Western Times News

Gujarati News

ચીનમાં બાળકોમાં ફેલાયેલા રોગને લઈને ગુજરાતમાં એલર્ટ,૧૯ ડિસેમ્બરે મોકડ્રીલ યોજાશે

હોસ્પિટલોમાં એન્ટી વાયરલ દવા, વેન્ટીલેટર, પીપીટી કીટ, ઓક્સિજન સહિત બેડ તૈયાર છે તેની ચકાસણી થશે

અમદાવાદ,ચીનમાં બાળકોમાં ફેલાયલ ઈન્ફ્લુએન્ઝા, માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાના વધતા કેસને લઈને ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ બીમારી ન વકરે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુજરાત સરકારને એલર્ટ રહેવા સૂચના આપી છે. એટલુ જ નહીં જો આ રોગચાળો વકરે તો દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં ૧૯ ડિસેમ્બરે મોકડ્રીલ યોજાશે.

મોકડ્રીલ દરમિયાન જ હોસ્પિટલોમાં એન્ટી વાયરલ દવા, વેન્ટીલેટર, પીપીટી કીટ, ટેસ્ટીંગ કીટ ઉપરાંત ઓક્સિજન સહિત બેડ તૈયાર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિન્ટિલેટર સાથે ૩૦૦ બેડનો ખાસ આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ વર્ષ ચીન માટે ઘણું ખરાબ રહ્યું છે. ચીનને કોરોનાથી થોડી રાહત મળી હતી

ત્યારે હવે એક નવી મુસીબત તેમના પર ખતરો ઉભી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં બાળકોમાં શ્વાસ સંબંધી રોગોમાં અચાનક વધારો થયો છે. ૧૩ નવેમ્બરે ચીનમાં અજાણ્યા ન્યુમોનિયાનો પહેલો કેસ નોંધાયો હતો. હવે સ્થિતિ એવી છે કે દરરોજ સરેરાશ ૧,૨૦૦ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ચીન ન્યુમોનિયાના કેસ વધવાથી પરેશાન છે. ચીન સિવાય વિશ્વના કેટલાક અન્ય દેશોમાં પણ તેના કેસ જોવા મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પણ ન્યુમોનિયાના ૭ કેસ મળી આવ્યા છે, જો કે આ દાવાઓને ખુદ ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે નકારી કાઢ્યા છે. આવો જાણીએ શું છે આ રોગ અને તેના લક્ષણો.

જો કે ન્યુમોનિયા સામાન્ય છે, ચીનમાં આ દિવસોમાં તેના વિશે હોબાળો છે. જ્યારે એક અથવા બંને ફેફસામાં ચેપ લાગે છે, ત્યારે તેને ન્યુમોનિયા કહેવામાં આવે છે. જેના કારણે ફેફસામાં સોજો આવી જાય છે અને ફેફસામાં પ્રવાહી કે પરુ ઉત્પન્ન થાય છે. ફેફસામાં દુખાવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ અમુક ચેપને કારણે થાય છે. જો કે મોટાભાગના કિસ્સાઓમાં લોકો થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જાય છે, પરંતુ કેટલીકવાર તે ખૂબ ગંભીર બની જાય છે.

ન્યુમોનિયાના લક્ષણો
– સૂકી ઉધરસ
– ઉંચો તાવ
– શ્વાસની તકલીફ
– ફેફસામાં સોજો
– ઝાડા
– ઉલટી અથવા ઉબકા
– હંમેશા થાક લાગે છે
– શરીરમાં દુખાવો

ડબ્લ્યુએચઓ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં, આૅક્ટોબરના મધ્યથી ઉત્તરી ચીનમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોમાં વધારો નોંધવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે. જો કે, હજી સુધી એ કહી શકાય નહીં કે ચીનમાં શ્વસન સંબંધી રોગોમાં તાજેતરનો વધારો એ નવા વૈશ્વિક ચેપની શરૂઆતનો સંકેત છે કે નહીં. નોંધનીય છે કે સાર્સ અને કોવિડ -૧૯ બંનેને સૌ પ્રથમ ન્યુમોનિયાના અસામાન્ય પ્રકારો તરીકે વર્ણવવામાં આવ્યા હતા. આ દિવસોમાં ચીનમાં ફેલાતા શ્વસન રોગો મુખ્યત્વે ઈન્ફલ્યુએન્ઝા, ન્યુમોનિયા અને SARS-CoV-2 જેવા રોગો માટે જવાબદાર છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.