Western Times News

Gujarati News

ગોધરાના દરૂણીયા નજીક ખોટકાઈ ગયેલ ટેલર પાછળ ટ્રક અથડાતાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના દરૂણીયા નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે પર ખોટકાઈ ગયેલા ટ્રેલર પાછળ ટ્રક અથડાતાં ટ્રકનાચાલકનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, જ્યારે ક્લીનરને ફાયરવિભાગની ટીમ દ્વારા રેસક્યું કરીને બચાવી લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ રાજસ્થાન રાજ્યના બ્યાવર તાલુકાના સમાપા ગામે રહેતા પ્રતાપસિંહ કિશનસિંહ રાજપૂત પોરબંદર તાલુકાના છાયા ગામે રહેતા હિતેશભાઈ ખૂટીની ટ્રક પર ચાલક તરીકે ફરજ બજાવતા હતા, ગત ૧૩ તારીખે સવારના સમયે તેઓ ટ્રકમાં હિટાચી મશીન લોડ કરીને ઇન્દોરથી અમદાવાદ જવા નીકળ્યા હતા, મછલીયા ઘાટ નજીકથી આવેલ ટોલનાકા પાસેથી પ્રતાપસિંહ રાજપૂતે બસમાં આવેલ ક્લીનરને હરિભાઈ બાબુસિંહ રાવતને બેસાડ્‌યા હતા,

જ્યાંથી પ્રતાપસિંહ રાજપૂત ગોધરા નજીક તેમની રાહ જોઈ રહેલા કાળ નજીક આવવા રવાના થયા હતા, સાંજના સમયે લીમખેડા નજીક આવેલી હોટલ પર જમ્યા બાદ ચાલક અને ક્લીનર અમદાવાદ તરફ આગળ વધી રહી રહ્યા હતા, ત્યારે ગોધરા તાલુકાના દરૂણીયા નજીક સાંજના સાત વાગ્યાના સુમારે હિટાચી મશીન ભરેલી ટ્રક રોડ પર ખોટકાઈ ગયેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઇ હતી,

આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, ટ્રકના ચાલક પ્રતપસિંહ રાજપૂતનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, જ્યારે ક્લીનર હરિભાઈ રાવત કેબિનમાં જ ફસાઈ ગયા હતા, ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા, પરંતુ સફળતા ન મળતા ગોધરા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરબ્રિગેડ જવાનો દ્વારા રેસ્ક્યું કરીને ક્લીનરને બચાવી લેવાયા હતા,

સમગ્ર ઘટના બાદ કોઈપણ પ્રકારના રિફલેક્ટર કે ર્પાકિંગ લાઈટ ચાલુ કર્યા વિના જ બેદરકારીપૂર્વક રસ્તાની વચ્ચે ટ્રેલર ઉભુ રાખનાર ટ્રેલરના ચાલક સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.