Western Times News

Gujarati News

ચેક પરત ફરતાં ભાવનગરના પૂર્વ નગરસેવિકાને એક વર્ષની કેદ

અદાલતે રૂ.૩.૮૦ લાખ દંડ પેટે ભરવા પણ હુકમ કર્યો

રાજકોટ, નાણાની જરૂરિયાત ઉભી થતાં ભાવનગરના પૂર્વ મહિલા કોર્પોરેટરે પિતાના મિત્ર પાસેથી ૧.૯૦ લાખ ઉછીના લીધા હતા જે પરત કરવા આપેલો ચેક રિટર્ન થતાં કોર્ટે મહિલાને એક વર્ષની સજા ફટકારી છે.

ભાવનગરના કળાનાળા, ઉપરકોટ, રસાલા કેમ્પ, લાઈન નં.૭માં રહેતા પીરછલ્લા વોર્ડના પૂર્વ નગરસેવિકા ઉષાબેન કિશનલાલ તલરેજાને પૈસાની જરૂરિયાત ઉભી થતા તેમના પતિ કિશનલાલ ગોરધનલાલ તલરેજજાના મિત્ર નરેશભાઈ મોહનભાઈ રાજાઈ રહે. જુના સિંધુનગર પાસેથી વગર વ્યાજે રૂ.૧,૯૦,૦૦૦ ઉછીના આપવાની માંગણી કરતા નરેશભાઈ રાજેએ આ રકમ આપી હતી અને તે સમયે ઉષાબેને તલરેજા એ તા.ર૧.૯.ર૦૧૯ના રોજ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી.

આ રકમ ચૂકવવા માટે તેમણે તા.૩.૧.ર૦ર૦ના રોજ અલ્હાબાદ બેંક, તળાજા રોડ શાખાનો રૂ.૧,૯૦,૦૦૦નો ચેક લખીને આપેલો હતો. આ ચેક નરેશભાઈએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સરદારનગર શાખામાં જમા કરાવતા વળતા દિવસે ખાતામાં પૂરતી રકમ ન હોવાના કારણે સાથે ચેક પરત ફર્યો હતો. આ ચેક પરત ફરતા નરેશભાઈ રાજાઈએ તેમના વકીલ મારફત ઉષાબેન તલરેજાને ગઈ તા.૧૩.૧.ર૦ર૧ના રોજ નોટિસ પણ મોકલી હતી તેમ છતાં ઉષાબેને બાકી રકમની ચુકવણી ન કરતા નરેશભાઈ રાજાઈએ ભાવનગરના પાંચમાં એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ ચાલી જતા બંને પક્ષના વકીલોની દલીલો, આધાર પુરાવા વગેરે ધ્યાને લઈ અદાલતે પૂર્વ નગરસેવિકા ઉષાબેન કિશનલાલ તલરેજાને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ કસુરવાર ગણી એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા ૩,૮૦,૦૦૦ નો દંડ ચૂકવવા હુકમ કર્યો હતો અને દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.