જેટલા કચરાનો જથ્થો થાય છે.

તેના નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયાથી એજન્સીને કામ સોંપાયું હતું. તે એજન્સી દ્વારા ટ્રોમેલ, ચેન ડોઝર અને હિટાચી જેવા હેવી સાધનો મુકી કચરાની પ્રોસેસિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમાં નગરપાલિકા દ્વારા પ્રતિદિન અંદાજે ૧૦૦૦ ટન કચરો પ્રોસેસ થાય તે પ્રકારની વ્યવસ્થા છે. તે માટે એજન્સીએ પ્રતિદિન ૧૦૦૦ ટન કચરો પ્રોસેસિગ થાય તેવું મશીન મુકાવ્યું છે.

આગામી સમયમાં બીજું એક મશીન મુકી પ્રતિદિન ર૦૦૦ ટન કચરાનું પ્રોસેસિંગ થાય તે રીતનું આયોજન કલોલ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. પડતર કચરાને છુટો પાડી પ્લાસ્ટિક તથા રિસાયકલ કચરો અલગ કરવામાં આવશે. બાકી રહેલા કચરાનું ખાતર બનાવીને તેને ઉપયોગમાં લેવામાં આવશે. આ રીતે પડી રહેલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.