Western Times News

Gujarati News

વડોદરામાં રૂ. ર૭૦ કરોડના ખર્ચે નવા ૬ ફ્લાય ઓવરબ્રીજનું નિર્માણ થશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વડોદરામાં ફ્લાય ઓવર માટે આ વર્ષે રૂ. ર૭ કરોડ ફાળવ્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફ્લાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફ્લાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે.

વડોદરા મહાપાલિકાએ આ હેતુસર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલી રૂ. ર૭૦ કરોડની દરખાસ્તમાં આ વર્ષે કુલ રકમના ૧૦ ટકા પ્રમાણે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ર૭ કરોડ ફાળવવાની શહેરી વિકાસ વિભાગને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯-ર૦ના બજેટમાં સમગ્ર રાજ્યમાં મહાનગરોમાં ૭પ ફ્લાય ઓવરબ્રીજનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું.

તદ્દઅનુસાર, અમદાવાદ મહાનગરમાં ર૦ ફ્લાય ઓવરમાંથી રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૭ ફ્લાય ઓવર, સુરત મહાનગરમાં ૧૦ ફ્લાય ઓવર પૈકી ૮ ફ્લાય ઓવર  ઉપરાંત જામનગર અને ભાવનગર મહાનગરમાં એક-એક ફ્લાય ઓવરના નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરીઓ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી છે.

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ફ્લાય ઓવરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરમાં આ યોજના હેઠળ જે ૬ ફ્લાય ઓવર નિર્માણની મંજૂરી આપી છે, તેમાં વૃંદાવન ચાર રસ્તા જંકશન, ખોડિયાર નગર ચાર રસ્તા જંકશન, સરદાર એસ્ટેટ જંકશન, સંગમ ચાર રસ્તા જંકશન, વાસણા રોડ ચાર રસ્તા (પેટ્રોલ પંપ પાસે), સમા તળાવ પાસે ફ્લાય ઓવરબ્રીજનો સમાવેશ થાય છે.

રાજ્યમાં વધતી જતી વાહનોની સંખ્યાથી માર્ગો પર ટ્રાફિકના વધતા ભારણની સમસ્યા હળવી કરવામાં  ફ્લાય ઓવરને મુખ્યમંત્રીશ્રીએ આપેલી સૈદ્ધાંતિક મંજૂરીઓ આશીર્વાદરૂપ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.